Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સાત હનુમાન ચેકપોસ્ટ પરથી ટ્રાવેલ્સ બસમાં બે બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા

પોરબંદરનો સાગર વાંજા, રાજકોટનો અમિત રાઠોડ અને જામજોધપુરનો અજય ભારાઇ ઝપટે ચડ્યાઃ ત્રણ મોબાઇલ, ૧૦ લાખની બસ પણ કબ્જે

રાજકોટ તા.૨૬: થોડા દિવસો પહેલા ગોંડલ પંથકના ડ્રાઇવર-કલીનર મજૂરોને એમપી બોર્ડર ખાતે લકઝરી બસ લઇને મુકવા ગયા ત્યારે વળતાં દારૂની બોટલો લેતા આવ્યા હતાં અને નવાગામ સાત હનુમાન ચેકપોસ્ટ પર પકડાઇ ગયા હતાં. ત્યાં ગત રાતે વધુ એક બસને પોલીસે અટકાવી તલાશી લેતાં અંદરથી બે બોટલદારૂ મળતાં કબ્જે કરી બે ડ્રાઇવર અને એક કલીનરની ધરપકડ કરી કુલ ૧૦,૧૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. કે. રાઠોડ, કોન્સ. કિશનભાઇ અજાગીયા સહિતનો સ્ટાફ લોકડાઉન બંદોબસ્તમાં નવાગામ સાત હનુમાન ચેકપોસ્ટ પર હતો ત્યારે જીજે૦૩બીવી-૦૯૧૧ નંબરની બસ આવતાં તેને અટકાવી તલાશી લેતાં અંદરથી રૂ. ૧૬૦૦ની બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની બે બોટલ મળી હતી. પોલીસે તે કબ્જે કરી બસના ડ્રાઇવરો સાગર અરવિંદભાઇ વાંજા (રહે. તિરૂપતી બાલાજી મંદિર પાછળ, જ્યુબીલી પોરબંદર), અમિત અશોકભાઇ રાઠોડ (રહે. શાસ્ત્રીનગર-૧૦, રામાપીર ચોકડી રાજકોટ) તથા કલીનર અજય નાથાભાઇ ભારાઇ (રહે. જામજોધપુર ગીંગણી જકાતનાકા રબારીવાસ) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસે દારૂની બોટલો, ત્રણ મોબાઇલ ફોન અને દસ લાખની બસ કબ્જે કર્યા હતાં. આ ત્રણેય બહારગામ ગયા હોઇ ત્યાંથી પરત આવી રહ્યા હતાં ત્યારે પીવા માટે બોટલો લીધાનું રટણ કર્યુ હતું. વિશેષ પુછતાછ થઇ રહી છે.

(11:20 am IST)