Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

તીરૂપતી નગરમાં પાણી ચેકીંગ સામે વિરોધઃ ટોળુ મુખ્‍યમંત્રીનાં ઘરે દોડયુ

વોર્ડ નં.૧૦માં ૪ મકાનધારકો પાણી ચોરીમાં પકડાયાઃ દંડ ભરવા નનૈયોઃ તંત્રએ નોટીસ ફટકારી

રાજકોટ,તા.૨૬: શહેરના તમામ વિસ્‍તારોમાં ઘરે ઘરે પાણી ચોરી અટકવવા સઘન ચેકીંગની સુચના મ્‍યુ.કમિશ્નર બંછાનિધિ પણી દ્વારા વોટર શાખાની ટીમને આપવામાં આવી છે. જે અન્‍વેય આજે વોર્ડ નં.૧૦માં આવેલ તીરૂપતીનગરમાં પાણી અટકાવવાની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવતા ૪ મકાન ધારકો ડાયરેકટ મોટર મારફત પાણી કરતા ઝડપાયા હતા. આ મકાન ધારકોને તંત્ર દ્વારા દંડ ફટકારામાં આવતા વિસ્‍તારવાસીઓ દ્વારા તેનો વિરોધ કરી મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં નિવાસ સ્‍થાને રજૂઆત કરવા દોડી ગયા હતા.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ઉનાળામાં પાણીની માંગ વધુ હોય છે ત્‍યારે પાણી ચોરી અને પાણીનો બગાડ કરનારાઓને ઝડપી લઇ કિંમતી પાણી બચાવવા માટે મ્‍યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ એકશન પ્‍લાન બનાવી ૧૮ વોર્ડમાં ૧૨૬ અધિકારીઓની અલગ અલગ ચેકીંગ સ્‍કવોડ બનાવી અને પાણી ચોરી તથા પાણી બગાડ કરનારાઓ પાસેથી રૂા. ૨૫૦થી રૂા. ૫૦૦૦ સુધીનો દંડ વસુલવાની જોગવાઇ કરવામાં આવી છે. જે અન્‍વેય શહેરનાં રૈયારોડ પર વોર્ડ નં.૧૦માં આવેલ તીરૂપતી નગર વિસ્‍તારમાં આજે સવારે ૮ થી ૮:૩૦ કલાકે મ્‍યુ.કોર્પોરેશનની પાણી ચોરી અટકાવવાની ટીમ દ્વારા  ચેીકંગ હાથ ધરવામાં આવ્‍યુ હતુ. આ ચેકીંગ દરમિયાન આ વિસ્‍તારમાં ૪ મકાન ધારકો ડાયરેકટ મોટર મારફત પાણી ચોરી કરતા ઝડપાયા હતા.

પાણી ચોરીમાં પકડાયેલ મકાન ધારકોને તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવતા તેઓએ વિરોધ કર્યો હતો. આ પ્રશ્ને મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં ઘરે વિસ્‍તારવાસીઓ દોડી ગયા હતા પરંતુ ઘરે કોઇ હજાર ના હોય ભાજપનાં એક આગેવાની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો.

આ અંગે મ્‍યુ.કોર્પોરેશનનાં જવાબદાર અધિકારીનાં જણાવ્‍યા પ્રમાણે આ ૪ મકાન ધારકોને દંડ ભરવા તંત્ર દ્વારા નોટીસ ફટકારાવામાં આવી છે જો ૭ દિવસમાં દંડ ફટકારવામાં નહિ આવે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ અંતમાં અધિકારીએ જણાવ્‍યુ હતુ.

(4:34 pm IST)