Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ગરીબોના ઘઉં-ચોખા-ખાંડ કાળાબજારમાં ધકેલી દિધાઃકલેકટર-DSO ત્રાટકયાઃ દુકાનદારનું ૯૦ દિ' લાયસન્સ રદ

બાતમી મળતા જ કલેકટર રેમ્યા મોહને DSO મારફત ઓપરેશન હાથ ધરાવ્યું: ઇન્સ્પેકટરો પરસાણીયા-ઝાલા દ્વારા આખો દિ' કામગીરી : નવલનગરના સસ્તા અનાજના દૂકાનદાર જીતેન્દ્ર સોલંકીને સરકારે મે માસના ઘઉં-ચોખા-ખાંડ ગરીબોને દેવા 'મફત' આપ્યા અને દૂકાનદારે રોકડી કરી લીધીઃ શહેર-જીલ્લાની શંકાસ્પદ તમામ દુકાનોમાં તપાસ કરવા આદેશો : દુકાનદારે ૩૩૩૧ કિલો ઘઉં ૧૧પ૦ કિલો ચોખા અને ૪૭૮ કિલો ખાંડ વેચી મારીઃ હવે પોલીસ ફરિયાદની તજવીજ

રાજકોટ તા. રપ :.. શહેરના એક સસ્તા અનાજના દૂકાનદાર જીતેન્દ્ર સોલંકીએ ગરીબોને આપવાનો જથ્થો બારોબાર વેચી નાખ્યાનું દરોડા દરમિયાન બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

લોકડાઉન સમયે જ આવુ કૌભાંડ બહાર આવતા ચોંકી ઉઠેલા કલેકટરશ્રી રેમ્યા મોહને શહેર-જીલ્લાની ૭૦૦ માંથી અનેક દૂકાનોનું ૮ દિ' માં આકસ્મિક ચેકીંગ કરવા આદશો આપતા ડીએસઓ શ્રી પૂજા બાવડાએ આજથી પોતાના ચીફ સપ્લાય ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા અને તેમની ટીમને કામે લગાડી દિધી છે, ગુરૂવાર સુધીમાં આનો રીપોર્ટ આવી જશે તેમ સુત્રોએ ઉમેર્યુ હતું.

ઉપરોકત વિગતો મુજબ રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનને બાતમી મળી હતી કે, ૪-નવલનગરમાં આવેલ સસ્તા અનાજના દુકાનદાર જીતેન્દ્ર ભીખાભાઇ સોલંકી મે માસનો સરકાર દ્વારા મોકલાયેલ ઘઉં-ચોખા-ખાંડનો જથ્થો લોકડાઉન અને કોરોના વિપરીત સમયમાં બારોબાર વચી નાખે છે.

પરીણામે કલકટરે ડીએસઓ પુજા બાવડાને તપાસના આદેશો આપતા ડીએસઓ પોતે ચીફ સપ્લાય ઇન્સ્પેકટ શ્રી હસમુખ પરસાણીયા, ઇન્સ્પેકટર શ્રી કિરીટસિંહ ઝાલા અને ટીમને સાથે રાખી ઉપરોકત દુકાનદારને ત્યાં દોડી ગયા હતાં.

ગઇકાલ રવિવારે જ તપાસનો ધમધમાટ શરૂ કરી મોડી સાંજ સુધી સ્ટોકની ગણત્રી કરતા ૪પ હજારના ઘઉં-ચોખા અને ખાંડ બારોબાર વેચી નાખ્યાનો ધડાકો થયો હતો.

પુરવઠા અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે ૬૬ કટ્ટા ઘઉં એટલે કે, ૩૩૩૧ કિલો ઘઉં, રર કટ્ટા ચોખા-એટલે કે ૧૧પ૦ કિલો ચોખા અને ૪૭૮ કિલો ખાંડ (૮ કટ્ટા) બારોબાર વેચી નાંખ્યાનું ખૂલ્યું હતું, જયારે ચણા-મીઠુ-કેરોસીનમાં કોઇ સ્ટોક તફાવત નીકળ્યા ન હતો, દુકાનદારે દરોડા દરમિયાન ઓનલાઇન સ્ટોકપત્રક રજુ કરતા તે અને દુકાનમાં પડેલ હાજર જથ્થાની ગણતરી કરતા ઉપરોકત તફાવત નીકળી પડયો હતો.

સરકાર વિનામૂલ્યે સતત પાંચમી વખત ગરીબો, બીપીએલ-અત્યોંદય કાર્ડ હોલ્ડરોને દુકાનદારો મારફત જથ્થો આપી રહી છે, અને આ દુકાનદારે બારોબાર જથ્થો વેચી નાંખ્યાનું બહાર આવતા કલેકટર ચોંકી ઉઠયા હતા. અને શહેર જીલ્લાની ૭૦૦ દુકાનોમાંથી જે શંકાસ્પદ હોય તે તમામ દુકાનની આકસ્મિક તપાસણી કરી ગુરૂવાર સુધીમાં રીપોર્ટ કરવા ઇન્સ્પેકટરોને આદેશ કર્યા છે.

દરોડા દરમિયાન અન્ય ગેરરીતિમાં ભાવ તથા સ્ટોકનું બોર્ડ નહોતું., એનએફએસએ બોર્ડ અને અન્ન આયોગ-ગાંધીનગરને ફરીયાદ કરવા અંગેનું બોર્ડ પણ હોય તે મૂવો પણ આવરી લેવાયેલ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે ઉપરોકત સસ્તા અનાજના દુદુકાનદારે મે માસનો પુરવઠો કે જે રેશનકાર્ડધારકોને વિનામૂલ્યે વિતરણ કરવાનો હતો તેમાંથી દરોડા દરમિયાન બહાર આવેલ ઉપરોકત ઘટ્ટવાળો જથ્થો બારોબાર ઉંચા ભાવે વેચી નાંખ્યાનું કાળાબજારમાં ધકેલી દીધાનું બહાર આવ્યું છે.

સસ્તા અનાજના દુકાનદારે આચરેલી આવી ગંભીર પ્રકારની ગેરરીતિ સંદર્ભે ડીએસઓ શ્રી પૂજા બાવડાએ તાકીદે પગલા ભરી ગઇકાલે જ સસ્તા અનાજના દુકાનદાર જીતેન્દ્ર સોલંકીનું લાયસન્સ ૯૦ દિ' માટે સસ્પેન્ડ કરી કલેકટરને રીપોર્ટ કરી દીધો છે.

હવે કલેકટરની મંજુરી બાદ આ દુકાનદાર સામે ફોજદારી સહિતના આકરા પગલા લેવા અંગે કાર્યવાહી કરાશે તેમ સાધનોએ ઉમેર્યું હતું.

(2:49 pm IST)