Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

કયાં છે અચ્છે દિન?

મોદી સરકારે પ્રજાનો વિશ્વાસઘાત કર્યોઃ અમીબેન યાજ્ઞિક

૪ વર્ષમાં કૃષિક્ષેત્રે ખેડુતોને હળાહળ અન્યાયઃ ૮ કરોડ બેરોજગારોને નોકરીના વચન સામે માત્ર ૮ લાખનેજ રોજગારીઃ રાષ્ટ્રીય સુરક્ષાની કોઇ નીતિ નથીઃ દલિતો-લઘુમતીઓ-મહિલાઓ ઉપર અત્યાચાર વધ્યાઃ પત્રકાર પરીષદમાં ભાજપ સરકારને આડે હાથ લેતા કોંગ્રેસના રાજયસભાના મહિલા સભ્ય

વિશ્વાસઘાત દિવસ : કેન્દ્રમાં ભાજપ શાસનનાં ૪ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા 'વિશ્વાસઘાત દિવસ' ઉજવાઇ રહયો છે. જેના ભાગરૂપે રાજયસભાના કોંગી સભ્ય અમીબેન યાજ્ઞિકની પત્રકાર પરીષદ યોજાઇ હતી. તે પ્રસંગની તસ્વીરોમાં જીલ્લા પંચાયત પ્રમુખ અર્જુન ખાટરીયા, જીલ્લા પ્રમુખ હિતેષ વોરા, શહેર પ્રમુખ મહેશ રાજપૂત તથા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ તા.૨૬: કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ તળેની ભાજપ સરકારે છેલ્લા ૪ વર્ષનાં શાસનમાં દેશની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેવો આક્ષેપ કોંગ્રેસના રાજયસભાના મહિલા સભ્ય અમીબેન યાજ્ઞિકે આજે રાજકોટ ખાતે યોજેલી પત્રકાર પરીષદમાં કર્યો હતો.

ભાજપની કેન્દ્ર સરકારના ૪ વર્ષપુર્ણ થતા કોંગ્રેસ દ્વારા ''વિશ્વાસઘાત'' દિવસ ઉજવવામાં આવી રહયો છે. જે અંતર્ગત રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરીષદમાં રાજયસભાના કોંગી સાંસદ અમીબેન યાજ્ઞિકે ૨૦૧૪થી આજદિન સુધીના છેલ્લા ૪ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ તળેની સરકારે કૃષિ, રાષ્ટ્રીય સુરક્ષા, રોજગારી, અને સામાજિક ક્ષેત્રે પ્રજાને આપેલા વચનો પુર્ણ નહી કરી પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે તેવો આક્ષેપ કર્યો હતો.

પત્રકાર પરિષદમાં અમીબેને મોદી સરકારની નિષ્ફળતા અંગે મુદાસર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે મોદી સરકારના ૪ વર્ષના તેમના ગેરવહીવટ દરમ્યાન કૃષિવિષયક ખેડુત તિવ્ર વિરોધી નીતિ અમલમાં રહી છે. વડાપ્રધાન મોદીએ ભારતના ખડુતોને ખેતી ઉત્પાદન માટેની કિંમત + ૫૦ ટકા નફાની નાણાકીય સહાયથી લઘુતમ ટેકાના ભાવ નકકી કરવાનું વચન આપેલું હતું. છેલ્લાં ૪ વર્ષમાં આ લઘુતમ ટેકાના ભાવ+ ૫૦ ટકા નફો કોઇ એક પણ ખેતીના પાક માટે આપેલ નથી.

જયારે યુપીએ-કોંગ્રેસની સરકારમાં રૂ. ૭૨,૦૦૦ કરોડની લોન માફીની વિરૂધ્ધ ભાજપની સરકારમાં ગ્રામ્ય વિસ્તારમાં દેવું વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે. વડાપ્રધાનની ''ફસલ વિમા યોજના'', '' પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની પ્રોફીટરીંગ યોજના'' ૨૦૧૬-૧૭ માં જ બની ગઇ છે. ખેડુતોને વળતર તરીકે આપવામાં આવેલ  રૂ. ૬,૦૦૦ કરોડની રકમ સામે આ યોજના નીચે વીમા કંપનીઓએ રૂ. ૧૪,૦૦૦ કરોડ નો નફો પ્રાપ્ત કર્યો છે.

 યુ.પી.એ. કોંગ્રેસ સરકારમાં કૃષિવિષયક વિકાસદર ૪.૨% હતો જે શ્રી મોદી શાસનમાં નીચામાં નીચો ૧.૭% પહોંચી ગયો છે. કૃષિવિષયક નિકાસ ઘટી છે અને આયાત વધી છે. જેથી ખેડુતોને બેગણો માર પડે છે. સમગ્રતયા, મોદી સરકારે ખેડુતોને નિરાશ કર્યા છે.

આ ઉપરાંત સતા સંભાળી  ત્યારે વડાપ્રધાન મોદીએ દર વર્ષે ૨ કરોડ નોકરીનું સર્જન કરવાનું વચન આપ્યું હતું. છેલ્લા ૪ વર્ષમાં મોદી સરકારે ૮ કરોડ જગ્યાઓનું સર્જન કરવું જોઇતું હતું. ''લેબર બ્યુરો'' દ્વારા ઉપલબ્ધ આંકડા  જોતા ૮ લાખ નવી નોકરીઓ પણ સર્જાઇ નથી. નોટબંધીને લીધે ૧૫ લાખ નોકરીઓ ગુમાવવામાં આવી છે. ક્ષતિયુકત જી.એસ.ટી. ને લીધે આર્થિક પ્રગતિઓમાં મંદી આવી છે.

રાષ્ટ્રીય સુરક્ષા ભયગ્રસ્ત હોવાનો આક્ષેપ કરતા અમીબેને જણાવેલ કે, પાકિસ્તાન અને ચીન જેવા પાડોશીઓ સામે લોખંડી હાથથી અને ૫૬ ઇંચની છાતી સાથે મજબુત વિદેશનીતિ ના વચનો સાથે મોદી સરકાર સત્તામાં આવી પરંતુ, વાસ્તવિકતા તદન અલગ જ હતી. ભાજપ પાસે પાકિસ્તાન અંગેની કોઇ નીતિ નથી. મોદી સરકાર ''સાડી-શાલ (ચાદર)ની અસ્થિર ડિપ્લોમસી સાથે બિનઆમંત્રિત તરીકે મહેમાન તરીકે પાકિસ્તાન પહોંચી જાય છે અને પરિણામ પ્રાપ્ત થતું નથી. આંતકવાદીઓના વિવિધ હુમલાઓમાં જમ્મુ-કાશ્મીરમાં ૩૭૧ જવાનો શહીદ થયા છે. મે-૨૦૧૪ થી સીમા ઉપર ૩૦૮૦ થીવધુ યુધ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે.

બીજી બાજુ, ભારતના સૈન્યના પડાવથી ૧૦કિ.મી. દુર આવેલા ડોકલામનો કબ્જો મેળવી ચીને લશ્કરી સંકુલ ઉભુ કરેલ છે. દક્ષિણ ડોકલામ પાસે ''ચીનનેક'' જે સીલગુરી કોરીડોર રચે છે. ત્યાં ડોકલામ પાસે રોડ બાંધી દીધો છે. કોઇપણ ચર્ચાના મુદા વગર વડાપ્રધાનની ચીનની મુલાકાત લીધી પરંતુ, વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભે કોઇપણ જાહેરાત કરી નથી.

આ ઉપરાંત છેલ્લા ચાર વર્ષોથી ભારતનું અર્થતંત્ર ભયંકર ધમકીઓનો સામનો કરી રહયું છે. જી.ડી.પી. ની સંખ્યામાં તરફેણવાળું પરિવર્તન આવ્યું હોવા છતાં ભારતનો જી.ડી.પી. છેલ્લા ચાર વર્ષથી પણ નીચો છે. નિકાસ ઘટતી જ જાય છે અને અગત્યના આર્ર્થિક ક્ષેત્રોમાં ઉત્પાદન ઘટતાં જ જાય છે. અમેરિકન ડોલરની સામે રૂપિયો ભયંકર રીતે નીમ્ન સ્તરે પહોંચી ગયો છે. નવા રોકાણ નકારાત્મક છે અને અટકેલા ૮ (આઠ) કરોડોના પ્રોજેકટો બંધ થયા છે.

છેલ્લા ચાર વર્ષોમાં ૧૧ વખત એકસાઇઝ ડયુટી વધારીને મોદી સરકારે સામાન્ય પ્રજા પાસેથી ૧૦ લાખ કરોડ ઉઘરાવી લીધા છે અને તેથી મોદી સરકારના પેટ્રોલ અને ડિઝલના ભાવ સોૈથી વધારેમા઼ વધારે પહોંચી ગયા છે. લોકોની માંગણીઓ છતાં, કેન્દ્રની ભાજપ સરકાર કે ભાજપ શાસિત રાજયોમાં આ એકસાઇઝના ડયુટી કે વેટ ઘટાડવા તૈયાર નથી.

૮લાખ કરોડથી વધુ એન.પી.એ. વધતા બેન્િંકગ ક્ષેત્ર વિનાશના આરે આવી ગયું છે. અને ભયંકર નાણાકિય ખેંચનો સામનો કરી રહયું છેે. મોદીનોમિકસે ભારતના અર્થતંત્રને નિષ્ફળ બનાવ્યું છે.

અંતમાં તેઓએ જણાવેલ કે, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ, મહિલાઓ ઉપરના અત્યાચારોનું પ્રમાણ સોૈથી વધારે બની રહયા છે.''કથુઆ'' (જમ્મુ-કાશ્મીર) અને ''ઉન્નાવ''(યુ.પી.) એ તાજેતરમાં બે દ્રષ્ટાંતો છે. જે બનાવી આપે છે કે ભાજપના નેતાઓ મહિલાઓના ગોૈરવનું રક્ષણ કરવાને બદલે, આરોપીઓને બચાવી રહયા છે.

ગુજરાતના ઉના ખાતે દલિતો ઉપર કોરડા વીંઝવા, રાજસ્થાનમાં ડેલ્ટા મેઘવાલનું ખૂન, રોહિત વેમુલ્લાને બળજબરીના લીધે કરવી પડેલ આત્મહત્યા અને મધ્યપ્રદેશમાં સરકારી નોકરી માટે અરજી કરતાં ઉમેદવારોની છાતી ઉપર અનુસુચિત જાતિ-અનુસુચિત જનજાતિ  શબ્દોના લખાણ કરવા, તે મધ્યપ્રદેશની સરકાર દલિતો ઉપર કેવા પ્રકારના અત્યાચાર છે તેના ઉદાહરણો છે.

અનુસુચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ કાયદો જાણે ખરેખર રદ કરવામાં આવ્યો તે ગરીબોના રક્ષણમાં નિષ્ફળ ગયેલી મોદી સરકારનું છેલ્લું ઉદાહરણ છે.

શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત, વિપક્ષી નેતા વસરામ ભાઇ સાગઠીયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, જીલ્લા પંચાયત પ્રમુખ અર્જુનભાઇ પાટડીયા, વગેરે ઉપસ્થિત રહયા હતા.

(3:47 pm IST)