Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

રાજકોટ જિલ્લા પંચાયત તોડવા માટે 'દાણો' દબાવતો ભાજપઃ 'મોટા આંકડા' મુંઝવે છે

'કર્ણાટકવાળી' ન થાય તે માટે જાળવી-જાળવીને પગલાઃ કોંગ્રેસ નવા પ્રમુખનું નામ ફોર્મ ભરવાના દિવસેજ જાહેર કરશે

રાજકોટ તા.ર૭ :.. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સહિતની સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી આવતા મહિને આવી રહી છે.  જિલ્લા પંચાયતમાં ભાજપના ર અને કોંગ્રેસના ૩૪ સભ્યો ચૂંટાયેલા છે. પક્ષ મુજબ સંખ્યાબળ જોતા ભાજપની સત્તા પર આવવાની કલ્પના જ ન થઇ શકે. ભાજપ પોતાની સત્તા મેળવવા માટે નહિ પરંતુ  કોંગ્રેસની સત્તા તોડવા માટે ઉત્સુક છે. પ્રદેશ નેતાગીરી અને સરકારના અસીમ આશીર્વાદથી ભાજપના એક જૂથે પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણ કરાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.

કોંગ્રેસનું જુથ પર્યાપ્ત સંખ્યા સાથે સામે પડે તો બે સભ્યોના સમર્થન સાથે ભાજપ જરૂરી 'સહયોગ' આપવા તૈયાર છે. અમુક સભ્યોએ આશાસ્પદ પ્રતિભાવ આપ્યો છે. કોંગ્રેસમાં પોતાની ઇચ્છા મુજબ ન થાય તો બળવો કરવાની માનસીકતા ધરાવતા અમૂક સભ્યોની ભાજપ સાથે હાથ મિલાવવાના બદલામાં 'અપેક્ષા' સાંભળીને ભાજપવાળાની આંખો પહોળી થઇ ગઇ છે.

ભાજપે અમે અમારા માટે નહિ પણ તમારા માટે સક્રિય છીએ તેવી દલીલ કરી આંકડાને 'વ્યાજબી' કરવાની વાત કરી છે. 'કર્ણાટકવાળી' થાય તો ભાજપની આબરૂને ધકકો લાગે તેવી ભીતિને કારણે ભાજપે 'અત્યારે તમારી રીતે આગળ વધો' તેવું કહેવડાવ્યું છે. ખાનગી રાહે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં દબાણ ઉભુ કરવાની કોંગી અસંતુષ્ટોની આ ચાલ પણ હોય શકે. રાજકોટમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જિલ્લા પંચાયત છે. અને લોકસભાની ચૂંટણી ટાણે ભાજપનું એક જૂથ આ જિલ્લા પંચાયતમાં  કોંગ્રેસના સત્તાવાર ભાગલા જોવા માંગે છે. મુખ્યમંત્રીના વિસ્તારમાં જ કોંગ્રેસને ફટકો મારવાનો ઇરાદો છે. ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટોનો ઇરાદો સફળ થાય કે ન થાય પણ કોંગ્રેસનો જીવ છેલ્લી ઘડી સુધી ઉચક રહેશે તે નિશ્ચિત છે.  પ્રમુખના દાવેદારો માટે  પણ સભ્યો 'ભેગા' કરવાનું અતિ અઘરુ થઇ જશે. કોંગ્રેસ નવા સુકાનીઓનું નામ ફોર્મ ભરવાના દિવસે જ જાહેર કરશે. (પ-૩૩)

 

(4:11 pm IST)