Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

યુવરાજનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં ત્રણ ઠાકોર ભાઇઓ પર હુમલો

મહેશ મંડોળ અને તેના ભાઇને ઇજાઃ સામે ભરત તલસાણીયાની ફરિયાદ

રાજકોટ તા. ૨૬: જુના માર્કેટ યાર્ડ પાછળ યુવરાજનગરમાં રહેતાં ઠાકોર યુવાને ઘર પાસે ગાળો બોલી રહેલા શખ્સોને દૂર જવાનું કહેતાં ત્રણ શખ્સોએ મળી ધોકા અને ઢીકા-પાટુનો માર મારતાં અને વચ્ચે પડેલા આ યુવાનના બે ભાઇને પણ ઘાયલ કરતાં સારવાર લેવી પડી હતી. સામા પક્ષે કોળી યુવાને પણ ત્રણ ઠાકોર ભાઇઓ સામે ફરિયાદ કરી હતી.

યુવરાજનગરમાં રહેતો અને કડીયા કામની મજૂરી કરતો મહેશ રમેશભાઇ મંડોળ (ઠાકોર) (ઉ.૨૩) રાત્રે સાડા નવેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે ત્યારે ભરત તલસાણીયા, કાળુ મકવાણા અને અનિલ રાજ્યગુરૂએ ગાળો દઇ ધોકાથી હુમલોક રી તેમજ ઢીકા-પાટુ મારતાં મહેશને બચાવવા તેના ભાઇઓ તનેશ તથા અલ્પેશ વચ્ચે પડતાં તેની પણ ધોલધપાટ થઇ હતી. જે પૈકી મહેશને સારવાર માટે દાખલ કરવામાં આવતાં આજીડેમના પીએસઆઇ કે. એમ. સોલંકીએ તેની ફરિયાદ પરથી ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો. મહેશના કહેવા મુજબ ભરત સહિતના ઘર પાસે ગાળો બોલતાં હોઇ ના પાડતાં હુમલો થયો હતો.

સામા પક્ષે ભરત મગનભાઇ તલસાણીયા (ઉ.૩૨)એ પણ પોતાના પર મહેશ, તેના ભાઇ તનેશ અને અલ્પેશે હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી તને તો મારી જ નાંખવો છે તેમ કહી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે આજીડેમના પીએસઆઇ સી.એસ. પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)