Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

પોસ્ટના કર્મચારીઓની હડતાલનો આજે પાંચમો દિવસઃ ટપાલ, પાર્સલ સહિતની વ્યવસ્થા ખોરંભે

સોમવારે સર્કલ હેડ કવાર્ટર ખાતે રેલી, ગર્વનરને આવેદનઃ ૧ જુને દિલ્હીમાં સંચાર ભવન સામે ધરણાઃ રાજકોટ- સૌરાષ્ટ્રના તમામ ડીવીઝનોમાં જડબેસલાક હડતાલ

રાજકોટ,તા.૨૬: દેશના ત્રણ લાખ જીડીએસના તેમના નવા વેતન માળખાની કમલેશચંદ્ર કમીટીના અહેવાલ અમલ કરાવવા અચોકકસ મુદતથી હડતાલ ઉપર જતા ગ્રામ્ય પોસ્ટલ સેવા અસ્તવ્યસ્ત થઈ ગયેલ છે. ૧૮ માસ વિતી જવા છતા કમીટિનો અહેવાલ સ્વીકાર નહી કરાતા દેશભરના જીડીએસ કર્મચારીઓ ઉગ્ર આક્રોષ સાથે સરકારશ્રીની ભેદભાવની નીતિ સામે મોરચો માંડેલ છે.

સરકાર સાથે માંગ સબબ ચાર વખત મિટીંગો યોજાય. પરંતુ સરકારે હજુ વધુ સમય માંગતા વાટાઘાટા નિષ્ફળ રહી. જીડીએસ કર્મચારીઓનું આંદોલન વધુ તેજ કરવા દેશભરના તમામ સભ્યોના વડા મથકે તા.૨૮ના સોમવારે સર્કલ હેડ કવાર્ટર ખાતે રેલી કાઢવામાં આવશે અને ગર્વનરશ્રીને આવેદનપત્ર પાઠવાશે. ત્યાર બાદ તા.૧ જુને દિલ્હી ખાતે સંચાર ભવન સામે ધરણા યોજાશે. સાથે રેલી બાદ મિનિસ્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી લડત વધુ તેજ બનાવશે.

રાજકોટ- ગોંડલ- જુનાગઢ- ભાવનગર- અમરેલી- પોરબંદર- ભુજ સહિત ગુજરાતના તમામ ડિવીઝનોમાં હડતાલ ચોથા દિવસે જડબેસલાક રહેલ છે. એનએફપીઈ સિનીયર લીડરો આર.ડી.પુરોહીત, એસ.કે. વૈષ્ણવ, શરદભાઈ તેરૈયા, કે.બી.ચુડાસમા સહિતનાએ આ હડતાલને સમર્થન આપેલ છે અને માર્ગદર્શન બનેલ છે. તમામ પોસ્ટલ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી આ હડતાલને સમર્થન આપશે.(૩૦.૮)

(4:18 pm IST)