Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

રાજકોટમાં ઓક્સિજનની લૂંટને રોકવા માટે ખાસ પ્લાન તૈયાર

૩-૩ અધિકારીઓને વ્યવસ્થા જાળવવા હુકમ : શાપરમાં ઓક્સિજન એજન્સી ઉપર ૨૦૦ લોકોનું ટોળુ ઓક્સિજનની લૂંટફાટ માટે પહોંચ્યા બાદ પ્લાન તૈયાર

રાજકોટ, તા. ૨૫ : રાજકોટમાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પણ ખાનગી હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા, ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ખલાસ થઈ રહ્યા છે. ખુદ જિલ્લા કલેકટર પણ સ્વીકારી રહ્યા છે કે રાજકોટમાં ઓક્સિજન મર્યાદિત માત્રામાં જ છે. જે પણ ઓક્સિજન આવી રહ્યો છે તેને સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ અને નક્કી કરેલા અલગ અલગ કેન્દ્રો પર ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે. હોમ આઇસોલેટ દર્દી અને જેને ઓક્સિજન જોઈતો હોય તેવા દર્દીઓ માટે શાપર વેરાવળમાં ખાનગી એજન્સીને ઓક્સિજ સિલિન્ડર ભરી આપવાની મંજૂરી આપી છે. રાજકોટમાં કોરોનાના દર્દીઓ વધુ છે અને મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેટ છે જેથી તમામ લોકોને ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની જરૂર પડે છે જેથી દર્દીના પરિવારજનો શાપર ખાતેની એજન્સીમાં જઈ ઓક્સિજન ભરાવે છે જેથી ત્યાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. જોકે અમુક સમયે એજન્સી પર માથાકૂટના દ્રશ્યો પણ સામે આવે છે.

તાજેતરમાં શાપરમાં ઓકસીજન એજન્સી ઉપર ૨૦૦ લોકોનું ટોળુ ઓકસીજનની લૂંટફાટ માટે પહોચી ગયા બાદ સતત બે કલાક સુધી માથાકૂટ કરી હતી આવી ઘટનાઓ ન થાય તે માટે મામલતદાર સહિત ૩૦ કર્મચારીઓને મેદાનમાં ઉતારાયા બાદ કલેકટરે વધુ એક ડઝન કલાસ ૧ અધિકારીઓને રાઉન્ડ ધી કલોકની ડયુટીના ઓર્ડર કર્યા છે.

રાજકોટ નજીકની ૪ ઓકસીજન એજન્સી ઉપર વધારના ૩ - ૩ અધિકારીઓને વ્યવસ્થા જાળવવા હુકમ કરવામાં આવ્યા છે તેમાં આદિજાતિ વિકાસ મદદનીશ કમિશ્નર - રાજય વેરા અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, નાયબ ખેતી નિયામક, નાયબ નિયામક (તાલીમ) પ્રાદેશીક કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, આઈટીઆઈના પ્રિન્સીપાલ, નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા સંયોજક, ઔદ્યોગિક સલામતિ અધિકારી, જિલ્લા રજીસ્ટ્રાર, નાયબ નિયામક જમીન દફતરના હુકમ કરવામાં આવ્યા છે.

(9:44 pm IST)