Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

૬૦ જૈન વયોવૃધ્ધોની જઠરાગ્નિ ઠારવાનો પોલીસનો સેવાયજ્ઞ

પો.કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. હિતેશ ગઢવી તથા ટીમે સેવાનું પુરૃં પાડયું જબરદસ્ત ઉદાહરણ : લોકડાઉનના કારણે જાગનાથ સ્થિત જૈન ભુવનનું સેવાકીય કાર્ય ઠપ્પ થતા પોલીસે યુધ્ધના ધોરણે ઘેર-ઘેર ટીફીન પહોચાડી નિરાધાર સિનીયર સિટીઝનના ઘેર-ઘેર ટીફીન પહોંચાડયા

જાગનાથ સ્થિત જૈન ભુવન દ્વારા વર્ષોથી ચાલતી ટીફીન વ્યવસ્થા જે જરૂરીયાતમંદ અને અસહ્ય વડીલો સુધી પહોચતી આવી છે. લોકડાઉનના કારણે બે દિવસ આ વ્યવસ્થા ખોરવાઇ પરંતુ પોલીસ કમિશ્નર મનોજકુમાર અગ્રવાલની સીધી સૂચના અને ક્રાઇમ બ્રાંચના પ્રયાસોથી યુધ્ધના ધોરણે કામગીરી પુનઃ શરૂ થઇ તે સમયની તસ્વીર. તસ્વીરમાં ગત સાંજે પોલીસ અને જૈન ભુવન દ્વારા થયેલ પ્રશંસનીય કામગીરી નજરે પડે છે. પોલીસ સ્ટાફે જાતે ટીફીન પહોંચાડયા તે તસ્વીરમાં પોલીસ ઇસ્પેકટર હિતેશ ગઢવી, ફોજદાર એસ.વી.સાંકરા, હેડ કોન્સ્ટેબલ ધિરેન માલકીયા, મોહસીનભાઇ, હિરેનભાઇ, નિશાંતભાઇ, શૈલેષગીરી નજરે પડે છે.

રાજકોટ તા. ૨૬ : લોકોનું આરોગ્ય સલામત રહે. આપણુ રંગીલુ રાજકોટ અકબંધ રહે તે માટે રાઉન્ડ ધ કલોક કામગીરી કરતી શહેર પોલીસ માત્ર લોકડાઉન સફલ થાય તે માટે જ નહી પરંતુ શહેરના ખૂણેખાંચરે કોઇપણ નાગરિક, અબાલ વૃધ્ધ, બાળકો તથા ગરીબો ભુખ્યા ન રહે તે માટે પણ સતત કાર્યરત અને ચિંતીત છે તે માટેનું જબરદસ્ત ઉદાહરણ પોલીસ કમિશ્નર મનોજકુમાર અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિ સૈની, એસીપી જયદિપસિંહ સરવૈયા તથા સતત દોડધામ કરતી ક્રાઇમ બ્રાંચની ટીમના હિતેશ ગઢવી, ફોજદાર સાંકરા તથા ટીમે પુરૂ પાડયું છે. જૈન ભુવન સંચાલિત ટીફીન વ્યવસ્થા લોકડાઉનના કારણે ખોરવાયાનું પોલીસ કમિશ્નરના ધ્યાને આવતા જ યુધ્ધના ધોરણે જાંબાજ પોલીસ ટીમે ઉમદા માનવતાવાદી કાર્ય કરી રાજકોટવાસીઓ સલામત છે તે સાબિત કરવાતી તક ઝડપી લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં લોકડાઉન જાહેર કરી પોલીસ, મહેસુલ તંત્રને લોકઉપયોગી કાર્યોની સાથોસાથ પોતાની ફરજ સુપેરે બજાવવા કરી હતી અને તેમના અનુરોધને તંત્રએ પણ પડકાર માનીને જીલી લઇને રાજકોટ અને ગુજરાતભરમાં લોકડાઉનને સફળ બનાવવા સતત પ્રયાસો આરંભ્યા છે. સાથેસાથે માનવતાને મહેકાવવાની એકપણ તક ચુકી ન જવાય તેની પણ કાળજી લેવાનો આરંભ કર્યો છે અને તે અંગેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગતસાંજે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા ક્રાઇમ બ્રાંચની હિતેશ ગઢવીને ટીમે પુરૃં પાડયું છે.

દિવસ-રાતના સતત બંદોબસ્ત, દરરોજ નવી ઉભી થતી કઠીન પરિસ્થિતિ વચ્ચે શહેર પોલીસ કમિશ્નર શ્રી અગ્રવાલ સમક્ષ એવી વાત આવી હતી કે વર્ષોથી જાગનાથ પ્લોટ સ્થિત જૈન ભુવન દ્વારા શહેરના પચાસથી વધુ નિરાધાર જૈન દંપતીઓ તથા એકલવાયુ જીવન જીવતા વૃધ્ધોને બંને ટાઇમ જૈનભુવનથી ટીફીન પહોંચાડવાનું ભગીરથ કાર્ય થઇ રહ્યું છે પરંતુ લોકડાઉનના કારણે ચુસ્ત બંદોબસ્તથી આ કાર્યમાં વિધ્ન આવતા કામગીરી ઠપ્પ થઇ હોય દોઢેક દિવસથી આ જૈન વૃધ્ધોને ટીફીન પહોંચી શકયા ન હતા.

ચોંકાવનારી વાત તો એ છે કે અમુક વૃધ્ધો કે વૃધ્ધ દંપતિ પોતાના ઘરે ચાલી - ફરી પણ શકતા નથી કે નથી કોઇ કોમ્યુનિકેશનની સુવિધા ઘણા વૃધ્ધો દોઢેક દિવસથી ખાધાપીધા વગર સમય પસાર કરી રહ્યા હતા.

જૈન ભુવન સાથે સંકળાયેલા જાણીતા બિલ્ડર રોહિતકુમાર રવાણીએ આ અંગે પોલીસ કમિશ્નર મનોજકુમાર અગ્રવાલનો સંપર્ક કરતા શ્રી અગ્રવાલ પણ આશ્ચર્યપામી ચોંકી ઉઠયા હતા. તેમણે આ અંગે ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર હિતેશ ગઢવીને તાકીદે યોગ્ય કરવા કહેતા જ શ્રી ગઢવીએ જૈન ભુવનના સેવાભાવી ટ્રસ્ટી શશીભાઇ વોરાનો સંપર્ક કરી વિગતો મેળવીને અત્યંત વ્યસ્તતા અને ફરજના ભારણ વચ્ચે પણ વયોવૃધ્ધ જૈન વડીલોના આશિર્વાદ મેળવી જઠરાગ્નિ ઠારવા ફોજદાર શ્રી સાંકરા તથા ટીમને સાથે રાખી જાતે સેવાયજ્ઞ આરંભ્યો હતો.

ગત સાંજે મોડુ થઇ ગયું હતું અને હવે આજે સાંજે પહોંચી નહી શકાય તેવું માની જૈન ભુવનના આગેવાન પણ હિંમત હારી ગયા હતા પરંતુ ક્રાઇમ બ્રાંચના ગઢવીએ કહ્યું કે દોઢેક દિવસથી ભૂખ્યા વડીલોને બે કલાકમાં ટીફીન પહોચાડવું જ પડે.

પોલીસ કમિશ્નરની સુચના અને ક્રાઇમ બ્રાંચની ધગશને લઇને ટ્રસ્ટીઓ પણ હિંમતમાં આવ્યા અને છેક રામનાથપરામાં રહેતા રસોયણ બહેનોને ક્રાઇમ બ્રાંચની જીપમાં જૈન ભુવન લઇ આવીને જૈન ભુવનમાં તાકીદે જૈન ટીફીનો બનાવાયા અને દરરોજના સમયે જ ક્રાઇમ બ્રાંચની જીપમાં જ ટીફીન જૈન વયોવૃધ્ધોને ઘેર-ઘેર પહોંચાડાયા હતા.

શહેર પોલીસના આ ઉમદા સેવાયજ્ઞને જોઇને જૈન ભુવનના ટ્રસ્ટીઓ સર્વશ્રી શશીભાઇ વોરા, સમાજના અગ્રણી રોહિતભાઇ રવાણી વિગેરે પણ અભિભૂત થયા હતા. પોલીસની આ પ્રશંસનીય કામગીરીના ભરપૂર વખાણ કર્યા હતા.

દોઢ-બે દિવસથી જાગનાથ સ્થિત જૈન ભુવનના અનેરા સેવાકીય કાર્ય ટીફીન વ્યવસ્થા ખોરંભે પડતા જૈન ભુવનની સેવાનો જ લાભ લેવા વયોવૃધ્ધ વડીલોએ પણ જ્યારે પોલીસના જોમ-જુસ્સા, તરવરાટ અને સેવાકીય નિષ્ઠાની જાણ થઇ ત્યારે ખૂબ-ખૂબ આશિર્વાદ આપ્યા હતા જે સાંભળીને પોલીસ ઇન્સ્પેકટર હિતેશ ગઢવી, ફોજદાર સાંકરા તથા ટીમે પણ આત્મસંતોષભરી કામગીરીથી નિજાનંદનો અહેસાસ કર્યો હતો.

જૈન ભુવનના આગેવાનોએ પોલીસ કમિશ્નર મનોજકુમાર અગ્રવાલે લીધેલા ત્વરીત પગલાને પણ બિરદાવ્યા હતા.

ગઇકાલે શહેરના જૈન વયોવૃધ્ધોની જઠરાગ્નિ ઠારવાના પોલીસના આ જબરદસ્ત સેવાયજ્ઞને અકિલા પરિવાર પણ બિરદાવે છે. રાજકોટ શહેર પોલીસે 'મે આઇ હેલ્પ યુ'ના સૂત્રને સાર્થક કર્યું છે અને પોલીસની કામગીરીને તાળીઓ પાડીને, થાળીઓ વગાડીને તથા ઝાલર વગાડીને બિરદાવ્યું છે તેને પણ સાર્થક કરી બતાવ્યાનું જૈન અગ્રણીઓ જણાવી રહ્યા છે.

દરમિયાન આજે બપોરથી પણ ક્રાઇમ બ્રાંચના સંપૂર્ણ સહયોગથી દરરોજ બંને ટાઇમ ૬૦ જૈન વયોવૃધ્ધ સુધી જૈન ભુવનની આ સેવાકીય કામગીરી નિયમિત પણે શરૂ કરી દેવાઇ છે.

(4:17 pm IST)