Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

મામલતદાર જાનકીબેન કોરોના યોધ્ધા : કોરોના સંક્રમણ અટકાવવા સેલ્ફ ડ્રાઇવ કરીને હોસ્પિટલે પહોંચ્યા

અમદાવાદમાં જ તબિયત નરમ થતાં એકલા કાર ડ્રાઇવ કરી સીધા જ સારવાર માટે પહોંચ્યા

રાજકોટ તા. ૨૫ : અમદાવાદમાં અસારવા ખાતે મામલતદાર પદે ફરજ બજાવતા અને રાજકોટના ડે.કલેકટર જે.કે.પટેલના પુત્રી એવા જાનકીબેને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના 'હું પણ કોરોના યુધ્ધા'નું અભિયાન સાર્થક કરી બતાવ્યું. કેમકે જાનકીબેનને પોતે કોરોનાથી સંક્રમિત થયા હોવાની શંકા જતા તેઓએ અન્ય કોઇને ચેપ ન લાગે તેની પૂરેપૂરી તકેદારી રાખી અને અમદાવાદથી રાજકોટ સુધી એકલા જાતે પોતાની કાર ડ્રાઇવ કરી અને સીધા જ ક્રાઇસ્ટ હોસ્પિટલે પહોંચ્યા હતા. જ્યાં તેઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 

આમ, જાનકીબેને અન્ય લોકોને કોરોનાથી સંક્રમિત થતાં બચાવ્યા એટલું જ નહિ તેમના પતિ જયેશભાઇને પણ જાનકીબેને દુર રાખ્યા હતા. જયેશભાઇ પણ અલગથી સેલ્ફ ડ્રાઇવ કરીને રાજકોટ પહોંચ્યા હતા તેઓનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

આમ, જાનકીબેને સાબિત કરી દીધું કે તેઓ સાચા કોરોના યોધ્ધા છે. તેઓએ લાગણીઓને કાબુમાં રાખી અનેક લોકોને કોરોનાના સંક્રમણથી બચાવી લીધા હતા અને લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

(2:50 pm IST)