Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

મલુ-મંગલ સોસાયટીના વધુ ૧૪ સભ્યોના પ્લોટ રદ થશેઃ સભ્યપદેથી દૂર કરાયા

સોસાયટીનાં વહીવટદારે કરેલી તપાસમાં ૧૪ સભ્યો પાસે મકાનો હોવા છતાં પ્લોટ મેળવ્યાઃ તમામના સભ્યપદ રદ કરવા હુકમઃ મ્યુ. કમિશ્નરને જાણ કરાઈ

રાજકોટ, તા. ૧૭ :. મલુ-મંગલ કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં વધુ ૧૪ સભ્યોને સોસાયટીના સભ્યપદેથી દૂર કરવા સોસાયટીનાં વહીવટદારે હુકમ કરતા હવે આ ૧૪ સભ્યોનાં પ્લોટ રદ થશે તેવી સંભાવનાઓ વ્યકત થઈ રહી છે.

આ અંગે મલુ-મંગલ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.ના વહીવટદાર તરીકે નિમાયેલ પૂર્વ ઓડીટર એચ.એચ. મકવાણાએ કરેલ હુકમમાં જણાવાયુ છે કે, સોસાયટીના ૧૪ સભ્યો અન્ય સ્થળે મકાન કે પ્લોટ ધરાવતા હોય આ સોસાયટીમાં દાખલ થવા આધાર-પુરાવા રજુ કરવા નોટીસો અપાયેલ, પરંતુ સભ્યોએ કોઈ રજુઆત જરૂરી આધાર-પુરાવાઓ રજુ કર્યા નથી.

આમ આ ૧૪ સભ્યોએ સહકારી કાનૂની મંડળીના નિયમો શરતનો ભંગ કરી સોગંદનામા રજુ નહી કરી અંગત માહિતી છુપાવી અને સોસાયટીમાં સભ્યપદ મેળવવા સોસાયટી સાથે છેતરપીંડી કરી પ્લોટ/જમીન મેળવવા પ્રયત્નો કરેલ છે.

આથી આ તપાસમાં ૧૪ સભ્યો કે જેઓ પૈકીના કેટલાક જૂનાગઢ, મહારાષ્ટ્ર વગેરે સ્થળોએ તેમજ બેથી વધુ સોસાયટીમાં પત્નિ, પુત્રી, પુત્ર અને પોતાના નામે પ્લોટ-મકાન ધરાવે છે તેઓને વહીવટદારને મળેલી સત્તાની રૂએ સોસાયટીના સભ્યપદેથી દુર કરવાનો હુકમ કરાયો છે.

નોંધનીય છે કે વહીવટદારશ્રીએ આ અગાઉ પણ ૩૨ સભ્યોને દૂર કરવા હુકમો કર્યા હતા અને વધુ ૧૪ સભ્યોને સોસાયટીમાં સભ્યપદેથી રદ કરીને દૂર કર્યા હોવાના હુકમ કરી મ્યુ. કમિશ્નરને જાણ કરાઈ છે.(૨-૨૬)

 

(4:13 pm IST)