Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

આવતી કાલે વિશ્વ રંગભૂમિ દિન

''અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ''નું સુંદર નાટય નજરાણુ થિયેટર પીપલના વિરલનું વિલક્ષણ નાટક 'અંતિમ અપરાધ'

રાજકોટના લોકભિમુખ સાંધ્ય અખબારે પોતાના ''અકિલા ઇન્ડિયા ઇવેન્ટ'' બેનરે, રાજકોટના કલા પિપાષુ પ્રેક્ષકો સમક્ષ તા. ૮-રની ગુલાબી રાત્રિએ, લોકદિમાગમાં યાદ રૂપે ચિરંજીવ રહે તેવું ધ્રુજારી ભર્યુ, સીરીયા-સસ્પેન્ટ નાટક અંતિમ અપરાધ રજૂ કર્યુ હતું. જેમાં નાટ્ય રજુઆત માટેના જરૂરી તમામ પાસાઓને અત્યંત નાવિન્યતા સભર રીતે રજૂ થયા હોવાનું અનુભવાયું. તે માટે આ મૌલિક નાટકના લેખક ડો. રઇશ મણિયાર, દિગ્દર્શક-અભિનેતા વિરલ રાચ્છ, સાથોસાથ તેના તમામ કલાકાર-કસબીઓને બાઅદબ સેલ્યુટ!! વર્ષ-દોઢેક વર્ષથી પ્રારંભીત ''અકિલા'' ની આ સાંસ્કૃતિક સેવા પુજાનો, પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં ધરાયેલ છઠ્ઠો, પ્રસાદ થાળ હતો. જે થાળને પામવા કલા ભકતોએ કોઇ અનુદાન આપવાનું હોતું નથી.

જામનગરનું થિયેટર પીપલ નાટય ગૃપ વર્તમાન સમયનું સૌરાષ્ટ્રનું પ્રબળ અને પ્રભાવિક ગૃપ છે. નાટય નિર્માણ માટેના ચાર મુખ્ય સ્તંભો એટલે સ્ક્રીપ્ટ, દિગ્દર્શક અભિનેતા અને પ્રેક્ષક, છેલ્લા પચ્ચીસ વર્ષ થયા આ ગૃપ સુંદરતમ નાટકો સર્જી તેના ઉપરોકત જણાવેલા સ્તંભોને વધુને વધુ મજબૂત કરતું જોવામાં આવ્યું છે. તેનો પ્રત્યક્ષ દાખલો એટલે નાટક 'અંતિમ અપરાધ'.

ઉત્તમકવિ, વકતા, એન્કર અને નાટયલેખન માટે પણ જાણીતા ડો. રઇશ મણિયારની કેળવાયેલી કલમે આ નાટક લખ્યુ છે. વિષય થ્રિલરનો હોઇ અંધારી આલમની ક્રુઅલ માનસિકતા સાથે, નિર્દોષ હયુમર અને સેન્ટીમેન્ટસની શ્યાહીમાં કલમ ઝબોળી આ નાટક લખાયું છે. રહસ્યના આટાપાટા વચ્ચે શારીરિક અને સંજોગથી પીડિત આમ-આદમીની દયનિય સ્થિતિની વેદના સંવેદના પણ હૃદયને ચોંટ મારી જાય તેવા સંવાદો સાથે અહીં ભારોભાર પિરસાઇ છે. તો સેવાનું ઓઢણું ઓઢી, માનવ અંગોની ચોરી કરનારાઓને પણ લેખક બેઝીઝક ખુલ્લા કર્યા છે. નાટકનું આ તત્વ-સત્વ પ્રેક્ષકોને રોમાંચિત સાથે ગદગદ કરવામાં સફળ રહે છે.

નાટકનો મુખ્ય ધરોહર છે તેનો દિગ્દર્શક ઉતમ દિગ્દર્શક સામાન્ય સ્ક્રીપ્ટને પણ કલાસીક ટચ આપી શકે અને સામાન્ય દિગ્દર્શક કલાસિક સ્ક્રીપ્ટનું નખ્ખોદ કાઢી નાખે. મરાઠી રંગભૂમિના વિહૃત લેખક આચાર્ય અત્રેના મતે (જેમણે અભિનય સમ્રાટ જેવું નાટક લખ્યું છે) લેખક રસોયો છે અને દિગ્દર્શક પિરસણીયો તેમના આ મતે જોઇએ તો આ નાટકનો પિરસણીયો છે. રિવલ દરેક વ્યકિત પોતાના નામને સાર્થક કરતી હોતી નથી, પણ અંતિમ અપરાધ નાટકના દિગ્દર્શન અને કેન્દ્ર ભૂમિકાના અભિનયની સૌથી વસમી, એકીસાથે બબ્બે જવાબદારીમાં વિરલ રાચ્છે વિલક્ષણ કામગીરી બજાવી છે. જામનગર સાથોસાથ મુંબઇ રંગભૂમિ પર પણ રહી, તેણે ત્યાં પણ પોતાનો વાવટો ફરકાવ્યો છે. તેનો આ દીર્ધ અને પરિપકવ અનુભવ તેના દિગ્દર્શનમાં ક્ષણેક્ષણે ઝબકારા મારતો રહે છે. પોતાના સાહજીક અને સંયમિત અભિનય સાથે અન્ય પાત્રોની મુવમેન્ટ ક્રાફટીંગ, પ્રકાશ, સંગીત, સન્તિવેષ તથા રંગ-વેષ સહિતના દરેક પાસાઓના પરિકલ્પનનો તાલમેલ રાખવાની સમજને પિરસતા વિરલ રાચ્છ અહીં વિરલ પુરવાર થાય છે. નાટકના તમામ પ્રસંગો અને ઘટનાઓના તેણે મનમોહક ઘાટ ઘડયો છે.

અભિનય નાટકનો ઓજ-આત્મા છે એ ન હોય તો નાટક પ્રભાવહિન રહે. આ નાટકમાં અભિનયનું સ્તર અતિ ઓજસ્વી છે. ડોન આમ આદમી તથા કીડની ચોર ચીટર, અભિનયનું જોમ દર્શાવવા માટેના સબળ પાત્રો છેે. છટાદાર વ્યકિતત્વ અને આલીશાન અવાજના ધની જય વિઠલાણીનો, સંગીત રસિયા ડોન તરીકેનો ગરદનને ઝર્ક મારવાના મેનરીઝમ સાથેનો રૂઆબદાર અભિયન તેને સશકત અભિનેતા હોવાનો પચ્ચમ  દર્શાવે છે. જયારે આમ આદમી, તથા ચીટીંગથી કીડની કાઢી તેને ચોરી લેતા ચોરની ભૂમિકાઓમાં સ્પોટેનિયસ અભિયન ઉસ્તાદ સહિત એંકર તરીકે પણ એટલા જ સહજ વિરલ રાચ્છ તથા રોહિત હરિયાણીએ  સચોટ અભિનયના દર્શન કરાવ્યા. સ્પર્ધાઓમાં અનેક પારિતોષિકો, એવોર્ડઝ વિજેતા જય અને વિરલમાં ઘડીભર માટે આઇએનટી ના ચાલીસેક વર્ષ પૂર્વેના નાટક 'ખેલંદો'ના અરવિંદ અને પ્રવિણ જોષી બંધુની અભિનય જુગલબંધી નજર સમક્ષ તરી ગઇ. સાથી કલાકારો માહેનાઓમાં કોઇ કોઇને ઉચ્ચાર શુધ્ધિની સમસ્યા છતાં એ સૌએ પણ અભિયનના અચ્છો આસ્વાદ કરાવ્યો.

ઇસ્માઇલ દરબાર (હમ દીલ દે ચૂકે ફિલ્મના સંગીતકાર તો નહિ?) રહસ્ય અને સંવેદનાત્મક દૃ્ષ્યો માટેનું શ્વાસ થંભાવી દે અને હૃદયને ભાવવિભોર કરી મૂકે તેવા સંગીત માટે, પુરેપૂરી જહેમત લેવાઇ છે. ખાસ પ્રકાશ અને અદ્યતન સાઉન્ડ સીસ્ટમના સંયોજનથી આ સંગીત દરેક દૃષ્યોનો જીવંત સાક્ષાત્કાર કરાવી જાય છે. છેલ-પરેશના સન્નિવેષ માટે ભલા કંઇ કહેવાપણુ હોય ?

સારા પ્રેક્ષક હોવું એ કલા ચાહક હોવા તરીકેની પ્રાથમિક જરૂરીયાત, રાજકોટના પ્રેક્ષકોએ એ અહીં સાબિત કર્યુ દાદ દેવા લાયક દરેક દરેક દૃષ્યે, સંવાદોએ, અને નાટક પુરૃં થયું ત્યારે તાલીઓના ભરપુર વધામણા આપીને એક રંગકર્મી તરીકે અનુભવ્યું છે કે 'જો નશા તાલીઓકી ગુંજમેં હૈ', વો શરાબ કી કીસી ભી બોતલ મેં નહીં., આવતી કાલનો વિશ્વ રંગભૂમિ દિન કેરોના વાયરસ સામે યુધ્ધે ચડેલા વિશ્વભરના સૌ લગત લડવૈયાઓને અર્પણ....!!

-કૌશીક સિંધવ

રાજકોટ.

મો. ૭૩પ૯૩ ર૬૦પ૧

(4:11 pm IST)