Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જાગૃત બન્યા લોકો...... આજે ૮ વોર્ડમાં માસ્કનો એક પણ દંડ નહિ

૧૮ પૈકી ૧૦ વોર્ડનાં ૩૮ લોકો માસ્ક વિના દંડાયાઃ ૭૬૦૦નો દંડઃ સૌથી વધુ વોર્ડ નં.૧૧માં ૧૪ લોકો માસ્ક વિના પકડાયા

રાજકોટ, તા., ૨૫: શહેરમાં ફરજીયાત માસ્ક અંગેનાં જાહેરનામાનાં  ભંગ બદલ આજે વધુ ૩૮ લોકો દંડાયા હતા અને રૂ.૨૦૦ લેખે રૂ.૭,૮૦૦નો દંડ ભર્યો હતો. શહેરનાં કુલ ૧૮ વોર્ડ પૈકી ૮ વોર્ડમાં તમામ લોકો માસ્ક પહેરી નિકળ્યા હતા. આજે સૌથી વધુ વોર્ડ નં.૧૧માં ૧૪ લોકો માસ્ક વિના નિકળતા દંડાયા હતા.

શહેરમાં કોરોનાના સંક્રમણને પ્રસરતો અટકાવવા રાજકોટ શહેરમાં તમામ લોકો માટે માસ્ક પહેરવું ફરજીયાત જાહેર કરેલ છે, ઘરથી બહાર નીકળનાર વ્યકિતએ મોઢું અને નાક ઢંકાય તે માટે માસ્ક અથવા હાથ રૂમાલ અથવા અન્ય કાપડ મોઢે બાંધવું ફરજીયાત બનશે. આ જાહેરનામાનો અમલ તા. ૧૩ એપ્રિલથી કરવામાં આવ્યા હતો. શહેરમાં મ્યુનિ. કમિશનર દ્વારા જાહેર કરેલ જાહેરનામાનો ભંગ કરવા બદલ એટલે કે માસ્ક અથવા મોંઢું ઢાંકયા વગર નીકળતા દંડાયા હતા. જેમાં વોર્ડ નં. ર માં ૫, વોર્ડ નં. પ માં ૪, વોર્ડ નં. ૯ માં ર, વોર્ડ નં. ૧૦માં ૪, વોર્ડ નં. ૧૧ માં ૧૪, વોર્ડ નં. ૧ર મા ૪, વોર્ડ નં. ૧૩ માં ૧, વોર્ડ નં. ૧૪ માં ૧, વોર્ડ નં. ૧૬ માં ૨, વોર્ડ નં. ૧૭ માં ૧ સહીત કુલ૩૮ લોકોએ રૂ. ૭,૮૦૦નો દંડ ભર્યો હતો. 

હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જાહેરનામાંનો અમલ કરાવવા માટે મનપાના વિવિધ કેટેગરીના અધિકારીઓને સત્તા સુપરત કરવામાં આવી છે. જેમાં આસીસ્ટન્ટ મેનેજર, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર એસ્ટેટ ઇન્સ્પેકટર, તેમજ લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરને સત્તા સુપરત કરી શહેરના વિવિધ પોઈન્ટસ પર ફરજ સોંપવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે મ્યુ. કોર્પોરેશન દ્વારા ફરજીયાત માસ્ક અંગેના જાહેરનામાના ભંગ બદલ રૂ. ૧૦૦૦ અને રૂ. પ૦૦૦નો દંડ વસુલવામાં આવતો હતો. પરંતુ રાજય સરકાર દ્વારા  માસ્કનો દંડ રૂ. ર૦૦ વસુલવા નકકી કરવામાં આવ્યો છે ત્યારે મ્યુ. કોર્પોરેશન દ્વારા માસ્ક વિના નિકળતા લોકોને રૂ. ર૦૦નો દંડ ફટકારવામાં આવે છે.

કયાં - કયાં વોર્ડમાંં માસ્કનો એકપણ કેસ નહિ

* વોર્ડ નં.૧

* વોર્ડ નં.૩

* વોર્ડ નં.૪

* વોર્ડ નં.૬

* વોર્ડ નં.૭

* વોર્ડ નં.૮

 * વોર્ડ નં.૧૫

 * વોર્ડ નં.૧૮

કયાં ઝોનમાં

કેટલા દંડાયા

ઝોન        માસ્ક નપહેરનાર

ઇસ્ટ         ૬

સેન્ટ્રલ       ૮

વેસ્ટ         ૨૪

કુલ          ૩૮

(3:49 pm IST)