Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોનાની થશે હાર... કાલે શોર્ટ ફિલ્મનું લોન્ચિંગ

રાજકોટના વરિષ્ઠ નાટ્ય કલાકારોએ અભિનય-સ્વર આપ્યોઃ વેગા ક્રિએટીવ સ્ટુડીયોનું સર્જન

રાજકોટ, તા. ર૬ : ૧૦૦ વર્ષ પહેલા ગાંધીજીએ કહેલું કે 'મહામારી કોઇપણ હોય, બચાવશે બે જ વાત : સંયમ અને સ્વચ્છતા' હાલની વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ (કોરોના) સંદર્ભે આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે.

રાજકોટના વેગા ક્રિએટીવ સ્ટુડીઓએ બનાવેલ મ્યુઝિકલ શોર્ટ ફિલ્મ 'કોરોનાની થાશે હાર'માં કોરોના મહામારીને હરાવવા ત્રણ મંત્રનું પાલન કરવાનો સંદેશો આપતી થીમને અસરકારક રીતે રજુ કરવામાં આવેલ છે. આ શોર્ટ ફિલ્મની પરિકલ્પના-લેખન-ગીત અને દિગ્દર્શન હિતેષ સિનરોજાનું છે. નિર્માણ-છાયાંકન અને સંકલન-હિમાંશુ સોઢા, સંગીત-પ્રશાંત સરપદડિયા, ધ્વનિમુદ્રણ-વ્રજ ઓડિયો, પ્રોગ્રામીગ, ઓડિયો મીકસીંગ અને માસ્ટરીંગ-રોકી જેસીંગ અને માર્ગદર્શન ડો. વિરલ દેસાઇ (વડોદરા)નું છે.

પ્રવકતા તરીકે અનોખો રંગ પુર્યો છે. રાજકોટના નાટ્યવિદ્દ ભરત યાજ્ઞિકે, તેમજ રાજકોટના વરિષ્ઠ રંગકર્મીઓ સર્વે હસન મલેક, નિર્લોક પરમાર, ભરત ત્રિવેદી, રમેશ કડવાતર, નયન ભટ્ટ, અરવિંદ રાવલ, શિવલાલ સુચક, સંજય કામદાર, વિરેન્દ્ર પુંજાણી, હિતેશ સિનરોજા અને ચેતન દોશીએ અભિયનની સાથે-સાથે પોતાના સ્વર દ્વારા જનજાગૃતિક સંગીતિકાને સમુધુર બનાવેલ છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જાહેર કરાયેલ 'હું પણ કોરોના વોરિયર' અભિયાનને અનુલક્ષીને અનેક વોરિયર્સ સાથે રાજકોટના રંગકર્મીઓએ પણ સોશ્યલ મિડિયાના માધ્યમથી નવલા સંદેશા દ્વારા કોરોનાને મ્હાત કરવા ત્રણ મંત્રનું પાલન કરવાની અસરકારક વાત રજુ કરી છે. તારીખ ર૭ મે ર૦ર૦ના દિવસે આ મ્યુઝિકલ શોર્ટ ફિલ્મ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર મુકવામાં આવશે.

(2:42 pm IST)