Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

પડધરીના રાદડ મુકામે કાર્યક્રમ : નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

સમસ્ત લેઉઆ પટેલ વૈષ્ણવ પરીવાર ટ્રસ્ટ દ્વારા રવિવારે લઘુરૂદ્ર યજ્ઞ - ડિરેકટરી વિમોચન

રાજકોટ, તા. ૨૬ : છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિકરણ થવાથી કુટુંબના સભ્યોની વ્યસ્તતામાં દેખીતો વધારો થયો છે ત્યારે આ શૈક્ષણિક, વ્યાવસાયિક અને આર્થિક ક્ષેત્રે બદલાયેલી પરિસ્થિતિ સાથે બંધ બેસતા થવા માટે જુદા જુદા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લેઉઆ પટેલ સમાજના સમસ્ત લેઉઆ પટેલ વૈષ્ણવ પરીવાર દ્વારા સુરાપુરા દાદા શ્રી પૂજય હરખાબાપાના સાનિધ્યમાં રાદડ ગામ મુકામે આગામી તા.૩૧ માર્ચ રવિવારના રોજ સવારે ૭ થી બપોરે ૧ સુધી લઘુરૂદ્ર યજ્ઞ તથા પરિવાર ડીરેકટરી વિમોચનનું આયોજન કરવામાં આવેલ છે.

આપણે સરદાર વલ્લભભાઈ પટેલના વંશજ હોઈ તેમનું સપનુ સમાજને જોડવાનું હોય નહીં કે તોડવાનું એવા શુભ આશયથી ટ્રસ્ટ દ્વારા સમસ્ત લેઉઆ પટેલ વૈષ્ણવ પરીવારોને એક કરવા માટે કરેલા આ ભગીરથ કાર્યમાં વૈષ્ણવ પરીવારને સંગઠિત કરી સમાજને ઉપયોગી આયોજનોને પાર પાડવા લેઉઆ પટેલ વૈષ્ણવ પરીવારોને નિમંત્રણ પાઠવાયું છે.

વૈષ્ણવ પરિવાર દ્વારા રચાયેલ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સહાય તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન, સમાજના નબળા પરીવારોને સહાય, બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, મેડીલ તથા શૈક્ષણિક સહાય જેવી સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે.

વધુ માહિતી માટે શ્રી દિનેશભાઈ વૈષ્ણવ - મો.૯૭૨૬૫ ૬૧૬૯૭, શ્રી અશોકભાઈ વૈષ્ણવ - મો. ૯૯૨૫૨ ૯૯૯૬૬, શ્રી રાજેશ વૈષ્ણવ - મો. ૯૪૦૮૫ ૫૦૬૪૯નો સંપર્ક કરી શકાય છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વી.પી. વૈષ્ણવ, શ્રી પ્રાગજીભાઈ વૈષ્ણવ, શ્રી દામજીભાઈ વૈષ્ણવ, શ્રી અશોકભાઈ વૈષ્ણવ તેમજ ધોરાજી, જેતપુર, જેતલસર, જામનગર, ઉકરડા, જાંબુડા, પ્રેમપરા, ધારી વગેરે ગામના ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

શૂરવીર સુરાપુરા દાદા શ્રી પૂજય હરખાબાપાની શૂરવીરતાની ઓળખ

પૂજય બાપાનું મુળ વતન સિદ્ધપુર (પાટણ) એટલે સિદપરા કહેવાણા ત્યારબાદ ગુજરાતના સૌરાષ્ટ્રમાં રાદળ (હિદળ)માં વસવાટ કરેલ ત્યાં સમાજના કલ્યાણ માટે બાપાએ અનેક ધિંગાણા કર્યા.

સંવત ૧૪૫૬માં ધોરાજી (મોટી) હવેલીમાં કંઠી બંધાવેલ એટલે વૈષ્ણવ કહેવાણા. ત્યારબાદ હરખા ધિંગાણામાં લડતા લડતા બાપાનો હાથ તથા માથુ રાદળ (હિદળ) મુકામે કપાયુ આમ છતા તેમનું ધડ લડતા લડતા રૈયા મુકામે ખાંભી ગામ રાદળ (હિદળ) મુકામે આવ્યું. ત્યાં કોઈએ ગળીનો દોરો પહેરાવતા ત્યાં જ વિરગતી પામ્યા. જેથી તેમના હાથની તથા માથાની ખાંભી ગામ રાદળ (હિદળ) મુકામે તેમજ ધડની ખાંભી રૈયા ગામ મુકામે તેમના પ્રિય મિત્ર વીરજીબાપા સાથે આજની તારીખે પણ હયાત છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(1:09 pm IST)