Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

કડવા પટેલ કારખાનેદારને મરવા માટે મજબૂર કરનાર બ્યુટીશીયન કિંજલ, તેનો પતિ અને ભાઇ સકંજામાં

ત્રાસને લીધે ચિત્રકુટધામમાં ઘરનું ઘર છોડ્યું છતાં પીછો નહોતા છોડતાં એટલે મરી જવાનો નિર્ણય અગાઉ જ કરી લીધો'તો : મુળ કુવાડવાની કિંજલ પટેલે વિવેક મિસ્ત્રી સાથે લવમેરેજ કર્યા છેઃ સોનલબેન એપાર્ટમેન્ટના પ્રમુખ હોઇ તેની પાસે મેઇન્ટેન્સનો હિસાબ માંગતા અગાઉ માથાકુટ થયાનું કિંજલનું રટણઃ પોલીસે મૃત્યુ પામનાર રાજેશભાઇ સામે પણ પત્નિ-પુત્રની હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો દાખલ કર્યો : પતિ સાથે વાતો કરતાં સોનલબેન બાથરૂમમાં ગયા ત્યાં પતિએ ઝેરી પાવડર પી લીધો : કિંજલ, તેના પતિ અને ભાઇનો સતત છ વર્ષથી ત્રાસ હતોઃ દોઢ વર્ષથી આ ત્રાસ અનહદ થઇ ગયો'તો

રાજકોટ તા. ૨૬: જીવરાજપાર્કના શાંતિવન પરમમાં ગઇકાલે સવારે કડવા પટેલ કારખાનેદારે ઝેર પીધા બાદ પોતાના પત્નિ અને પુત્રને છરીના ઘા ઝીંકી પોતાના કપાળે પણ છરી ઝીંકી લેતાં તેનું મોત નિપજ્યું હતું. પ્રારંભે આર્થિક ભીંસ અને મકાન વેંચાતું નહિ હોવાની ચિંતાને કારણે આ પગલુ ભર્યાની વિગતો વહેતી થઇ હતી. પણ પતિ રાજેશભાઇ વાછાણીના હુમલામાં ઘાયલ થયેલા સોનલબેન વાછાણી સાંજે ભાનમાં આવતાં તેણે ચોંકાવનારી વિગતો જણાવી હતી. તેણે આ ઘટના પાછળ પોતે અગાઉ જ્યાં રહેતાં તે ચિત્રકુટધામ એપાર્ટમેન્ટમાં રહેતી અને બ્યુટીપાર્લર ચલાવતી મહિલા તથા તેનો પતિ અને ભાઇ મફતના ભાવે પોતાનો ફલેટ પડાવી લેવા માટે ત્રાસ આપતાં હોવાથી અને બે માસ પહેલા પોતે પતિ અને પુત્ર ઘરનું ઘર છોડી ભાડે રહેવા ગયા પછી પણ બ્યુટીશીયન મહિલા સહિતનો ત્રાસ યથાવત રહેતાં થોડા દિવસ પહેલા જ પતિએ અને પોતે મરી જવાનો નિર્ણય કરી લીધાનું અને છેલ્લે ગુરૂવારે સવારે પતિએ ઝેર પી લીધાનું અને પોતે ઝેર ન પી શકતાં પતિને છરીથી હુમલો કરવાનું કહ્યાની વિગતો જણાવતાં પોલીસે બ્યુટીશીયન મહિલા, તેના પતિ અને ભાઇ સામે આઇપીસી ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી ત્રણેયને સકંજામાં લીધા છે.

તાલુકા પોલીસે ભાનમાં આવેલા સોનલબેનની ફરિયાદ પરથી ક્રિસ્ટલ મોલ પાછળ આવેલા ચિત્રકુટધામ એપાર્ટમેન્ટમાં રહેતી કિંજલ, તેના પતિ વિવેક અને કિંજલના ભાઇ હિરેન સામે ગુનો નોંધ્યો છે. સોનલબેને પોલીસને અને ડીડીમાં જણાવ્યું છે કે હું પતિ અને પુત્ર સાથે બે માસથી ભાડેથી શાંતિવન પરમમાં રહેવા આવ્યા હતાં. અમારે ક્રિસ્ટલ મોલ પાછળ ચિત્રકુટધામમાં ઘરનો ફલેટ છે. ત્યાં અમારા ફલેટના નીચેના ભાગે કિંજલ  મિસ્ત્રી પોતાનું બ્યુટીપાર્લર ચલાવે છે અને અમારી ઉપરના ભાગનો ફલેટ પણ તેનો જ છે. આ કારણે અમારો વચ્ચેનો ફલેટ આ લોકોને સસ્તામાં લેવો હઇ તે બાબતે અમારી સાથે અવાર-નવાર ઝઘડા કરી બોલાચાલી કરતાં હતાં. આ બાબતે અમે બે મહિના પહેલા કિંજલ, તેના પતિ અને ભાઇ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી.

ગુરૂવારે ૨૫મીએ સવારે હું વ્હેલી ઉઠી હતી અને મારા પતિ પણ જાગી ગયા હોઇ અમે વાતો કરતાં હતાં કે કિંજલ, તેનો ભાઇ અને પતિ સસ્તામાં આપણો ફલેટ પડાવી લેવા ધમકીઓ આપી હેરાન કરે છે અને બીજા માણસો મારફત કહેવડાવે છે, પણ આપણે પાણીના ભાવે બીલકુલ ફલેટઆપવો નથી. તેમજ પોલીસ કેસ કર્યો હોઇ તે પાછો ખેંચી લેવા પણ એ લોકો ધમકી આપે છે. એના ત્રાસને કારણે આપણે ઘરનું ઘર મુકીને ભાડે રહેવા આવવું પડ્યું છે. આ લોકોનો ત્રાસ હવે સહન થતો નથી...તેમ અમે પતિ-પત્નિ વાતો કરતાં હતાં ત્યારપછી અમે બંનેએ ત્રાસ સહન કરવા કરતાં મરી જવું વધુ સારું તેમ નક્કી કર્યુ હતું. હું બાથરૂમમાં ગઇ અને બહાર આવી ત્યાં મારા પતિએ કહેલું કે મેં ઘઉમાં રાખવાનો ઝેરી સલ્ફર પાવડર પી લીધો છે, તું પણ પી લે. પરંતુ મેં તેમને કહેલ કે હું ઝેરી દવા પી શકુ નહિ, આ છરીથી મને મારી નાંખો...જેથી મારા પતિએ મને ગળા પર ઘા ઝીંકતાં અને માથામાં પણ ઇજા કરતાં હું બુમાબુમ કરવા માંડતાં પુત્ર સાહિલ તેના રૂમમાંથી દોડી આવ્યો હતો અને વચ્ચે પડતાં પતિ રાજેશે તેને પણ ગળા પર છરી મારી દીધી હતી.'

સોનલબેને પોલીસને આગળ જણાવ્યું હતું કે, 'મને અને મારા પુત્રને લોહી નીકળવા માંડતા પુત્રએ આજુબાજુના લોકોને બોલાવ્યા હતાં. મારી બહેનના દિકરા જીગરને અને મારા દિયર જીજ્ઞેશભાઇને પણ ફોન કર્યો હતો. મારા પુત્રએ ૧૦૮ બોલાવી હતી. એ પછી અમને ત્રણેયને હોસ્પિટલે લઇ જવાયા હતાં. બનાવ પાછળ કારણ એ છે કે ચિત્રકુટધામમાં અમારે ફલેટ નં. ૧૦૪-બી છે. આ ફલેટ કિંજલ અને તેનો પતિ તથા ભાઇ સસ્તામાં પડાવી લેવા અને અમે ખાલી કરી જતાં રહીએ તે માટે થઇ છેલ્લા છએક વર્ષથી યેનકેન પ્રકારે ઝઘડા કરતાં હતાં. અમે તેના બ્યુટીપાર્લરની ઉપરનો અમારો ફલેટ સસ્તામાં ન આપતાં દોઢ વર્ષ પહેલા તેણે અમારા ફલેટની ઉપરન ફલેટ ખરીદ કર્યો હતો. એ પછી અમારો ફલેટ વચ્ચે આવી જતાં તેણે ત્રાસ વધારી દીધો હતો અને તેથી બે માસ પહેલા અમે અમારા ફલેટની તાળુ મારી ભાડે રહેવા આવી ગયા હતાં. આમ છતાં સતત ત્રાસ ચાલુ હોઇ મેં અને પતિએ અગાઉ જ મરવાનું નક્કી કરી લીધું હતું. ગુરૂવારે સવારે આ ચિંતામાં જ પતિએ ઝેરી પાવડર પીધો હતો અને હું પી ન શકતાં મારા કહેવાથી મને તેણે છરી ઝીંકી હતી. તેમજ પુત્ર વચ્ચે આવતાં તેને પણ છરી મારી દીધી હતી. કિંજલ, તેના પતિ અને ભાઇના ત્રાસથી જ મારા પતિ આ પગલુ ભરવા મજબુર થયા છે.'

પોલીસે ઉપરોકત ફરિયાદ પરથી કિંજલ, તેના પતિ વિવેક અને ભાઇ હિરેનને સકંજામાં લીધા છે. કિંજલે એવું રટણ કર્યુ છે કે ચિત્રકુટધામ એપાર્ટમેન્ટના સોનલબેન પ્રમુખ હોઇ તેમની પાસે મેઇન્ટેનન્સનો હિસાબ માંગતા માથાકુટ થઇ હતી. કિંજલ મુળ કુવાડવાની છે અને પટેલ જ્ઞાતિની છે. તેણે વિવેક મિસ્ત્રી સાથે લવમેરેજ કર્યા છે.

પોલીસે બીજી ફરિયાદ સાહિલ વાછાણી (ઉ.૧૯)ની ફરિયાદ પરથી તેના  આપઘાત કરી લેનારા પિતા રાજેશભાઇ કાંતિલાલ વાછાણી સામે આઇપીસી ૩૦૭ મુજબ દાખલ કરી છે. સાહિલે જણાવ્યું હતું કે હું મારવાડી કોલેજમાં બી ફાર્મમાં બીજા સેમમાં અભ્યાસ કરુ છું. ગુરૂવારે સવારે સાડા પાંચ પોણા છ વાગ્યે માતા-પિતા ઝઘડતા હોઇ તેવો દેકારો સંભળાતા હું મારા રૂમમાંથી ઉઠીને દરવાજો ખોલી બહારના રૂમમાં આવતાં પિતાના હાથમાં છરી હતી અને તે મારા માતાની સામે બેઠેલા હતાં. પિતા મને જોઇ જતાં છરીથી મારા માતા સોનલબેનને ગળા પર ઘા ઝીંકી દીધો હતો. હું વચ્ચે પડતાં મને પણ છરી મારી દીધી હતી. એક ઘા મને ગળા પર લાગ્યો હતો બીજા ઘાથી બચવા મેં પિતાને ધક્કો મારી દેતાં મને જમણા હાથે કલાઇ પર છરકા થઇ ગયા હતાં. એ પછી પિતારે મારી સામે જોઇ 'આપણે મરી જ જવું છે' તેમ કહેલું અને છરીથી તેણે પોતાના જ કપાળે ઘા મારી દીધો હતો. હું ઝડપથી મારો ફોન લેવા રૂમમાં ગયો હતો. પાછો આવ્યો ત્યાં પિતા બાથરૂમમાં ઉલ્ટીઓ કરતાં હતાં અને માતા શેટી પર સુતેલા જોવા મળ્યા હતાં. તેને લોહી નીકળતાં હતાં. એ પછી મેં માસીના દિકરા જીગરને અને કાકાને ફોન કર્યો હતો. તેમજ ૧૦૮ને બોલાવી હતી.'

સાહિલે વધુમાં જણાવ્યું હતું કે હું મારા રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મારા પિતા મારા માતાને દવા પી લેવાનું કહેતાં હતાં. તેણે ના પાડતાં તેને છરીથી ઇજા કરી દીધી હતી. હું માતાને બચાવવા જતાં મને પણ છરી ઝીંકાઇ હતી.'

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પી.આઇ. એન. એન. ચુડાસમા, પીએસઆઇ એન. ડી. ડામોર, એસ.આર. સોલંકી, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ, અરજણભાઇ, જયંતિભાઇ તથા ફિરોઝભાઇ વધુ તપાસ કરે છે. બ્યુટીશીયન કિંજલ વિવેક ધ્રાંગધરીયા, વિવેક દિનેશભાઇ ધ્રાંગધરીયા અને તેના ભાઇ વિરેન ખોડાભાઇ કાકડીયા (પટેલ)ને સકંજામાં લઇ વિશેષ પુછતાછ કરવામાં આવી રહી છે. (૧૪.૭)

હોસ્પિટલના બિછાનેથી સોનલબેન રાજેશભાઇ વાછાણીનું કથન

.પતિ રાજેશભાઇ વાછાણીએ છરી ઝીંકતા ઘવાયેલા સોનલબેન વાછાણીએ ભાનમાં આવીને કહ્યું હતું કે-'અમારા ફલેટના નીચેના ભાગે અને ઉપરના ભાગે એમ બંને ફલેટ કિંજલના હોવાથી તે વચ્ચેનો અમારો ફલેટ મફતના ભાવે પડાવી લેવા તેના પતિ અને ભાઇ સાથે મળી સતત ત્રાસ ગુજારતી હતી...અમે ઝેર પીવાનું નક્કી કર્યુ, પતિએ તો પી લીધું પણ હું ન પી શકતાં મને છરીથી મારી નાંખવા મેં પતિને કહ્યું ને તેણે ઘા ઝીંકયોઃ પુત્ર આવી જતાં તેને પણ પતિએ છરી ઝીંકી દીધી'તી'

(3:29 pm IST)