Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

પીરવાડી પાસે ટ્રકની ઠોકરે વૃધ્ધ સથવારા દંપતિ ખંડિતઃ પત્નિનું મોત, પતિ સારવારમાં

ગઇકાલે જ ભાણવડના વેરાડથી રાજકોટ રહેતાં પુત્રના ઘરે આવ્યા હતાં: વલ્લભભાઇ સોનાગ્રા (ઉ.૬૫) અને પત્નિ મંજુબેન (ઉ.૬૦) જસદણ સગાને ત્યાં જવા નીકળ્યા ને રસ્તો ઓળંગતી વખતે બનાવઃ અકસ્માત બાદ ટ્રક રેઢો મુકી ચાલક છનનન

કાળમુખો ટ્રક, મૃતક મંજુબેનનો ફાઇલ ફોટો અને સારવારમાં રહેલા તેમના પતિ વલ્લભભાઇ સોનાગ્રા

રાજકોટ તા. ૨૬: ગોંડલ રોડ પર પીરવાડી પાસે સવારના પ્હોરમાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. રસ્તો ઓળંગી રહેલા મુળ ભાણવડના વેરાડ ગામના સથવારા દંપતિને ટ્રકે ઠોકરે ચડાવતાં પત્નિનું મોત નિપજ્યું હતું અને પતિને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ વેરાડ ગામે રહેતાં વલ્લભભાઇ વાલજીભાઇ સોનાગ્રા (ઉ.૬૫) નામના સથવારા વૃધ્ધ ગઇકાલે પોતાના પત્નિ મંજુબેન (ઉ.૬૦)ને લઇ રાજકોટ કોઠારીયા રોડ પર સનાતન પાર્ક-૩માં રહેતાં પુત્ર મનિષભાઇના ઘરે આટો દેવા આવ્યા હતાં. મનિષભાઇ કારખાનેદાર છે. આજે સવારે વલ્લભભાઇ અને પત્નિ મંજુબેન જસદણ રહેતા સગાને ત્યાં જવું હોઇ છએક વાગ્યે ઘરેથી નીકળ્યા હતાં અને પીરવાડી પાસેથીે વાહન મેળવવા સામેના ભાગે જવા પગપાળા રસ્તો ઓળંગી રહ્યા હતાં. તે વખતે જ ટ્રક નં. જીજે૧૨એયુ-૫૬૩૯ની ઠોકર લાગી જતાં પતિ-પત્નિ બંને ફંગોળાઇ ગયા હતાં.

જેમાં વલ્લભભાઇ આગળની સાઇડમાં ફેંકાઇ ગયા હતાં, જ્યારે પત્નિ મંજુબેન ટ્રકના વ્હીલ તરફ ફેંકાતા માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ પ્રાણ નીકળી ગયા હતાં. વલ્લભાઇને બંને પગમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ થતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃત્યુ પામનાર મંજુબેનને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર. વી. કડછા અને કેતનભાઇએ  જરૂરી કાર્યવાહી કરી હતી. અકસ્માત સર્જી ટ્રક મુકી ચાલક ભાગી ગયો હતો. (૧૪.૬)

(11:38 am IST)