Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

તીર ચલાવો

હે સૌનાં રોમે રોમમાં વસવા વાળા રામ,

તમે હવે પધારો છો ને ?

રાવણ બની ઉભો અટ્ટહાસ્ય કરે છે કોરોના,

હવે તીર ચલાવો છો ને ?

અમે ખૂબ દોડ્યા ને થાકયા હવે બહુ,

સુવર્ણ મૃગ સમા સપનાઓ પાછળ...

હવે તો સપનાઓની શરૂઆતમાં પણ,

રહે છે એ મૂવો કોરોના જ આગળ...

કીડી ચાલે તોય ધબકારા જાય વધી એવા,

ભીતરના ભયને ભગાડો છો ને...? 

સાયરનો સાંભળી સાંભળી છાતી બેસે,

પછી ઓકસીઝન કેમ રે વધે વ્હાલાં...

દવાઓ ને ઇન્જેકશનો જાય છે ખૂટી,

પછી ભોંકાય હર્દયમાં સોંસરા ભાલા...

સાજા કરવાવાળા પણ પડે છે હવે માંદા,

એ પહેલાં એને સાવ નસાડો છો ને...?

જાણીએ છીએ કે અમે જ કર્યો છે ઉભો,

આ ઝેરી જૈવિક શત્રુ ભસ્માસુર તણો...

દિવસે દિવસે થાય મોટો અને વિકરાળ,

પ્રસરે છે ચારે તરફ પળમાં બહુ ઘણો... 

સજા ભોગવી રહ્યા છીએ પોતાના કર્યાની,

હવે તો કંઇક માર્ગ દેખાડો છો ને...?

હે સૌનાં રોમ રોમ માં વસવા વાળા રામ

તમે હવે પધારો છો ને ?

રાવણ બની ઉભો અટ્ટહાસ્ય કરે છે કોરોના

હવે તીર ચલાવો છો ને ?

- મહેશ ગોસ્વામી

(સ્વામિ સત્ય દર્શન), ભુજ.

(રામનવમીએ ભગવાન રામના ચરણોમાં ઓશો અનુયાયી સ્વામિ સત્ય દર્શનની પ્રાર્થના)

(4:02 pm IST)