Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

જલારામ ટ્રસ્ટના પૂર્વ ચેરમેન ભુપેન્દ્ર સચદે વિરૂદ્ધ પ્લેકસસ કંપનીના ડો.અમિત રાજના ચોંકાવનારા આક્ષેપો : ભુપેન્દ્ર સચદેની ખોટી સહી અંગે પોલીસ સમક્ષ અરજી થતાં ડો.રાજે આગોતરા જામીન માગ્યા

રાજકોટ,તા.૨૬: અહીંની જાણીતી જલારામ હોસ્પિટલના ભૂતપૂર્વ ચેરમેન અને એક ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રભાઈ સચદેએ પોલીસમાં અરજી કરી બેન્ક પ્લેકસસ ઈન્ટરવેન્સનલ પ્રા.લી. (દિલ્હી- રાજકોટ) અને રઘુવંશી ટ્રસ્ટ વચ્ચે ત્રીપક્ષી કરાર થયો છે. તેમાં ટ્રસ્ટી તરીકે થયેલ સહી મારી નથી તેવું જણાવી તપાસ માગી છે.

આ કરારમાં પ્લેકસસ દ્વારા લોન ઉપર લેવામાં આવેલ. કાર્ડીયાક ઓપરેશનના લગતા સાધનો કે જે હોસ્પીટલની પ્રીમાઈસીસમાં રાખવામાં આવેલા તે બેન્ક ઈન્સ્પેકશન કરી શકે અને ડીફોલટના કેસમાં હોસ્પીટલમાંથી દૂર કરી શકે તેવો કરાર છે.

આ કરારથી જલારામ ટ્રસ્ટની લોન પરત્વે કોઈ જવાબદારી ઉભી થતી નથી.

દરમિયાન મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ આ અરજી ઉપર તપાસ કરી રહી છે.

દરમિયાન 'પ્લેકસસ' કંપનીના એક ડીરેકટર મુળ દિલ્હીના (કાર્ડીયોલોજીસ્ટે) ડો. અમિત રાજ રાજકોટની સેશન્સ કોર્ટમાં આજે બપોર બાદ આગોતરા જામીન અરજી કર્યાનું જાણવા મળે છે. જેમાં જલારામ ટ્રસ્ટ હોસ્પિટલના ટ્રસ્ટી ભુપેન્દ્રભાઈ સચદે વિરૂદ્ધ ચોંકાવનારી બાબતો જણાવાયાનું બહાર આવ્યુ છે.

મળતી વિગતો મુજબ આ જામીન અરજીમાં ટ્રસ્ટના પૂર્વ ચેરમેન ભુપેન્દ્રભાઈ સચદેએ તેમની (ડો.રાજ) પાસેથી દર મહિને આશરે દોઢ લાખ રૂપિયા જેવી રકમ મેળવવાની માગણી કરતા હતા જે માટે તેમણે અને તેમના પુત્રીની પ્લેકસસ કંપની માટે ચોક્કસ કન્સલટન્સી દર્શાવી એ મથાળા હેઠળ  રકમ ચૂકવવા જણાવેલ અને ન ચૂકવે તો કરાર રદ્દ કરવા દબાણ લાવેલ તેવું દર્શાવાયેલ છે.

આ હેડ હેઠળ લાખો રૂપિયાની રકમ ભુપેન્દ્રભાઈએ પોતાના અને પુત્રીના નામે મેળવ્યાનું પણ ડો.રાજે આ જામીન અરજીમાં જણાવ્યાનું બહાર આવ્યું છે.

દરમિયાન એવું ચર્ચાય છે કે  ભુપેન્દ્રભાઈનું રાજીનામુ ચેરમેન તરીકે લેવાયુ છે અને અત્યારે શ્રી કેતન પાવાગઢીની નિમણુંક થયેલ.

'પ્લેકસસ'ને જલારામ ટ્રસ્ટે બીજો આખો માળ આપ્યો છે અને ટ્રસ્ટે પ્લેકસસને રૂ.૧.૧૫ કરોડ જેવી ડિપોઝીટ આપ્યાનું પણ ચર્ચાય છે. જે ડીપોઝીટની રકમ જેટલી રકમ પ્લેકસસે ટ્રસ્ટ પાસે જમા રાખેલ છે. તેથી ટ્રસ્ટની રકમ સેઈફ હોવાનું જામીન અરજીમાં જણાવ્યુ છે.

ટ્રસ્ટે પણ એવું જણાવ્યુ છે કે તેમના પ્લેકસસ સાથેના વહેવારો ચોખ્ખા છે.

ડો. અમિત રાજે આગોતરા જામીન અરજીમાં એવું પણ જણાવેલ છે કે ટ્રાઈ-પાર્ટી એગ્રીમેન્ટમાં પૂર્વ ચેરમેન ભુપેન્દ્રભાઈ કોટકના હસ્તાક્ષર અંગે હસ્તાક્ષર નિષ્ણાંત (એફએસએલ)નો રિપોર્ટ પણ રજૂ કર્યો છે, જેમાં ભુપેન્દ્રભાઈ સચદેની સહી સાચી હોવાનો અભિપ્રાય અપાયાનું પણ જાણવા મળે છે.

ડો.અમિત રાજની જામીન અરજીની વિગતો મુજબ પ્લેકસસે ભુપેન્દ્રભાઈ સચદેની પૈસા અંગેની ગેરકાયદેસર માગણી સ્વીકારવાનું બંધ કરતા તેમણે અમારા વિરૂદ્ધ પોલીસમાં ખોટી અરજી કરી છે. પોલીસ અમારી ધરપકડ કરે તેવી દહેશત છે. એટલા માટે અમને આગોતરા જામીન આપવા.

દરમિયાન જામીન અરજીની મળતી વિગતો મુજબ જલારામ હોસ્પિટલમાં પ્લેકસસ કંપનીએ લોન ઉપર લઈને મેડીકલ ઈન્સ્ટ્રુમેન્ટ રાખેલા છે. તેની જાણ ૨૦૧૬થી ટ્રસ્ટને છે. ટ્રસ્ટ અને પ્લેકસસ વચ્ચે કરાર મુજબ જે હિસાબો કરવામાં આવતા તે માટે પ્લેકસસના હિસાબો દર વર્ષે હોસ્પિટલને આપવામાં આવતા અને તેમાં આ મશીન લોન ઉપર છે. તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને આ બાબત ભુપેન્દ્રભાઈ જાણે છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.

ચર્ચાતી વિગતો મુજબ પ્લેકસસ કંપનીને સોંપેલ હાર્ટના ઓપરેશનો માટેનો હોસ્પિટલનો વિભાગ ટ્રસ્ટને સારી એવી આવક આપી રહ્યો છે અને દર્દીઓ તેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે ત્યારે પૂર્વ ચેરમેન અને પ્લેકસસ વચ્ચેના વિવાદથી હોસ્પિટલને ધક્કો ન પહોંચે તેવી લાગણી રઘુવંશી સમાજમાં પ્રવર્તી રહી છે. તથા ટ્રસ્ટમાં ઘરમુળથી ફેરફારો થાય તેવું ચર્ચાઈ રહ્યું છે. જલારામ બાપાના નામ સાથે અતિ ઉમદા હેતુથી શરૂ થયેલ આ હોસ્પિટલના કહેતા મોભીઓ વિરૂદ્ધ ચોંકાવનારા આક્ષેપોથી રઘુવંશી સમાજમાં ઘેરા પડઘા પડે તેવી પૂરી સંભાવના છે.

(4:16 pm IST)