Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

લ્યો બોલો...કાંઇ નહિ તો ચોરટાવ એક બકરો ને ચાર બકરીની ચોરી કરી ગયા!

રણુજા મંદિર સામે ખોખડદળ નદી કાંઠે બનાવઃ એક નર બકરો સફેદ ટીલાવાળો, ચાર માદા બકરી જેમાં એક કાબરી, એક લાલ અને બે કાળી મળી ૩૭ હજારના જીવ ચોરાયાઃ રમેશભાઇ જખાણીયાની ફરિયાદ

રાજકોટ તા. ૨૬: લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે જ ચોરી-ચપાટી સહિતના બનાવો બનવા માંડ્યા છે. કોઠારીયા રોડ રણુજા મંદિર સામે ખોખડદળ નદી કાંઠે ભૂતનાથ મંદિર સામે રહેતાં અને પશુપાલન તથા ભંગારની ફેરી કરી ગુજરાન ચલાવતાં દેવીપૂજક યુવાનના ઘરના ડેલામાંથી કોઇ રૂ. ૩૭ હજારના પાંચ બકરા-બકરી ચોરી જતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે આજીડેમ પોલીસે રમેશ રૂડાભાઇ જખાણીયા (ઉ.૨૫)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે આઇપીસી ૩૮૦, ૪૫૭ મુજબ ગુનો નોંધ્યો છે. રમેશના કહેવા મુજબ હું પરિવાર સાથે રહુ છું અને ઘેટા બકરા રાખી પશુપાલન કરવાની સાથે ભંગારની ફેરી કરીને ગુજરાન ચલાવું છું. મારી પાસે નાના-મોટા કુલ ૧૪ બકરા છે. આ બકરા ઘર પાસે મોટા ભાઇ કેશુભાઇના બંધ ડેલામાં હું રાખુ છું. ૨૪મીએ સાંજે આ બધા બકરાને મેં ડેલામાં પુર્યા હતાં. રાતે નવેક વાગ્યે અમે સુઇ ગયા હતાં. એ પછી રાતે દોઢેક વાગ્યે બકરા બામરતા હોઇ જાગીને હું જોવા જતાં ડેલામાં ૯ જ બકરા હતાં. પાંચ બકરા ગાયબ હતાં.

જેમાં એક નર બકરો ૮ માસનો સફેદ ટીલાવાળો કાળા રંગનો રૂ. ૭ હજારનો, બીજી ચાર માદા બકરી જેમાં એક કાબરી  (ઉ.૨ વર્ષ) કિંમત રૂ. ૭ હજાર, લાલ બકરી (ઉ.૪ વર્ષ) કિંમત રૂ. ૮ હજાર, બે કાળી બકરી (ઉ.૧વર્ષ) કિંમત રૂ. ૧૫ હજાર મળી કુલ પાંચ બકરા ગૂમ હતાં. મારી પત્નિ રતનને બોલાવી તપાસ કરી હતી પણ બકરા મળ્યા નહોતાં. કુલ ૩૭ હજારના બકરા-બકરી કોઇ ડેલામાંથી ચોરી ગયા હતાં.

હેડકોન્સ. એમ. બી. જાડેજાએ ગુનો નોંધી બકરા ચોરી જનારાને શોધવા તપાસ હાથ ધરી છે.

(12:53 pm IST)