Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ડાયાબિટીશ બ્લડપ્રેશરની બિમારીથી કંટાળી પટેલ વૃધ્ધે જિંદગી ટૂંકાવી

મવડીના ઘરેથી નીકળી નજીકમાં આવેલી વાડીએ જઇ ઝેર પી લીધું: પરિવારજનો શોધવા નીકળ્યા ત્યારે ઝેર પીધેલી હાલતમાં મળતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ...

રાજકોટ તા. ૨૬: મવડી ગામ કિશન પાર્ક-૧માં રહેતાં બટુકભાઇ ઉકાભાઇ સોરઠીયા (ઉ.વ.૬૦) નામના પટેલ વૃધ્ધે મવડીમાં જ ઘર નજીક આવેલી પોતાની વાડીમાં ઝેર પી જિંદગી ટૂંકાવી લેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

બટુકભાઇ ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી ન આવતાં પરિવારજનો શોધખોળ કરવા નીકળ્યા હતાં. તેઓ ઘણી વખત વાડીએ જતાં રહેતાં હોઇ ત્યાં તપાસ કરતાં તેઓ ઝેરી દવા પીધેલી હાલતમાં વાડીમાંથી મળી આવતાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ મારફત થતાં તાલુકા પોલીસ મથકના એએઅસાઇ અજીતસિંહ એમ. જાડેજા તથા રમેશભાઇ ચોૈહાણે જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ બટુકભાઇને સંતાનમાં એક પુત્ર છે. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. ડાયાબીટીશ, બ્લડપ્રેશર સહિતની બિમારીઓથી ઘેરાયેલા હોઇ કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું. (૧૪.૮)

(12:55 pm IST)