Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

મુંબઇથી રાજકોટ આવી તંત્રને જાણ ન કરતાં વર્ધમાનનગરના ઇશિતા શાહ સામે ફરિયાદ

કોરોના પોઝિટિવ વિસ્તારમાંથી આવ્યા હોઇ નિયમ ન પાળતાં એફઆઇઆર

રાજકોટ તા. ૨૬: લોકડાઉનને કારણે હાલમાં શહેરમાં કોઇપણ વ્યકિત કોરોના પોઝિટિવ ધરાવતાં શહેર કે ગામમાંથી આવે તો તેની પોલીસ, સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કન્ટ્રોલ રૂમ અથવા હેલ્પ લાઇન નં. ૧૦૪ ઉપર જાણ કરવાની હોય છે. પરંતુ વર્ધમાનનગરમાં એક મહિલા મુંબઇથી આવી હોઇ તે અંગે જાણ ન કરતાં એ-ડિવીઝન પોલીસને માહિતી મળતાં તેની સામે ગુનો નોંધ્યો છે.

હેડકોન્સ. આજી. જી. જાડેજાએ આ અંગે વર્ધમાનનગર-૮/૧૧ મુરલીધર સ્કૂલ પાસે દેરાસર રોડ ક્રિષ્ના અવંતિ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૧ બીજા માળે રહેતા ઇશિતાબેન ચંદ્રેશ શાહ (ઉ.૨૫) સામે આઇપીસી ૨૬૯, જીપીએકટ ૧૩૫ મુજબ કોરોના સંદર્ભના જાહેરનામાનો ભંગ કરવા સબબ ગુનો નોંધ્યો છે. આ મહિલા બે દિવસ પહેલા ખાનગી ટ્રાવેલ્સની બસમાં રાજકોટ આવ્યા હતાં. નિયમ મુજબ તે કોરોના પોઝિટિવ વિસ્તારમાંથી આવ્યા હોઇ તેણીને પોલીસ કન્ટ્રોલ રૂમ, સરકારી હોસ્પિટલ, અથવા કન્ટ્રોલ રૂમ અથવા હેલ્પ લાઇન નંબર પર જાણ કરવાની રહે છે. પરંતુ તેણે મુંબઇથી કોઇપણ અધિકારીની પરવાનગી વગર આવી રાજકોટમાં પ્રવેશ કરી લીધો હોઇ તેની જાણ કોઇ તંત્રને ન કરી કોરોના ચેપ ફેલાય તેવો સંભવ હોવા છતાં બેદરકારી દાખવ્યાનો ગુનો નોંધાયો છે. પીએસઆઇ જે. એમ. ભટ્ટ વધુ તપાસ કરે છે.

(3:19 pm IST)