Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

જિલ્લા પંચાયતમાં કોંગી પર વધુ એક ઘાઃ બાગી જૂથ સાંજે ભાજપમાં

કેસરિયા પાર્ટી સે, કમલ કે ફુલ સે, ભૈયા કરા દો મેરો પ્યાર... : શાસન પલટા માટે પૂરતી સંખ્યા થઇ ગયાનો ભાજપનો દાવોઃ નિલેષ વિરાણી કહે છે લોકોના વિકાસના કામ કરવા ભાજપમાં જોડાવાનો નિર્ણયઃ ૧૧ સભ્યો કેસરિયો ખેસ પહેરશે

રાજકોટ તા. ર૬ :.. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભાજપે વધુ એક ઝાટકાની તૈયારીને આખરી ઓપ આપ્યો છે. કોંગીના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નિલેષ વિરાણી સહિત ૧૧ બાગીઓ આજે સાંજે પ વાગ્યે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં કેસરિયો ખેસ પહેરનાર છે. ભાજપે પંચાયતમાં સત્તાપલ્ટાના ઇરાદા સાથે ખેલ પાડયો છે. અગાઉ જસદણની પેટાચૂંટણી વખતે ભાજપમાં જોડાયેલા ૬ સભ્યોને આજે ફરીથી ખેસ પહેરાવવાની તૈયારી છે. બધા મળીને આંકડો ૧૧ જેટલો થાય છે.

ઉપરાંત વાંકાનેર તાલુકા પંચાયતના કોંગીના ૩ તેમજ નગરપાલિકાના કોંગીના ૩ સભ્યો પણ સાંજે ભાજપમાં જોડાઇ રહ્યાનું ભાજપના વર્તુળો જણાવે છે.

બાગીએ લાંબા સમયથી ભાજપના સંપર્કમાં હતાં. ૧૧ સભ્યો સામે પક્ષાંતર ધારાનો કેસ નામે નિર્દેષ અધિકારી સમક્ષ ચાલે છે. સમિતિઓમાં બળવાથી શાસન જમાવ્યા બાદ આજે વિધિવત ભાજપના શરણે પહોંચ્યા છે.

પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેષ વિરાણીએ અકિલાને જણાવેલ કે મારા ઉપરાંત રેખાબેન પટોળીયા, કે. પી. પાદરિયા, ભાનુબેન તળપદા, નાથાભાઇ મકવાણા, રાણીબેન સોરાણી, મગનભાઇ મેટાળીયા, નિશાબેન ભોજાણી, વાલીબેન તલવાડીયા વગેરે સહિત ૧૧ સભ્યોએ સાંજે ભાજપનો ખેસ પહેરવો તેવુ નકકી થયુ છે. છેલ્લી ઘડી સુધીમાં આ આંકડામાં વધઘટ થઇ શકે છે. આખરી ચિત્ર સાંજે સ્પષ્ટ થશે. રાજય અને દેશમાં ભાજપની સરકાર છે. કોંગીમાં રહીને લોકોના વિકાસના  કામો થઇ શકતા નથી. તેથી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ભાજપમાં રહીને લોકોની સેવા કરશું.

(3:27 pm IST)