Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ચા પીવા ઘરે બોલાવી મિત્રએ મિત્રને છરીના ૧૬ ઘા ઝીંકયા

મનહરપરાના પ્રમોદ કોળીએ પોતાની ૧૪ વર્ષની દિકરીની મિત્ર સુરેશ કોળીએ છેડતી કર્યાની શંકાને કારણે પતાવી દેવા હુમલો કર્યોઃ ખોખડદળ જડેશ્વર પાર્કનો સુરેશ ગંભીર હાલતમાં સારવાર હેઠળઃ પેટ, છાતી, હાથમાં આડેધડ ઘા ઝીંકી માથામાં હથોડી પણ ફટકારીઃ ડોકટર સારવાર કરતાં હતાં ત્યારે સુરેશે ફોનમાં વાત કરતાં કહ્યું- હું સાંજ સુધી ઘરે નહિ આવું, હવે ફોન ન કરજો...

રાજકોટ તા. ૨૬: શહેરમાંહત્યાની કોશિષનો વધુ એક બનાવ બન્યો છે. થોરાળાના મનહરપરામાં રહેતાં કોળી શખ્સે ખોખડદળ પાસે જડેશ્વર પાર્કમાં રહેતાં પોતાના જ મિત્ર કોળી યુવાનને ચા પીવા ઘરે બોલાવી આડેધડ છરીના ૧૬ જેટલા ઘા ઝીંકી તેમજ હથોડી પણ ફટકારતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પોતાની દિકરીની મિત્રએ છેડતી કરી છે એવી મનહરપરાના કોળી શખ્સને શંકા હોઇ તેના કારણે પતાવી દેવાની કોશિષ થયાનું બહાર આવ્યું છે.

ખોખડદળ પાસે જડેશ્વર પાર્કમાં રહેતાં સુરેશ વાઘજીભાઇ રોજાસરા (ઉ.૩૮) નામના કોળી યુવાનને બપોરે લોહીલુહાણ હાલતમાં ૧૦૮ના ઇએમટી ધર્મેશભાઇ બારૈયા અને પાઇલોટ સિવિલ હોસ્પિટલે લાવ્યા હતાં. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાની પ્રાથમિક પુછતાછમાં સુરેશે પોતાને મનહરપરામાં પ્રમોદે છરી-હથોડીથી હુમલો કરી ઇજા કર્યાનું જણાવતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી.

સુરેશને પેટના ભાગે છ જેટલા ઘા, હાથમાં પાંચેક ઘા અને છાતીમાં ચાર જેટલા છરીના ઘા ઝીંકાયા હોઇ તબિબોએ તાકીદે સારવાર કરી હતી. સુરેશે પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું હતું કે હુમલો કરનાર પ્રમોદ મારો મિત્ર જ છે. મને ગઇકાલે સાંજે પ્રમોદે ફોન કરી ઘરે આટો મારવા આવવાનું કહ્યું હતું. બાદમાં આજે સવારે સાડા અગિયારેક વાગ્યે તેનો ફરીથી ફોન આવ્યો હતો અને ચા પીવા ઘરે આવવાનું કહેતાં હું તેના ઘરે ગયો હતો.

આ વખતે તેની ૧૪ વર્ષની દિકરી જેને બધા ચકલી કહીને બોલાવે છે એ ચા બનાવવા ગઇ હતી. હું ખુરશીમાં બેઠો હતો. મિત્ર પ્રમોદ ઉભો થઇને રૂમમાં ગયો હતો. થોડીવાર બાદ અચાનક જ પાછળથી મારા પર છરીથી તે તૂટી પડ્યો હતો. જોત જોતામાં તેણે આડેધડ પંદર-સોળ ઘા ઝીંકી દીધા હતાં. તેમજ હથોડી ત્યાં પડી હોઇ તે પણ ઉપાડીને માથામાં ફટકારી દીધી હતી.  મેં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને પ્રમોદ ભાગી ગયો હતો. કોઇએ ૧૦૮ બોલાવતાં મને દવાખાને પહોંચાડાયો હતો. પ્રમોદને લોકોએ હુમલો શા માટે કર્યો? તેમ પુછતાં તેણે એવું કહ્યું હતું કે સુરેશે મારી દિકરીની છેડતી કરી છે, એટલે હુમલો કર્યો છે.

ગંભીર ઇજાગ્રસ્ત સુરેશ ચાર ભાઇ અને એક બહેનમાં નાનો છે અને ટ્રક ડ્રાઇવીંગ કરે છે. તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેની પત્નિનું નામ ભાવના છે. તેના મિત્ર પ્રમોદને સંતાનમાં ૯ વર્ષનો પુત્ર ટકો અને ૧૪ વર્ષની પુત્રી ચકલી છે. તે ઇમિટેશનનું કામ કરે છે. પ્રમોદની પત્નિ હયાત નથી. થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. જે. કે. ગઢવી અને આનંદભાઇએ હોસ્પિટલે પહોંચી પી.આઇ. સોનારાની રાહબરી હેઠળ  સુરેશની ફરિયાદ પરથી પ્રમોદ વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધવા તજવીજ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સુરેશે પ્રમોદની દિકરીની છેડતી કર્યાનો આરોપ મુકી આ હુમલો કરાયો હતો. આરોપી પકડાયા બાદ સાચી વિગતો બહાર આવશે.

ઉલ્લેખનિય છે કે સુરેશને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે લાવવામાં આવ્યો અને ડોકટરે સારવાર ચાલુ કરી ત્યારે તે કોઇ સાથે ફોનમાં વાત કરતો હતો અને કહેતો હતો કે હું સાંજ સુધી ઘરે નહિ આવું, હવે ફોન ન કરજો. આ વાત તે તેના પત્નિ કે ઘરના બીજા કોઇ સભ્ય સાથે કરતો હશે.  પોલીસે આરોપીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. (૧૪.૧૧)

 

(4:20 pm IST)