Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સદ્દભાવના વૃધ્ધાશ્રમના ૪ વડિલોએ કોરોનાને હંફાવ્યો

રાજકોટઃ એપ્રિલ – ઉંમર ગમે તે હોય, હૈયે હામ અને સારવાર પર વિશ્વાસ કોરોના સામે જીત અપાવે જ છે, તે સાબિત કર્યું છે સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર લેતા સદભાવના વૃદ્ધાશ્રમના ચાર યોદ્ધાઓએ. અમને ખબર જ નથી પડી કે ક્યારે કોરોના મટી ગયો. ચૌદ દિવસ સુધી અમને ઘર જેવું જ વાતાવરણ પૂરું પાડ્યું છે સમરસ કેરમાં તેમ જણાવે છે આ વૃદ્ધો.

વૃધ્ધોએ વિદાય વેળાએ ખુશી વ્યકત કરતા અહીંની વ્યવસ્થા, ભોજન અને સારવાર પ્રત્યે કોઈ ફરિયાદ ના હોવાનું અને ૧૪ દિવસ ઘર જેવી સેવા કરવામાં આવી હોવાનો સંતોષ વ્યકત કર્યો હતો.

સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે ૭૫ વર્ષીય કનુભાઈ ખીગોડા,  ૭૩  વર્ષના વિનોદબેન ખીગોડા,  ૬૬ વર્ષના  ધર્મિષ્ઠાબા  બારૈયા અને ૮૦ વર્ષના  વજીબેન વેકરીયા સદભાવના વૃદ્ધાશ્રમમાં જીવન બસર કરી રહ્યા છે. તેઓને કોરોના પોઝિટિવ આવતા  સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે  દાખલ કરવામાં આવ્યા હતા. અહીંની સારવાર સાથોસાથ શુદ્ધ પાણી અને સાત્વિક ખોરાક તથા સ્વચ્છ તાજગીભર્યા વાતાવરણમાં તેઓ ઝડપભેર સાજા થઈ ગયાનું ડો. જયદીપ ભૂંડિયા જણાવે છે.

આજ સુધીમાં  ૩૭૩ દર્દીઓ સારવાર લઈ કોરોના સામે વિજયી બન્યાનું ડો. જયદીપ ઉમેરે છે.

(4:31 pm IST)