Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

રાજકોટમાં હવે ધીરજ ખૂટી ગઇઃ‘પેશન્‍ટને દાખલ કરવું જ પડશે' કહી સત્‍કાર કોવિડ હોસ્‍પિટલના ડોક્‍ટર-સ્‍ટાફ પર હુમલોઃ ખૂનની ધમકી

રવિવારે રાતે આવેલા ત્રણ શખ્‍સો પૈકી એકે ‘હું આર.આર. હોટેલવાળો દિવ્‍યરાજસિંહ ઝાલા' તેમ કહી ડોક્‍ટર અને ત્રણ કર્મચારીને બેફામ ગાળો ભાંડી :એસટી બસ સ્‍ટેશન પાછળ આવેલી હોસ્‍પિટલના ડો. અમર કાનાબારની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે મારામારી-ધમકી-એપેડેમિક ડિસીઝ એક્‍ટ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી : ડોક્‍ટરે કહ્યું-બેડની વ્‍યવસ્‍થા નથી, ઓક્‍સિજન લાઇનવાળો બેડ ઉપલબ્‍ધ નથી, સ્‍ટાફનો અભાવ છે...આ સાંભળી ત્રણેય શખ્‍સો વધુ ઉશ્‍કેરાયા

ડોક્‍ટર અને સ્‍ટાફના કર્મચારીઓને માર મારી ધમકી આપવામાં આવી તે સત્‍કાર કોવિડ હોસ્‍પિટલ, ઘટના સ્‍થળે તબિબો અને સ્‍ટાફ સાથે ચર્ચા કરતો પોલીસ સ્‍ટાફ, જેમના પર હુમલો થયો એ ડોક્‍ટર ને કર્મચારીઓ તથા સીસીટીવી ફૂટેજમાં હુમલાનું દ્રશ્‍ય જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૬: શહેરની સિવિલ અને ખાનગી હોસ્‍પિટલમાં હજુ પણ કોરોના દર્દીઓ માટે બેડ મેળવવાનો પ્રશ્ન વિકટ છે. ઓક્‍સિજનના બાટલા અને રેમડેસિવિર ઇન્‍જેક્‍શન માટે પણ દર્દીઓના સગા હેરાન પરેશાન થઇ રહ્યા છે. અનેક લોકો હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. ત્‍યારે હવે ધીરજ ગુમાવી હોય તેમ શહેરના એસટી બસ સ્‍ટેશન પાછળ આવેલી સત્‍કાર કોવિડ હોસ્‍પિટલમાં રવિવાર રાતે દર્દીને દાખલ કરવા જ પડશે...તેવું કહી ત્રણ શખ્‍સોએ હોસ્‍પિટલના ડોક્‍ટરને ગાળો ભાંડી તેમની રજમાં અડચણ ઉભી કરી ઢીકાપાટુનો માર મારી તેમજ વચ્‍ચે પડેલા સ્‍ટાફના ત્રણ કર્મચારીઓને પણ ઘુસ્‍તાવી ‘હોસ્‍પિટલ કેમ ચાલુ રાખો છો, પતાવી દઇશ, જ્‍યાં ફરિયાદ કરવી હોય ત્‍યાં કરી લ્‍યો' કહી ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચતાં આર. આર. હોટેલવાળા તરીકે ઓળખાણ આપનાર શખ્‍સ સહિત ત્રણ જણા સામે ગુનો નોંધાયો છે. 

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કાલાવડ રોડ પુષ્‍કરધામ મેઇન રોડ પાસે શિવધામ સોસાયટી-૧માં રહેતાં અને એસટી બસ સ્‍ટેશન પાછળ કનક રોડ પર સત્‍કાર હોસ્‍પિટલમાં ફરજ બજાવતાં ડો. અમર  જગદીશભાઇ કાનાબાર (ઉ.વ.૨૯) ફરિયાદ પરથી દિવ્‍યરાજસિંહ ઝાલા અને બે અજાણ્‍યા શખ્‍સો સામે આઇપીસી ૩૨૩, ૪૫૨, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા એપેડેમિક ડીસીઝ એક્‍ટ ૧૮૯૭ તથા સુધારા-૨૦૨૦ની કલમ ૩ (૧-એ) (૨), ૬ (૨) (૨) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ડો. અમર કાનાબારે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું સત્‍કાર કોવિડ હોસ્‍પિટલમાં ડોક્‍ટર તરીકે ફરજ બજાવું છું. રવિવારે રાત્રે દસેક વાગ્‍યે હું હોસ્‍પિટલમાં હાજર હતો. રિસેપ્‍શનમાં કર્મચારીઓ તેજસ ગોસ્‍વામી અને જયદિપ ડોડીયા બેઠા હતાં. તે વખતે જયદિપનો મને ફોન આવેલો અને કહેલું કે સાહેબ તમે નીચે આવો. આટલી વાત થઇ ત્‍યાં રિસેપ્‍શન પર આવેલા ત્રણ શખ્‍સો પૈકી એક શખ્‍સે જયદિપ પાસેથી ફોન લઇ કહેલું કે-‘તું નીચે આવ, હું દિવ્‍યરાજસિંહ ઝાલા આર.આર. હોટેલવાળા બોલુ છું'. જેથી હું નીચે રિસેપ્‍શન પર આવતાં દિવ્‍યરાજસિંહે મને કહેલું કે અમારું પેશન્‍ટ લેવું પડશે. જેથી મેં તેને કહેલું કે સ્‍ટાફનો અભાવ છે, બેડની વ્‍યવસ્‍થા અને ઓક્‍સિજનની લાઇનવાળો બેડ પણ અત્‍યારે ઉપલબ્‍ધ નથી.

જેથી દિવ્‍યરાજસિંહ અને તેની સાથેના ૩૦ થી ૩૫ વર્ષના બે શખ્‍સોએ મારી સાથે  ગાળાગાળી શરૂ કરી હતી. મેં ગાળો બોલવાની ના પાડતાં દિવ્‍યરાજસિંહે ઉશ્‍કેરાઇ જઇ મને ઢીકાપાટુ મારવાનું ચાલુ કરી દીધું હતું. સ્‍ટાફના જયદિપ અને તેજસભાઇ તથા સન્‍નીસિંઘ જોગીન્‍દરસિંઘ એમ બધા મને બચાવવા વચ્‍ચે પડતાં આ ત્રણેયને પણ આ શખ્‍સોએ ઢીકાપાટુ માર્યા હતાં. આ રીતે માથાકુટ કરી ત્રણેય હોસ્‍પિટલમાંથી બહાર નીકળી ગયા હતાં.

એ પછી ફરીથી ત્રણેય અમને મારવાના ઇરાદે જબરદસ્‍તીથી પાછા હોસ્‍પિટલમાં આવ્‍યા હતાં અને ‘તમે કેમ અમારું પેશન્‍ટ અહિ દાખલ ન કરો?' તેમ કહી બીજી વખત પણ ગાળો દઇ માર માર્યો હતો. જેથી હોસ્‍પિટલના બીજા ડોક્‍ટર હર્ષિલભાઇ કોટકે પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ફોન કરતાં આ ત્રણેય જણા ‘તમારે જ્‍યાં ફરિયાદ કરવી હોય ત્‍યાં કરી લ્‍યો' તેમ કહી ફરીથી ગાળો બોલવા માંડયા હતાં અને ‘અહિ કેમ હોસ્‍પિટલ ચાલુ રાખછો છો, તમને મારી નાંખીશ' એવી ધમકી આપી હતી.

અમે કોવિડ મહામારીમાં ડોક્‍ટર તરીકે કોવિડ હોસ્‍પિટલમાં ફરજ પર હોઇએ અમારી ફરજમાં અડચણ ઉભી કરી મારકુટ કરી ઇજા કરી આ શખ્‍સો ભાગી ગયા હતાં. ત્‍યાં એ-ડિવીઝન પોલીસની પીસીઆર વેન આવી ગઇ હતી અને મેં પોલીસ સ્‍ટેશને પહોંચી ફરિયાદ કરી હતી. પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં એએસઆઇ કે. સી. સોઢા અને સ્‍ટાફે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પીએસઆઇ જે. એમ. ભટ્ટ અને ટીમે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

કલેક્‍ટર તંત્ર-પોલીસતંત્રનો પુરતો સહકાર મળ્‍યોઃ ફરિયાદ પાછી ખેંચવા આડકતરી ધમકીઓઃ ડો. કાનાબાર

 ડો. કાનાબારે જણાવ્‍યું હતું કે ઘટના બનતાં જ અમે કલેક્‍ટરશ્રી તથા પોલીસ કમિશનરશ્રીને પણ જાણ કરી હતી. અમે કોવિડ દર્દીઓની સારવારમાં હોઇએ તુરત જ આ તંત્ર તરફથી અમને ભરપુર સહકાર મળ્‍યો હતો. પરંતુ ફરિયાદ દાખલ કરાવાયા પછી હવે ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે અલગ અલગ રીતે અમને આડકતરી ધમકી મળી રહી છે. પોલીસ સત્‍વરે આરોપીને પકડીને અમને ભય મુક્‍ત કરાવે તેવી અમારી માંગણી છે.

(3:36 pm IST)