Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

વોર્ડ ઓફિસર કિંજલ ગણાત્રા સગર્ભા અવસ્થામાં પણ અવિરત ફરજ બજાવે છે : કર્તવ્ય નિષ્ઠાને બિરદાવતા મ્યુ. કમિશ્નર

વોર્ડ નં. ૨ના નાગરિકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે કરિયાણાની દુકાનોની વ્યવસ્થા કરાવી

સગર્ભા અવસ્થામાં પણ વોર્ડ નં. ૨ના વોર્ડ ઓફિસર કિંજલબેન ગણાત્રાએ લોકડાઉનની સ્થિતિમાં નાગરિકોને કરિયાણા સહિતની વસ્તુઓ મળી રહે તે માટે વ્યવસ્થા કરાવી કર્તવ્ય નિષ્ઠાનું ઉમદા ઉદાહરણ પુરૃં પાડયું છે. તસ્વીરમાં કિંજલબેન જે કરિયાણાની દુકાન ખુલ્લી રહેશે તેની બહાર સ્ટીકર લગાવી રહેલા દર્શાય છે.

રાજકોટ તા. ૨૬ : કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સરકારશ્રી દ્વારા લાગુ કરવામાં આવેલ લોકડાઉન પીરીયડ દરમ્યાન રાજકોટ શહેરમાં નાગરિકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે અને તેમની લાઈફ નોર્મલ બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટાફ દિવસ રાત જોયા વગર પોતાની ફરજ બજાવી રહયો છે ત્યારે એમાં પણ કર્તવ્યનિષ્ઠાની પરાકાષ્ઠા ગણાય તેવા એક જબરદસ્ત ઉદાહરણ વિશે લોકોને જાણકારી આપતા મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૨ ના વોર્ડ ઓફિસર શ્રી કિંજલબેન ગણાત્રા છઠા માસની સગર્ભા અવસ્થામાંથી પસાર થઇ રહયા છે. આવી સ્થિતિ વચ્ચે પણ તેઓ પોતાની ટીમનું નેતૃત્વ કરી પોતાના વોર્ડમાં તેમની કામગીરી નિભાવી રહયા છે.  આવા નિષ્ઠાવાન અધિકારી માટે રાજકોટ મહાનગરપાલિકા ગર્વ અનુભવે છે. સાથોસાથ નાગરિકોએ પણ આ બાબતની સૌએ નોંધ લેવી જોઈએ.

શહેરના લોકલ કરીયાણાની દુકાનોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા કરવાની સાથોસાથ  શહેરમાં કરીયાણાની જે જે દુકાનો ખુલ્લી રહેવાની છે તે દુકાન ઉપર રાજકોટ મહાનગરપાલિકાએ લીલા રંગના સ્ટીકર લગાવવાની કામગીરી ઉપરાંત કચેરીના અન્યાદેશો અનુસાર તેઓ પોતાની કામગીરી બજાવી રહયા છે. શહેરની કરીયાણાની દુકાનોએ શાકભાજીનો જથ્થો પણ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં તેમની વોર્ડ ટીમો સંકલન કરી રહી છે.

(4:16 pm IST)