Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ઓકસીજન માટે બે કન્ટ્રોલ રૂમ : રાઉન્ડ ધ કલોક કામગીરી : સતત ફોલોઓપ લેવાય છે

જો ફોલોઓપ ન લેવાય તો બીજા દિવસે સપ્લાય અટકી જાય : ઓકસીજન થાળે પડે એટલે બે દિવસમાં જ યુનિ.નું ૪૦૦ બેડનું સેન્ટર શરૂ કરી દેવાશે : રેમડેસિવીર ઇન્જેકશન દરરોજ જેટલા જ આવે છે : અમુક ડોકટરો આડેધડ લખે છે : સિવિલમાં ઓપીડી ઘટી તે સારી વાત છે... પણ IPD વધીને ચિંતાજનક :કેસ ઘટયા છે તે હાલ કહેવું ઘણું વહેલુ છે... હજુ ૮ થી ૧૦ દિવસ બાદ સાચી હકિકત જાણી શકાશે : કલેકટર રેમ્યા મોહનની 'અકિલા' સાથે વાતચીત

રાજકોટ તા. ૨૬ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ અત્યંત મહત્વનો એવો ઓકસીજન મુદ્દા અંગે અવિરત કામગીરી ચાલુ છે, આજથી બે કન્ટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે, સિવિલમાં એડી. કલેકટર શ્રી જે.કે.પટેલ તો પ્રાઇવેટ અંગે ડે.કલેકટરશ્રી જેગોડા અને તેમની સાથેના અન્ય ૩૦નો સ્ટાફ - ટીમ સતત કામગીરી સંભાળી રહ્યા છે. તેમણે જણાવેલ કે, ઓકસીજન માટે અમે રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહ્યા છીએ. રાત્રે ૨ વાગ્યે, ૩ વાગ્યે, ૪ વાગ્યે પણ સતત ફોલોઅપ લેવું પડે છે, જો ફોલોઅપ ન લેવાય તો બીજે દિવસે સપ્લાય અટકી પડે અને મુશ્કેલી ઉભી થાય, આ માટે દરેક ઓકસીજન ઉત્પાદકને ત્યાં અધિકારીઓ બેસાડાયા છે, તે ઉપરાંત હોમ આઇસોલેશન દર્દીઓ માટે આજથી ૫ સ્થળે બાટલા રિફીલીંગ શરૂ કરી દેવાતા આગામી ૨૪ કલાકમાં તમામ સ્થળે કાર્યવાહી થાળે પડી જશે.

બેડ અંગે કહ્યું કે, ધીમેધીમે બેડ વધારી રહ્યા છીએ, ઓકસીજનનું થાળે પડશે એટલે આગામી ૧ થી ૨ દિવસમાં યુનિ.ના કન્વેસેશન સેન્ટરમાં ૪૦૦ બેડ શરૂ કરવા અંગે કાર્યવાહી થશે, તેવી જ રીતે સમરસ લેડીઝ હોસ્ટેલના પણ ૪૦૦ બેડ ૪ માળમાં મળી શકે છે.

રેમડેસિવીયર ઇન્જેકશન અંગે તેમણે જણાવેલ કે, દરરોજ ૧૫૦૦ - ૨૦૦૦ ઇન્જેકશન આવે છે, તે આવે છે, જ પણ રાજકોટના અમુક ડોકટરો આડેધડ ઇન્જેકશન લખે છે તે વ્યાજબી નથી, એ બંધ થવું જરૂરી છે. આ ઇન્જેકશન માત્ર ગંભીર દર્દી માટે જ છે, જરૂર પડે તો જ લ્યો, આની આડઅસર ભારે ખરાબ છે.

કેસો ઘટવા અંગે તેમણે જણાવેલ કે, સીવીલમાં અને અન્ય સરકારી હોસ્પિટલમાં ઓપીડી ઘટી છે તે સારી વાત છે, પરંતુ સિવિલમાં આઇપીડી વધી તે ચિંતાજનક બાબત છે. તેમણે ઉમેર્યું કે, કેસો હવે ઘટવા લાગ્યા છે તે કહેવું હાલ વહેલું ગણાશે, હજુ ૮ થી ૧૦ દિવસ પછી સાચી સ્થિતિ ખબર પડશે.

(3:57 pm IST)