Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લોકડાઉન વચ્ચે ઇદુલફિત્રની સર્વત્ર સાદાઇથી ઉજવણી

એક તરફ લોકડાઉન-બીજી તરફ કાળઝાળ ગરમી, તેમાં પણ ર૯ના બદલે ૩૦ રોઝા થયાઃ 'અકિલા'નો દોઢ મહિના પૂર્વેનો અહેવાલ સત્ય ઠર્યો : બે મહિનાથી મસ્જિદો બંધ જ હોઇ, આજે પાવન અવસરે દેશની સુખાકારી, સમૃધ્ધિની ઘરે ઘરે પરિવારો દ્વારા દુઆઓ મંગાયાની ઐતિહાસિક ઘટના : આખો મહિનો મુસ્લિમ સમાજે ઘરમાં જ ઇબાદત કરીઃ રમઝાન માસ સુખરૂપ પુર્ણ કર્યાનો આજે સવારે વધારાની નમાઝ પઢીને ખુદાનો આભાર માન્યોઃ કોરોનાની મહામારી સામે 'સોશ્યલ ડીસ્ટન્સ'નો પણ સાથો સાથ આપોઆપ અમલ

ઇદના પાવન અવસરે ઇદગાહ-મસ્જીદો બંધ હોવાના લીધે મુસ્લિમ બિરાદરોએ પોત-પોતાની રીતે ઘરમાં જ રહીને નમાઝ પઢેલ જે તસ્વીરમાં નજરે પડે છે.    : છેલ્લા બે મહિના થયા લોકડાઉનના લીધે રાજકોટ શહેરની તમામ મસ્જીદોનાં પ્રવેશદ્વાર ઉપર તાળા લગાડી સુચના બોર્ડ લગાડી દેવામાં આવેલ છે. જે મસ્જીદો આજના ઇદના દિવસે પણ બંધ રહેલ તે પૈકી  રાજકોટના સદર વિસ્તામાં આવેલ જુમ્મા મસ્જીદ આજ પણ બંધ રહેલ તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(ફાઇખ દ્વારા) રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઇદની સાદાઇથી ઉજવણી કરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ રોઝા ગઇકાલે રવિવારે સાંજે પુરા થતા આજે રાબેતા મુજબ ઇદનો દિવસ હતો પણ લોકડાઉનની સ્થિતિ વચ્ચે, કોરોના વાયરસની મહામારીમાં અનેક પ્રતિબંધો લાગૂ હોઇ સર્વત્ર ઇદુલફિત્રની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી.

લોકડાઉનની સ્થિતિ વચ્ચે આખો મહિનો મુસ્લિમ સમાજે ઘરમાં જ રહી ઇબાદત કરી હતી. લોકડાઉનની પહેલાં થી જ મસ્જીદો વિગેરે ધાર્મિક સ્થળો બંધ હોવાના કારણે નમાઝ વિગેરે ઇબાદત ઘરમાંજ કરવાની રહેતી હતી અને રોજીંદી પ્રવૃતિઓ પણ સદંતર ઠપ રહેતા આખો રમઝાન માસ જે તે સહપરિવારે ઘરમાં જ રહી પુરો કર્યો હતો.

એ જ રીતે આજે સવારે મુસ્લિમ સમાજે રમઝાન માસ સુખરૂપ પુર્ણ કર્યા એ બદલ વધારાની નમાઝ પઢીને ખૂદાનો આભાર માન્યો હતો.

આ વધારાની નમાઝ પણ મુસ્લિમ બિરાદરોએ ખુશી વ્યકત કરતા ઘરમાંજ પઢી હતી. હાલમાં લોકડાઉન-૪ માં પણ મસ્જીદો બંધ છે અને છેલ્લા બે મહિનાથી મસ્જીદો બંધ જ હોઇ દેશની સુખ-સમૃધ્ધિ - શાંતિ- ભાઇચારાની ઘરે ઘરે પરિવારો દ્વારા દુઆઓ માંગવામાં આવી છે અને કલમ-૧૪૪ લાગુ હોવાના લીધે કયાંય સમૂહ શકય ન હોઇ, સામૂહિક નમાઝ શકય ન હોઇ આવું પ્રથમ વાર બનતા એક ઐતિહાસીક બીના બની છે. એ સાથે -સાથે 'કોરોના' મહામારીમાં સાવચેત રહેવ માટે 'સોશ્યલ-ડીસ્ટેન્સ'નો પણ આપો આપ અમલ થઇ ગયો છે.

બીજી તરફ હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે રમઝાન માસ પુરો પસાર થયો છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી રમઝાન માસના ર૯ રોઝા થતા હતા પરંતુ આ વખતે આ પરંપરા તૂટી હતી અને આકરા તાપ વચ્ચે ૩૦ રોઝા પુરા થઇ ગઇકાલે રવિવારે ચંદ્રદર્શન શકય થયેલ હતું.

રાજકોટ જ નહીં. સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર આજે બે મહિના થયા મસ્જીદો બંધ હોઇ શુક્રવારની નમાઝ પણ બંધ છે લોકો પોતાની નમાઝ ઘરે પઢે છે આમ આખો રમઝાન માસ પણ વચ્ચે આવી જતા આ ઇબાદત પણ ઘર બેઠા થઇ હતી ત્યારે આજે ઇદગાહો બંધ હોઇ ઇદની નમાઝ પણ બંધ હોઇ મુસ્લિમ બિરાદરોએ ઘરમાં જ વધારાની નમાઝ પઢી આજ સવારે ઇદની ખુશી વ્યકત કરી હતી.  

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય નાના - મોટા ગામો કે શહેરોમાં પણ મસ્જીદો - ઇદગાહો બંધ હોઇ સવારના સમયે મુસ્લિમ બિરાદરો ઘરમાં જ હોવાના કારણે અને ઘરમાં જ વધારાની નમાઝ પઢવાની હોય ચહલ પહલનો પણ અભાવ દેખાતા સર્વત્ર ઇદની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી.

બીજી તરફ દરેક ગામ કે શહેરના ઉલેમાઓ અને અગ્રેસરો દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતિ અને કલમ-૧૪૪ અન્વયે સામુહિક પ્રાર્થના ઉપર મનાઇ હોય તમામ મુસ્લિમ સમાજને ઇદના અવસરે ઘરે જ નમાઝ પઢવા અગાઉથી જ અપીલ કરી દેવામાં આવી હતી.

આ ઉપરાંત છેલ્લા બે મહીના થયા કોરોના વાયરસની સામે સાવચેતીરૂપે  ચાલી રહેલ લોકડાઉનમાં લોકો ઘરમાં જ હોઇ, રોજીંદી પ્રવૃતિઓ પણ ઠપ હોઇ તેના લીધે પણ ઇદને સાદાઇથી જ મનાવવામાં આવી છે.

'૩૦ રોઝા પુરા થશે' નો  દોઢ મહિના  પહેલાનો 'અકિલા'નો અહેવાલ સત્ય ઠર્યો

 ગઇકાલે રવિવવારે સાંજે ચંદ્ર દર્શન આકાશમાં થતાં આજે ઈદની ઉજવણી થઇ રહી  છે. આ અંગેનો સચોટ અહેવાલ રમઝાન માસ ગત તા. ૨૫-૪-૨૦૨૦થી શરૂ થયેલ તેના ૧૨  દિ' પહેલા ગત તા. ૧૪-૪-૨૦૨૦ના 'અકિલા' દૈનિકમાં પ્રસિદ્ધ થયેલ જે અક્ષરસઃ સંપૂર્ણ સત્ય ઠર્યો છે.  જેમાં પણ ગત છેલ્લા ત્રણ વર્ષથી થતાં ૨૯ રોઝાની પરંપરા તુટી આ વખતે  ૩૦ રોઝા પૂરા થશે જે ૮ કોલમ હેડિંગમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયેલ જે દોઢ મહિના પૂર્વનો અહેવાલ સત્ય ઠરેલ, તેની પ્રતિકૃતિ અહીં રજુ છે. એત્રે એ નોંધનીય છે કે લોકડાઉનની સ્થિતીમાં છાપખાના બંધ હોય  રમઝન માસના  સમયપત્રક  પ્રસિદ્ધ થઇ શકયા ન હતા. જે સમયપત્રક પણ પ્રથમવાર દોઢ મહિના પહેલા 'અકિલા' દૈનિકમાં પ્રસિદ્ધ કરી રોઝાદારોની સેવા પુરી પાડવામાં આવી હતી.

(2:52 pm IST)