Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

દેવલોકના દેવો બોલી ઉઠયા કે આ તો વીર નહીં પરંતુ મહાવીર છે...

નાના એવા બાળક વર્ધમાનની વીરતા, ધીરતા, શૌર્યતા, નિડરતા અને નિર્ભયતાને કારણે શક્રેન્દ્ર દ્રારા દેવલોકની સુધમૅ સભામાં પ્રશંસા થવા લાગી એટલે એક દેવ ઈર્ષાવશ થઈ પ્રભુની પરીક્ષા કરવા સાપનું રૂપ લઈ મિત્રો વચ્ચે ઉદ્યાનમાં આવી ગયો.બાળકો ભયભીત થઈ ભાગી ઝાડ ઉપર ચડી ગયા પરંતુ બાળ વર્ધમાને નિભૅયતાથી સાપને હાથથી પકડી દૂર છોડી મુક્યો.ફરી વખત દેવ બાળકનું વૈક્રિય રૂપ લઈ વર્ધમાનની ટીમ સાથે રમવા પહોંચી ગયો.તેણે બાળ વધૅમાન સાથે હોડ લગાવી.વધૅમાન તેના ખંભે બેઠા એટલે તરત જ મોટું વિકરાળ રૂપ બનાવવા લાગ્યો. પ્રભુએ જ્ઞાનના ઉપયોગથી માયાવી દેવને જાણી લીધો.અનંત શકિતના ધારક વીર વર્ધમાને એક જ મુક્કો માર્યો એટલે દેવ વિરાટમાંથી વામન જેવડો થઈ ગયો,તરત જ દેવે હાર કબુલી લીધી.પ્રભુની ક્ષમા માંગી સ્વ સ્થાને પરત ચાલ્યો ગયો.આ પ્રસંગથી દેવલોકના દેવો બોલી ઉઠ્યા આ તો ''વીર નહીં પરંતુ મહાવીર અને શૂરવીર છે.''

યુવાવયે અનાસકત ભાવે ભોગાવલી કર્મોને ભોગવી લીધા.ધર્મપત્ની યશોદા સાથે સંસાર સબંધે જોડાણા અને પ્રિય દર્શના નામે સુપુત્રી પણ થઈ. માતા ત્રિશલાના ગભૅમાં હતાં ત્યારથી જ ત્રિલોકીનાથે નક્કી કરેલ કે માવિત્રોના દેહ વિલય પછી જ વડીલ બંધુ નંદીવર્ધનની અનુજ્ઞા લઈ સંય ધમૅનો સ્વીકાર કરીશ.દીક્ષા પૂર્વે સતત એક વર્ષ સુધી લાખો સોના મહોરોનું વરસીદાન દઈ દાન ધર્મની પ્રેરણા અને પ્રરૂપણા કરી. નવ લોકાંતિક દેવો પ્રભુને કહે ધર્મ પ્રર્વતાઓ...ધર્મ પ્રર્વતાઓ.

માગસર વદ દશમના શુભ દિવસે ૩૦ વર્ષની ભર યુવાન વયે ત્રીજા પ્રહરમાં છઠ્ઠ તપસ્યા સહિત ક્ષત્રિયકુંડ નગરના જ્ઞાત ખંડ ઉદ્યાનમાં સ્વયં પંચ મુષ્ટિ લોચ કરી સમસ્ત સ્વજનો - પરિજનો અને સારાયે સંસારનો ત્યાગ કરીને અનંતા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી.સંયમ અંગીકાર કરતાં જ પ્રભુને મનઃ પયૅવજ્ઞાન પ્રગટ થયું.

પ્રભુ મહાવીરે અજોડ સાધના - આરાધના કરી કર્મોના ભુકા બોલાવી કેવળ જ્ઞાન ,કેવળ દશૅનને પ્રાપ્ત કર્યા બાદ જગતને સદ્દબોધ આપ્યો.

ત્રૈલોક્ય પ્રકાશક તારક તીથઁકર પ્રભુ મહાવીરની રત્નકુક્ષિણી ત્રિશલા માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નનું મહાત્મય..

દરેક તીથઁકરની માતાને ચૌદ મહા સ્વપ્ન આવે છે. માતા ત્રિશલાને સપના આવ્યા બાદ ધમૅ જાગરણ કરી રાત્રિ વ્યતિત કરે છે.સવારમાં ત્રિશલા માતા પોતાને આવેલા સપનાની વાત મહારાજા સિધ્ધાથૅને કરે છે.કૂશળ - વિદ્વાન સ્વપ્ન પાઠકોને બોલાવી રાજા તેના ગૂઢાર્થને જાણે છે.

 ચાલો....આપણે પણ કલ્યાણકારી, મંગલકારી એવા મહા સ્વપ્નાઓનું મહાત્મય જાણીયે....

(૧) હાથીઃ હે માતા... આપનો પુત્ર જગતમાં હાથીને જેમ નિભૅય થઇને વિચરશે.

(૨) ઋષભઃ આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષય - કષાયરૂપી કાદવ - કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે.

(૩) સિંહ : આ શુરવીર પુત્ર સિંહ ળની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે.નીડર - નિર્ભય બનીને વિચરશે.

(૪) લક્ષ્મીઃ હે માતા ...આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મીને વરશે.

(૫) પુષ્પની બે માળા : આવનાર બાળક મોટો થઇ આગાર અને અણગાર ધમૅ સમજાવી તીર્થની સ્થાપના કરશે.

(૬) ચંદ્ર : હે માતા... આપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય હશે.

(૭) સૂર્ય : આવનાર બાળક જગતમાંથી મિથ્યાત્વના અંધારા દૂર કરી,દીપક અને સૂયૅ સમાન તેજસ્વી - ઓજસ્વી બનશે.

(૮) ધજાઃ જેમ મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર - સુદૂર ફેલાશે.

(૯) કળશઃ અમૃતના કળશમાંથી જેમ અમૃતપાન કરાવી શકાય તેમ આપનો લાલ...જિનવાણી રૂપી જગતને જ્ઞાનામૃત પીવડાવશે.

(૧૦) પદ્મ સરોવરઃ શુભ અને પ્રેમનું પ્રતિક છે,આવનાર બાળક જયાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશે.

(૧૧) ક્ષીર સમુદ્ર : હે માતા...તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર અને નાથ બનશે.

(૧૨) દેવ વિમાનઃ સદ્ ગતિનું પ્રતિક છે.હે માતા... તમારૂ સંતાન અનેકના સદ્ ગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરશે.

(૧૩) રત્ન રાશિ : ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે.

(૧૪) અગ્નિઃ હે...રત્ન કુક્ષિણી માતા...જેવી રીતે અગ્નિ -જવલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશનો પૂંજ અને તારણહાર તીથઁકર બનશે

સંકલનઃ મનોજ ડેલીવાળા,

રાજકોટ, મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(4:32 pm IST)