Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કોરોનાથી બચવા વૃદ્ધો અને બાળકોને તો ઘરની બહાર જ ન કાઢો, ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળોઃ એનડીઆરએફના વડા રાજકોટમાં

લોકોને મહામારીથી સાવચેત રહેવા માટે માર્ગદર્શન આપતી એનડીઆરએફની ટીમો : લોકો શેરીઓમાં ભેગા થઈને બેસવાના બદલે ઘરમાં જ રહે તે અત્યંત જરૂરીઃ અકિલાના માધ્યમથી લોકોને અપીલ કરતા સંદેશ ચૌધરી

તસ્વીરમાં અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે એનડીઆરએફની ટીમની કામગીરીની માહિતી આપતા વડા સંદેશ ચૌધરી, નીચેની તસ્વીરમાં એનડીઆરએફની ટીમ રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે માર્ગદર્શન આપી રહી છે તે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૬ :  કોરોનાની અસર ધીમે ધીમે વધતી જાય છે અને સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કર્યા બાદ પણ અનેક વિસ્તારોમાં હજુ પણ ટોળારૂપે લોકો જોવા મળી રહ્યા છે ત્યારે એનડીઆરએફના વડા સંદેશ ચૌધરીએ અકિલાના માધ્યમથી લોકોને સાવચેત કરવા અપીલ કરી છે.

અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શુભેચ્છા મુલાકાત દરમિયાન એનડીઆરએફના વડા સંદેશ  ચૌધરીએ જણાવ્યુ હતુ કે, કોરોનાથી બચવા માટે લોકોએ સાવચેત રહેવુ અત્યંત જરૂરી છે. ટોળા સ્વરૂપે બેસવાનુ કે બહાર નિકળવાનુ ટાળવુ  જોઈએ તેમજ બહારની ચીજવસ્તુઓનો સ્પર્શ કરવાનુ ટાળવુ જોઈએ. એકબીજાથી અંતર રાખીને બેસવુ જોઈએ.

સંદેશ ચૌધરીએ વધુમાં જણાવ્યુ કે બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નિકળવુ જોઈએ. ઘરના દરેક વ્યકિતએ બહાર જવાની જરૂર નથી. ઘરના એક સભ્ય જરૂરીયાત મુજબની વસ્તુ લેવા માટે બહાર જઈ આવે તે હાલના સંજોગોમાં અત્યંત જરૂરી છે. બહાર ગયા બાદ પરત આવીને હાથ સાબુથી ધોઈ નાખવા જરૂરી છે.

કોરોનાના વાયરસને પ્રસરતો અટકાવવા માટે શરીર અને કપડા સ્વસ્થ રાખવા જોઈએ. ભીડભાડવાળા વિસ્તારમાં જવાનુ અત્યંત જરૂરી હોય તો જ જવુ જોઈએ અને ત્યાંથી જઈને આવીને શરીરને સ્વસ્થ કરી દેવુ જોઈએ. ઘરમાંથી વૃદ્ધો કે બાળકોને હાલની પરિસ્થિતિમાં બહાર જ ન કાઢવા જોઈએ.

લોકોએ લોકડાઉન સહિતના જાહેરનામાનો ચૂસ્તપણે અમલ કરવો જોઈએ તેમ એનડીઆરએફના વડા સંદેશ  ચૌધરીએ લોકોને અપીલ કરતા જણાવ્યુ છે.

લોકોને મહામારીથી સાવચેત રહેવા માટે માર્ગદર્શન આપવા એનડીઆરએફની ટીમો રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવી રહી છે.

(6:59 pm IST)