Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કોરોના વિષાણુ સામે પ્રશાસન અને પ્રજાએ સાથે ચલાવેલી લડત પ્રશંસનીય : રાજુ ધ્રુવ

સરકારશ્રીના દરેક અનુરોધ - અપીલને આવકારવા અને અફવા- અંધશ્રદ્ઘાથી દુર રહેવા અપીલ

રાજકોટ તા. ૨૬ : વર્તમાન પરિસ્થિતી જોતા કોરોના સામે લડતા વહિવટી તંત્ર, સુરક્ષા વિભાગ, આરોગ્ય તંત્ર, મીડિયા-સમાચાર માધ્યમો સહિતના સેવાકર્મીઓની કામગીરી ધન્યવાદને પાત્ર હોવાનું ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવી આ સૌને સહયોગી બનવા અપીલ કરેલ છે.

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. વિશ્વભરનાં મહત્તમ દેશો કોરોના વાયસરની જીવલેણ ચુંગાલમાં આવી ગયા છે. આપણું ભારત પણ કોરોના વાયરસની મહામારીને અટકાવવા એક બની મહેનત કરી રહ્યું છે. તે સારી વાત છે.

કોરોના વાયરસને ભારતમાં ફેલાતો રોકવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર અને રાજય સરકાર એક પછી એક અનેક પગલાંઓ ભરી અને નિર્ણયો લઈ રહી છે. લોકડાઉન, કલમ ૧૪૪, જનતા કર્ફયુ સહિત ૧૫ હજાર કરોડ રૂપિયાનાં પેકેજ જેવા અનેક જનહીત કાર્યો દ્વારા કોરોના વાયરસને દેશમાં ફેલાતો અટકાવવા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.

કેન્દ્ર-રાજયની સરકાર, વહિવટી તંત્ર, સુરક્ષા વિભાગ, આરોગ્ય શાખા, આર્થિક જગત, સંચાર માધ્યમો વગેરે સાથે સંકળાયેલા સેવાકર્મીઓ જીવનાં જોખમે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી દેશસેવા કરી રહ્યાં છે. જનતાએ પણ સરકારનાં દરેક અનુરોધ-અપીલને આવકારી સંપૂર્ણ સાથ-સહકાર આપ્યો છે જે બદલ સૌને અભિનંદન આપવા ઘટે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું કે, કોરોનાની મહામારીમાં પૂરતી કાળજી અને સાવચેતી ન રાખવામાં આવે તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. તેથી લોકોને ઘરમાં રહેવા વિનંતી છે. તમામ લોકોને ઘર સુધી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળી રહે તે માટેનું આયોજન સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું છે. એક એપ્રિલથી ૬૦ લાખ પરિવારોનાં ત્રણ કરોડથી વધુ લોકોને મફતમાં કરિયાણું આપવામાં આવશે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તો ખેડૂતોને ધીરાણ પર વ્યાજ માફી માટેની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોના સંદર્ભે જે જંગ છેડવામાં આવી છે તેને સામાજિક સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓનો પણ ખૂબ સારો ટેકો મળી રહ્યો છે.

આપણી સરકારની સાથે સમાજનાં સેવાભાવીઓએ આ સમયે જે પ્રકારનું વલણ દાખવી દાન-સેવા જેવી કરુણા દ્વારા કોરોના સામે બાથ ભીડી સામાન્ય જનતાને મદદરુપ બન્યા છે તે પણ પ્રશંસાપાત્ર છે. હજુ વધુમાં વધુ લોકો સરકાર અને સેવાભાવી સંગઠનોની વહારે આવી સાથ-સહકાર આપે, સંકલ્પ-સંયમ પાળે, સેવા-કરુણા દાખવે એ ખૂબ આવશ્યક છે.

રાજુભાઈ ધ્રુવે ગુજરાતની જનતાને અંતરથી અપીલ કરી છે કે, કટોકટીની આ પરિસ્થિતિ વચ્ચે પોલીસ, ડોકટર, મીડિયાકર્મી, સફાઈ કામદાર સહિત વહિવટી તંત્રના સેવાકર્મીઓને સાથ-સહકાર આપવો. આપણે ત્યાં આવતા કામદારોને પણ જરૂરી સહાયતા કરવી. આ દિવસો માનવતા દાખવવાનાં છે. એકબીજાને મદદરૂપ થવાના છે.  લોકોએ અંધશ્રદ્ઘા અને અફવાઓથી દૂર રહેવું. ડોકટરની સલાહ વિના કોઈ દવાઓ ન લેવી. શાંતિ - સ્વચ્છતા - શિસ્તતા જાળવવી. ઘરમાં રહી મળેલા સમયનો સદુપયોગ કરવો. આ પણ એક પ્રકારની દેશસેવા જ છે.

કોરોના વાયરસ મહામારીમાંથી સમગ્ર દેશ-દુનિયા જલ્દીથી છૂટકારો મેળવશે એવું કહી જગતભરની જનતાનાં સારા સ્વાસ્થ્યની મંગલકામના કરીએ. તેમ અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવેલ છે.

(4:14 pm IST)