Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાજકોટમાં જીવન જરૂરી ચીજો ખરીદવા લોકોની દોડધામ

૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત બાદ અનાજ - કરીયાણુ, શાકભાજી, દવા વગેરે ખરીદવા લોકો સતત દોડે છેઃ પાન-ફાકીના બંધાણીઓ હેરાન-પરેશાન : દાણાપીઠમાં લાઇનો લાગીઃ શાકભાજીના લેવાતા વધુ ભાવથી ગૃહિણીઓમાં દેકારોઃ સરકારે વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગણી

રાજકોટ, તા. ૨૫ :. કોરોના વાયરસ સામે બાથ ભીડવા માટે વડાપ્રધાન મોદીએ ગઈકાલે જાહેર કરેલા ૨૧ દિવસના લોકડાઉન બાદ લોકો ગઈકાલ રાતથી વિવિધ બજારોમાં અનાજ, કરીયાણુ તથા શાકભાજી ખરીદવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા કલમ ૧૪૪નો ભંગ થયાનુ પણ જણાતુ હતું. પ્રતિબંધીત આદેશો તથા કોરોનાની ગંભીરતાને નેવે મુકીને લોકો સવારથી ખરીદી માટે ઉમટી પડયા હતા. દાણાપીઠમાં તો ખરીદી માટે દુકાનો બહાર લાઈનો લાગી હતી. લોકો વધુમાં વધુ જથ્થામાં ચીજવસ્તુઓ ઘર ભેગી કરવા દોડધામ કરતા નજરે પડયા હતા. શાકભાજી ખરીદવા પણ ગૃહિણીઓએ દોટ મુકી હતી. કયાંક કયાંક વધુ ભાવ પડાવવાની ફરીયાદો પણ ઉઠી હતી તો બીજી તરફ પાનના ગલ્લાઓ બંધ હોવાને કારણે પાન-ફાકી-તમાકુના બંધાણીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેઓને છાનેખુણેથી વધુ ભાવ આપી પોતાનુ બંધાણ પુરૂ કરવાની પણ નોબત આવી હતી.

સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં ૨૧ દિવસનું લોકડાઉન આવી ગયુ છે. સરકારે ચીજવસ્તુઓની અછત નહિ થાય તેવી ખાત્રી આપી છે છતા દહેશતના માર્યા લોકો ગઈકાલ રાતથી જ અનાજ, કરીયાણુ ખરીદવા મોટી સંખ્યામા બહાર નિકળી પડયા હતા. અમુક લોકોએ તો જરૂર કરતા વધુ જથ્થો ઘર ભેગો કર્યો હતો.

રાજકોટમાં ડુંગળી, બટેટા, ટમેટા વગેરેના ભાવોમાં વધારો થઈ ગયો છે. રોજીંદા ભાવો કરતા વધુ ભાવ થઈ જતા ગૃહિણીમાં ભારે દેકારો બોલી ગયો હતો. લોકો મોટા પ્રમાણમાં બટેટા ઘર ભેગા કરતા તેના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. છૂટક વ્યવસાય કરતા લોકોના કહેવા મુજબ હોલસેલમાં ભાવ વધી ગયા હોવાથી અમારે ભાવ વધારો કરવો પડયો છે. ગૃહિણીઓનુ કહેવુ છે કે તંત્રએ લોકોને રાહતદરે શાકભાજી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ.

તો બીજી તરફ સજ્જડ બંધના કારણે પાન, ફાકી, માવા અને ધુમ્રપાનના શોખીનોની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેઓને પોતાનો શોખ પુરો કરવા અને તરસ છીપવવા ભારે દોડધામ કરવી પડી હતી. છાનાખૂણે વધુ ભાવ દઈને પણ પાન, ફાકી, માવા ખરીદવા પડયા હતા. અમુક લોકોએ તો બમણા ભાવ આપી પોતાનુ બંધાણ સંતોષ્યુ હતું.

જો કે રાજકોટમાં દૂધની કોઈ તંગી જોવા મળી નથી કે તે માટે લાઈનો જોવા મળી નથી. દૂધનો પુરવઠો રાબેતા મુજબનો આવ્યો હોવાનું જાણવા મળે છે. જો કે આવતા દિવસોમાં સપ્લાય કેવી રહે છે ? તેના પર બધો આધાર છે.

(3:28 pm IST)
  • વતન પરત જઈ રહેલા પરપ્રાંતીય શ્રમિકોને વિજયભાઈની અપીલ : કોઈ પણ ગભરાઈને વતન જાય નહિં : માલિકો - શ્રમિકો માટે તમામ વ્યવસ્થા કરે શ્રમિકોને તેમના ખાવા - પીવા - જીવન જરૂરી ચીજોની વ્યવસ્થાની ચિંતા સરકાર કરી જ રહી છે : ઔદ્યોગિક એસોસીએશનો, બિલ્ડર્સ અને વેપારી એસો.ને પોતાને ત્યાં કામ કરતા શ્રમિકોની તમામ સારસંભાળ લેવા હાકલ : સરકાર બધી મદદ કરશે : મહાનગરોમાં એકલા રહેતા નિઃસહાય - નિરાધાર વૃદ્ધ વડીલો વિ.ની વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા સ્વૈચ્છિક સેવા સંસ્થાઓના સહયોગથી સરકાર કરશે : આઠ મહાનગરોમાં આ માટે અધિકારીઓ નિયુકત : વિજયભાઈ રૂપાણી access_time 6:05 pm IST

  • ભારતમાં કોરોનાવાયરસ COVID-19 નું સામુદાયિક ટ્રાન્સમિશન થયું હોવાનું કહેવા માટે હાલ કોઈ સખત પુરાવા નથી : કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય access_time 9:19 pm IST

  • અમિતાભનું ટ્વીટ સૌને ચોંકાવે છે : અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને નરેન્દ્રભાઈ મોદીને જણાવ્યું છે કે કોરોના માખીથી પણ ફેલાઈ શકે છે access_time 10:20 pm IST