Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાજકોટમાં કોરોનાના કેસ વધશે ? વધુ ૧૧ આઈસોલેશનમાં

તમામ શંકાસ્પદ સેમ્પલ લેબમાં મોકલાયાઃ રાજકોટ જિલ્લાના ૧૫૦ અને શહેરના ૫૧૨ લોકો હોમ કોરોન્ટાઇનમાં: બેંકના ૫ કર્મચારીઓને રજા અપાઇ

રાજકોટ, તા. ૨૬ :. શહેર જિલ્લામાં કોરોનાના કેસ હજુ પણ વધે તેવી ભીતી સેવાય રહી છે. અત્યાર સુધીમાં ૪ પોઝીટીવ કેસ નોંધાય ગયા છે. ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં વધુ ૧૧ દર્દીઓ શંકાસ્પદ જણાતા તેને આઈસોલેશન વોર્ડમાં ખસેડી સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. સાંજ સુધીમાં તેનો રીપોર્ટ આવી જશે. અગાઉના ૪ દર્દીઓ આઈસોલેશનમાં છે. આજે જે ૧૧ સેમ્પલ મોકલાયા તેમા બે ખાનગી હોસ્પીટલના દર્દીઓનો સમાવેશ થાય છે. બાકીના ૯ સરકારી હોસ્પીટલમાં દાખલ છે.

રાજકોટ ગ્રામ્યમાં ૧૫૦ અને શહેરમાં ૫૧૨ લોકો સહિત કુલ ૭૬૬૨ હોમ કોરન્ટાઈનમાં છે. આજે જે ૧૧ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ મોકલાયા તેની હિસ્ટ્રી તંત્ર દ્વારા મેળવાઈ રહી છે. જો તે પૈકી કોઈને કોરોના પોઝીટીવ આવે તો આઈસોલેશનમાં રાખી આગળની સારવાર અપાશે. જેનો રીપોર્ટ નેગેટીવ આવે તેને આઈસોલેશનમાંથી બહાર કાઢી કોરન્ટાઈનમાં રખાશે. હોસ્પીટલ કોરન્ટાઈન માટે પથીકાશ્રમ, ત્રિમૂર્તિ મંદિર વગેરેમાં વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાનો પ્રથમ પોઝીટીવ દર્દી જેના સંપર્કમાં આવેલ તે પાંચ બેન્ક કર્મચારીઓનો કોરન્ટાઈન પીરીયડ પુરો થતા તેમને જરૂરી કાળજીની સૂચના આપી રજા આપવામાં આવી છે.

(11:45 am IST)