Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

કોર્પોરેશનનું પાણી વેચનાર ટેન્કર કોન્ટ્રાકટરને ૧ લાખના દંડની નોટીસ

રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટમાંથી કોર્પોરેશનનું પાણી ટેન્કરમાં ભરી અને બારોબાર વેચવાનું કારસ્તાન વોર્ડ નં. ૧ ના કોર્પોરેટરોએ રંગે હાથ ઝડપી લીધું: ફોજદારી ફરીયાદની તજવીજ

પાણી ચોરીમાં ઝડપાયેલ ટેન્કર તસ્વીરમાં નજરે પડે છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૬ :. હાલમાં ઉનાળો ચાલુ છે ત્યારે પાણીની માંગ વધી છે અને વેચાતુ પાણી લઈને લોકો ઉનાળો પસાર કરી રહ્યા છે ત્યારે કોર્પોરેશનના કોન્ટ્રાકટર શાંતિલાલ એન્ડ કંપની દ્વારા કોર્પોરેશનના રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટમાંથી મફતમાં પાણી ભરી અને આ પાણી બારોબાર હજારો રૂપિયામાં વેચી નાખવાનું જબરૂ કારસ્તાન ગઈકાલે વોર્ડ નં. ૧ના કોર્પોરેટર બાબુભાઈ આહિર, આશિષ વાગડિયા અને અંજનાબેન મોરઝરીયા તથા દુર્ગાબા જાડેજાએ રંગેહાથ ઝડપી લેતા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા આ કોન્ટ્રાકટરને રૂ. ૧ લાખનો દંડ અને બ્લેકલીસ્ટ કરવા માટેની નોટીસ ફટકારી છે. તેમજ કોન્ટ્રાકટર સામે પાણી ચોરી અંગે કોર્પોરેટર દ્વારા ફોજદારી ફરીયાદની તજવીજ હાથ ધરાઈ છે.  આ અંગે વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર આશિષભાઈ વાગડિયાના જણાવ્યા મુજબ રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટમાંથી કોર્પોરેશનના કોન્ટ્રાકટર દ્વારા દરરોજ પાણી ભરી અને એપાર્ટમેન્ટમાં વેચવામાં આવી રહ્યાનું કારસ્તાન સિનીયર કોર્પોરેટર બાબુભાઈ આહિરના ધ્યાને આવતા ગઈકાલે સાંજે આશિષભાઈ અને બાબુભાઈ સહિતના કોર્પોરેટરોએ રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટે દરોડો પાડી અને ફિલ્ટર પ્લાન્ટમાંથી કોન્ટ્રાકટર શાંતિલાલ એન્ડ કંપનીના ટેન્કરમાં પાણી ભરાતુ હોવાનું રંગેહાથ ઝડપી લીધુ હતુ અને આ બાબતે કોન્ટ્રાકટરના માણસોને પૂછતા એવુ બહાર આવ્યુ હતુ કે, આ પાણી નજીકમાં સનસીટી એપાર્ટમેન્ટમાં રૂ. ૧૦૦૦ના ભાવે વેચવામાં આવતુ હતું. આમ પાણી ચોરીના ગેરકાયદે વેપારનું જબરૂ કારસ્તાન ખુલ્લુ પાડયુ હતું.

દરમિયાન મ્યુ. કમિશ્નર વિભાગની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોટર ટેન્કર અને ટ્રેકટર વડે જરૂરિયાત મુજબના જે તે એરીયામાં પીવાનાં પાણીનું વિતરણ કરવા માટેનો કોન્ટ્રાકટ ધરાવતી એજન્સીનું એક ટેન્કર ગત રાત્રે રૈયાધાર સ્થિત પાણીના ટાંકા ખાતે પાણી ભરવા પહોંચ્યું હોવાની દ્યટનાનાં પગલે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીનાં આદેશ અનુસાર ટેન્કરની કોન્ટ્રાકટર એજન્સી શાંતિલાલ ગાંગજીભાઇ એન્ડ કંપનીને રૂ. ૧ લાખના દંડની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે.

આ સંદર્ભમાં મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વોટર ટેન્કર એજન્સીના ડ્રાઈવર જી.આર.પી./૪૩૩૯ નંબરનું ટેન્કર લઈને ફિલિંગ પોઈન્ટ પરના સંબંધિતને જાણ કર્યા વગર પાણી ભરવા પહોંચ્યા હતાં. જે ગંભીર બાબત છે. જોકે ટેન્કરમાં પાણી ભરવામાં આવે એ પહેલા જ સંબંધિત નાયબ કાર્યપાલક ઈજનેર અને અધિક મદદનીશ ઈજનેર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હોય આ મામલે પુછતાછ કરી હતી.

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વધુમાં એમ કહ્યું હતું કે, આ પ્રકરણમાં કોન્ટ્રાકટર એજન્સીને તેની પાસેથી રૂ.૧ લાખનો દંડ કેમ વસૂલ નાં કરવો અને તેને બ્લેક લીસ્ટ કેમ નાં કરવી તે બાબતે નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે. આ ઉપરાંત સિકયુરીટી એજન્સીને પણ નોટીસ આપી ખુલાસો પુઉછાવામાં આવેલ છે.

(3:14 pm IST)