Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રાજકોટ જેલમાં કેદી ભાઇ-બહેનોએ નમાઝ બાદ કરી ઇદની ઉજવણીઃ હિન્દુ કેદીઓએ પણ રોજા રાખી કોમી એકતા દાખવી

દેશ કોરોનામાંથી મુકત થાય તેવી પ્રાર્થના કરી એક બીજાને સોશિયલ ડિસટન્સ સાથે ઇદ મુબારક પાઠવ્યાઃ જેલ તંત્રએ ખીરખુરમો પિરસ્યોઃ ૧૯૦ કેદી ભાઇ-બહેનોએ આખા મહિનાના રોજા રાખ્યા હતાં

રાજકોટઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાયેલી છે ત્યારે સોૈ કોઇ તકેદારી રાખી રહ્યા છે. મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જરૂરી છે. રાજકોટ જેલમાં આજે રમઝાન ઇદની ઉજવણી પણ આ નિયમો સાથે થઇ હતી. કેદી ભાઇ-બહેનોએ સવારે ઇદની નમાઝ અદા કરી હતી અને બાદમાં એક બીજાને ઇદ મુબારક પાઠવ્યા હતાં. પવિત્ર રમઝાન માસ દરમિયાન કેદીઓ રોઝા રાખી શકે અને સાંજે ઇફતાર કરી શકે તે માટે જેલ તંત્ર તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેલમાં કાચા-પાકા તથા પાસના કુલ ૧૬૬ પુરૂષ કેદીઓ તથા મહિલા મુસ્લિમ કેદીઓ તેમજ પાક કામના ૨૪ પુરૂષ અને મહિલા હિન્દુ કેદી ભાઇ-બહેનો મળી કુલ ૧૯૦ કેદીઓએ સંપુર્ણ રમઝાન માસના રોજા રાખ્યા હતાં. હિન્દુ ભાઇ-બહેનોએ પણ રોજા રાખી કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આજે રમઝાન ઇદની નમાઝ માટે પણ જેલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.  સોશિયલ ડિસ્ટન્સ સાથે નમાઝ અદા કરવામાં આવ્યા બાદ એક બીજાને ઇદની શુભકામના પાઠવાઇ હતી. પાકા કેદી હુશેનભાઇ સુલતાનભાઇ શેખ દ્વારા નમાઝ પઢાવવામાં આવી હતી. જેલ વિભાગે આજના દિવસે ખીર-ખુરમાની મિઠાઇ કેદીઓને પીરસી હતી. સંપુર્ણ કામગીરી જેલની શિસ્ત અને સલામતિને ધ્યાને રાખીને કરવામાં આવી હતી. તમામ કેદીઓએ પણ તેમાં સહકાર આપ્યો હતો. કોરોનાની મહામારી ઝડપથી વિશ્વભરમાંથી નાશ પામે તેવી પ્રાર્થના પણ કેદીઓએ કરી હતી. જેલ અધિક્ષકશ્રી, નાયબ અધિક્ષકશ્રી, તમામ જેલર તથા સ્ટાફની ટીમે કેદીઓને ઇદ મુબારક પાઠવ્યા હતાં અને તેઓ વહેલી તકે સજા મુકત થઇ પરિવારજનો સાથે રહે તેવી શુભેચ્છા પાઠવાઇ હતી.

(2:51 pm IST)