Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

રાજકોટમાં અમદાવાદવાળી ન થાય તે માટે ક્રિટીકલ કેર સોસાયટી મદદેઃ ર૦ ક્રિટીકલ કેર સુપર સ્પે. સેવા દેવા તૈયાર

કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓની હાલત ક્રિટીકલ બને તેવી સ્થિતિને પહોંચી વળવા તૈયારીઃ સિવિલના સુપ્રીન્ટેન્ડન્ટને મળ્યા

રાજકોટઃ ક્રિટીકલ કેર સોસાયટી ઓફ રાજકોટના પ્રેસીડન્ટ ડો. તુષાર પટેલના નેતૃત્વમા સીવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. મનીષ મહેતાને કોરોનાની સારવારમાં આવવા ૧૯ તબીબોએ તૈયારી દર્શાવી હતી તે તસ્વીર (તસ્વીર અશોક બગથરીયા)

રાજકોટ તા. ર૬ : કોવીડ ૧૯ ની મહામારીમાં ગુજરાતમાં દરરોજ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. તેમા અમદાવાદમાં સ્થિતિ દિનપ્રતિદિન ગંભીર બની રહી  છે કડક કાર્યવાહી ખુબ ચોકસાઇ રાખવા છતા કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં એકધારો સતત વધારો થઇ રહ્યો છે.

અમદાવાદ જેવી સ્થિતિ રાજકોટમાં ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે ક્રિટીકલ કેર સુપર સ્પેશ્યાલીટ તબીબો હવે કોરોનાની સારવાર માટે આગળ આવ્યા છે.

ક્રિટીકલ કેર સોસાયટી દ્વારા રાજકોટના ખાનગી હોસ્પીટલમાં ફરજ બજાવતા ર૦ ટોચના ક્રિટીકલ કેર સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો હવે કોવીડ ૧૯ સેન્ટરમાં સારવાર લેતા દર્દીઓની જો સ્થિતિ  ગંભીર કે ક્રિટીકલ થાય તો આ તબીબો સારવાર કરશે.

આજે રાજકોટ ક્રિટીકલ કેર સોસાયટીના તબીબોએ સીવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને રજુઆત કરીને કોરોના પોઝીટીવ દર્દીઓ કે જે વેન્ટીલેટર ઉપર હોય અને ગંભીર સ્થિતી હોય તેની સારવાર કરવામાં તૈયારી બતાવી છે.

આઇએસસીસીએમના પ્રેસીડન્ટ ડો. તુષાર પટેલે જણાવ્યું છે કે સમગ્ર દેશમાં વધી રહેલા કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને ઇન્ડીયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર મેડીસીન રાજકોટ બ્રાન્ચના નિષ્ણાત ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા સિવિલ હોસ્પીટલ રાજકોટ ખાતે આવીને કોવિડ હોસ્પીટલમાં હવેથી કોરોનાના દર્દીઓ માટે સેવાઓ આપવામાં આવશે જેના ભાગ રૂપે આઇએસસીસીએમ રાજકોટના ૧૯ નિષ્ણાંત ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા રાજકોટની કોવિડ હોસ્પીટલમાં દરરોજ કોઇ એક નિષ્ણાંત ડોકટર વિઝીટ કરીને કોરોનાના ગંભીર દર્દીની સારવારમાં પોતાનું યોગદાન આપશે.

ભવિષ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થાય તો રાજકોટ સિવિલની કોવિડ હોસ્પીટલમાં દર્દીને નિષ્ણાંત ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ દ્વારા સારવાર મળી રહે એના ભાગરૂપે ક્રિટીકલ કેર સોસાયટી ઓફ રાજકોટ દ્વારા રાષ્ટ્ર સેવા અને માનવ સેવા અર્થે આ પહેલ કરવામાં આવી છે.

રજુઆત સમયે ડો. તુષાર પટેલ પ્રેસિડેન્ટ-આઇ.એસ.સીસી.એમ.રાજકોટ જીવનદીપ ક્રિટીકલ કેર યુનિટ, ડો. અમિત પટેલ, સેક્રેટરી-આઇ.એસ.સી.સી.એમ-રાજકોટ સાર્થક હોસ્પીટલ એન્ડ આઇ.સી.યુ., ડો. તેજસ કરમટા, ડો. તુષાર બુધવાણી ગોકુલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, ડો. સંકલ્પ વણઝારા, સ્ટર્લીંગ હોસ્પિટલ, ડો. કૃણાલ દેસાઇ-સ્ટર્લીંગ હોસ્પિટલ, ડો. મયંક ઠક્કર, ડો. વિશાલ સદાતીયા-ગીરીરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, ડો. અર્ચિત રાઠોડ-જીનેસીમ હોસ્પિટલ, ડો. સમીર પ્રજાપતિ-મા હોસ્પિટલ, ડો. નરેશ બરાસરા-સેલસ હોસ્પિટલ, ડો.ભૂમિ દવે, ડો. વિમલ દવે-વોકહાર્ટ હોસ્પીટલ, ડો. ભાવિન ગોર, ડો. રમેશ માલમ-લેન્ડમાર્ક હોસ્પીટલ, ડો.મિલાપ મશરૂ, ડો. જીગર પાડલીયા-સીનર્જી હોસ્પિટલ, ડો. અમિત વસાણી, ડો.રીતેશ મારડીયા-મેડીસર્જ હોસ્પિટલ સહિતા ઉપસ્થિત રહેલ.(૬.૧૪)

 

(3:18 pm IST)