Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

દારૂ-મારામારીના ગુનામાં સામેલ ધમો, મુરઘો અને સંજય પાસામાં

ભકિતનગર અને માલવીયાનગર પોલીસે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૨૬: લોકસભાની ચૂંટણી અંતર્ગત આચારસંહિતનો કડક અમલ કરાવવા ઉપરાંત ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્સો સામે કાર્યવાહી કરવા પોલીસ સતર્ક થઇ છે. તે અંતર્ગત જુદા-જુદા શખ્સો સામે પાસાનું શસ્ત્ર પણ ઉગામાઇ રહ્યું છે. વધુ ત્રણ શખ્સોને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસા તળે જુદી-જુદી જેલમાં ધકેલી દીધા છે.

ગોંડલ રોડ પર લોહાનગર-૨માં રામાપીરના મંદિર પાસે રહેણાંક ધરાવતાં અને હાલ રણુજા મંદિર પાસે ખાણના કાંઠે જયનગરમાં રહેતાં ધર્મેશ ઉર્ફ ધમો રમેશભાઇ બગદરીયા (ઉ.૨૪)ને દારૂના ગુનામાં પકડાયો હોઇ પાસામાં ધકેલવા હુકમ થતાં તેને વડોદરા જેલમાં મોકલાયો છે. આ ઉપરાંત જંગલેશ્વર મેઇન રોડ એકતા કોલોની-૪માં રહેતો સમીર ઉર્ફ મુરઘો યાસીનભાઇ પઠાણ (ઉ.૨૨) પણ મારામારી, વાહનો સળગાવવાના ગુનામાં સંડોવાયો હોઇ તેને પણ પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં અમદાવાદ જેલમાં મોકલાયો છે.

ઉપરોકત બંને વોરન્ટની બજવણી ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, સુર્યકાંતભાઇ પરમાર, કોન્સ. નિલેષ ચાવડા સહિતે કરી હતી.

જ્યારે નવલનગર-૩/૯ના ખુણે રહેતો સંજય ડાયાભાઇ ડવેરા અગાઉ મારામારીના ગુનામાં સંડોવાયો હોઇ તેને પણ પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ થયો છે. આ વોરન્ટની બજવણી માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમા, પીએસઆઇ જે. એચ. ચંપાવત, એએસઆઇ પરેશભાઇ જારીયા, હેડકોન્સ. જાવેદહુશેન રિઝવી અને કોન્સ. અરૂણભાઇ બાંભણીયાએ કરી હતી. પીસીબીના પી.આઇ. એસ. એન. ગડ્ડુ, અજયભાઇ શુકલા સહિતની ટીમે આ દરખાસ્તો મુકી હતી જે મંજુર કરવામાં આવી હતી.

(11:54 am IST)