Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

રવિ થી બુધ ગરમીનો રાઉન્ડ : અમુક સેન્ટરોમાં હીટવેવ

આજે-કાલે પારો ૩૯ ડિગ્રી, તા.૨૮થી ૩૧ સુધી તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રીની રેન્જમાં: મંગળથી ગુરૃ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં (એકાદ દિવસ કચ્છમાં) ઝાકળવર્ષાઃ તા.૨૯, ૩૦ માર્ચ બપોર બાદ પવનનું જોર વધશેઃ અશોકભાઇ પટેલ : હાલ મહતમ નોર્મલ તાપમાન ૩૭ ડિગ્રી ગણાય

રાજકોટઃ આગામી રવિવારથી બુધવાર સુધી ગરમીનો રાઉન્ડ આવી રહયો છે. જેમાં અમુક સેન્ટરોમાં હિટવેવની સંભાવના છે. આજે અને આવતીકાલે તાપમાન ૩૯ ડિગ્રી તેમજ તા.૨૮ થી ૩૧ માર્ચ સુધી તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રીની રેન્જમાં રહેશે. આવતા મંગળથી ગુરૃવાર સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાકળ વર્ષાની શકયતા છે. (એકાદ દિવસ કચ્છમાં પણ ઝાકળ) તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે હાલમાં ફરી ગરમીનો માહોલ ચાલુ થાય તેવા પગરણ જોવા મળે છે. ગઇકાલે મહતમ તાપમાન દરીયાપટીના પોરબંદરમાં ૪૦.૪ ડીગ્રી (જે હિટવેવ ગણાય) બાકીના સેન્ટરોમાં મહતમ તાપમાન નોર્મલથી એક-બે ડીગ્રી ઉંચુ જોવા મળેલ.

તા.૨૬ માર્ચથી ૨ એપ્રિલ સુધીની આગાહી કરતા શ્રી અશોકભાઇ પટેલે જણાવેલ કે પવન ઘણા વિસ્તારોમાં ઉત્તરના છે જે આવતીકાલ સુધી રહેેશે બાદ પશ્ચિમી પવન થઇ જશે. તેમ છતાં બપોરે ભેજનું પ્રમાણ ઓછુ રહેશે. તા.૨૮ , ૨૯ (રવિ-સોમ)ના છુટાછવાયા વાદળાની શકયતા છે.

જયારે તા.૨૬, ૨૭ મહત્તમ તાપમાન ૩૯ની રેન્જમાં તા.૨૮, ૨૯, ૩૦, ૩૧ના ૪૦ થી ૪૨ડીગ્રી  રહેશે એટલે કે અમુક સેન્ટરોમાં હિટવેવનો માહોલ જોવા મળશે. તા.૧, ૨ એપ્રિલ આંશિકમાં ઘટશે. તેમ છતાં તાપમાન નોર્મલથી ઉંચુ જ રહેશે. 

તા.૨૮થી પશ્ચિમી પવન થતા હોય તા.૩૦ થી તા.૧ એપ્રિલ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાકળની શકયતા (એકાદ દિવસ કચ્છમાં) તા.૩૧ માર્ચ અને ૧ એપ્રિલના પશ્ચિમ ગુજરાતમાં ઝાકળની શકયતા છે. તા.૨૯,૩૦ બપોર બાદ પવનનું જોર રહેશે.

(3:04 pm IST)