Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

રાજકોટના ૧૩ વર્ષના ધ્રુમિલની ગજબની પ્રગતિ

હજી તો જીનીયસ સ્કુલમાં ધો.૭માં ભણે છે ને સફળ બીઝનેશમેન બની ગયોઃ ધનેશા ટેકનોલોજીનો ફાઉન્ડર અને સીઇઓ છેઃ યુ.કે,યુ.એસ.એ, ચેન્નાઇથી વર્ચ્યુઅલ એમ્પ્લોઇજ તેની સાથે કામ કરી રહ્યા છેઃ મેન્ટર તરીકે જતીન કટારીયા અને દિપ મોટેરીયાએ આપેલ માર્ગદર્શન ફળીભૂત

કમાન્ડ આપો એટલે આદેશનું પાલન કરે તેવો 'હાઉન્ડ'પ્રોગ્રામ વિકસાવ્યો

રાજકોટ તા.૨૬: જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કુલનો ૧૩ વર્ષનો ગ્રેડ ૭ રેગ્યુલર સેકશનનો વિદ્યાર્થી ધ્રુમિલ ધનેશા ૨૦૧૭માં શરૂ કરેલ ટેકનોલોજી કંપનીનો ફાઉન્ડર અને CEO છે. તેણે પોતાની ધ્રુમિલ ધનેશા ટેકનોલોજીસના નામથી રજીસ્ટ્રર્ડ કંપની સ્થાપી છે. જેના માટે ટ્રેડમાર્ક લેવાયેલ છે અને તે પોતાના ઘરેથી જ આ કંપની ચલાવે છે. તે મોબાઇલ એપ્લીકેશન્શ અને વેબસાઇટ બનાવે છે.

તેની સાથે તેના વર્ચયુઅલ એમ્પ્લોઇઝ (કે જેઓ ઓનલાઇન તેના માટે કામ કરે છે) કે જેઓ અલગ-અલગ પ્રોજેકટસ પર UK,USA,પાકિસ્તાન,ચેનાઇ અને રાજકોટ જેવા મોટા શહેરો અને વિદેશથી તેની સાથે જોડાયેલા છે. તેઓ ઓનલાઇન તેમનુ ગ્રાફીક ડિઝાઇન,વેબ ડિઝાઇન, એપ ડિઝાઇન જેવા કામો કરે છે, અને તેમને ધ્રુમિલની કંપની ઓનલાઇન નાણા ચુકવી આપે છે.

ધ્રુમિલના આ પ્રગતી અંગેની વિગતો વર્ણવતા જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કુલના ચેરમેન ડી.વી.મહેતાએ જણાવ્યુ કે, ધ્રુમિલ બે વર્ષથી તેમની સ્કુલમાં અભ્યાસ કરે છે. અત્યારે AI એટલે કે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ અને વેબ-ઇન્ટર કોમ પર કામ કરી રહ્યો છે. આટલી નાની ઉમરમાં તેની ઉપલબ્ધીઓ કાબીલે દાદ છે.

તે જયારે ૯ વર્ષનો હતો ત્યારે તેણે તેનો પ્રથમ પ્રોજેકટ તરીકે, HTML અને CSS માં વેબસાઇટ બનાવી હતી. તેણે ગુગલ પર AI વિષે જાણ્યુ ત્યારે તેનાથી પ્રભાવિત થયો અને તેના પર ઉંડો અભ્યાસ અને રિસર્ચ શરૂ કર્યુ હતુ. ત્યારબાદ તે વિષયમાં તેણે ઘણુ ખેડાણ કર્યુ હતુ. તેને મેન્ટર તરીકે ગ્લોકલના જતીન કટારીયા કે જેઓ પોતે પણ એન્ટ્રોપ્રીન્યોર છે અને સ્ટાર્ટ અપ વિકેન ટેક્ષાસના ફેસીલીટેટર છે અને દિપ મોટેરીયા કે જેઓ રાજકોટની એલુમની સોફટવેર ડેવલપમેન્ટ કંપનીના સહ-સ્થાપક છે અને તેમનો બિઝનેસ ૧૮૦ દેશોમાં પ્રસરેલો છે, તેમણે ટેકનીકલ ગાઇડન્સ આપી ધ્રુમિલને ઘણા મદદરૂપ થયા છે.

ગુગલ આઇઓ એકસટેંડેડ, સ્ટાર્ટ-અપ વી કેન, ગુગલ બિઝનેસ ગ્રુપ ઇવેન્ટમાં ભાગ લીધેલ છે. અમદાવાદમાં સ્ટાર્ટ-અપ વી કેનમાં પાર્ટનર તરીકે જોડાયેલ,બેંગ્લોર ખાતે ગુગલ ડેવલપર ડેઇસ, અમદાવાદ નિરમા યુનિ. ખાતે ઇકો દિવસ, અમદાવાદ IIM ખાતે CIIF , બોમ્બે IIT ખાતે E-Cell, રાજકોટ ખાતે ગુગલ બિઝનેસ ગ્રુપ G-Day જેવા સેમીનરોમાં તેણે ભાગ લીધો છે.

આગામી મેં માસમાં તે અમેરીકાના સિલીકોન વેલી ખાતે યોજાનાર ગુગલ IOA ૨૦૧૮, આંતરરાષ્ટ્રીય ડેવલર કોન્ફરન્સ માં ભાગ લેવા જવાનો છે. ધ્રુમિલે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી ''હાઉન્ડ''નામનો પ્રોગ્રામ બનાવ્યો છે, જેને કમાન્ડ આપવાથી તે આદેશનુ પાલન કરે છે અને તમારી કવેરીના જવાબ આપે છે.

ધ્રુમિલને નેશનલ સાયન્સ કોંગ્રેસના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સન્માન કરાયુ હતુ. જીનિયસ ટ્રેડ મેનીફેસ્ટો કાર્યક્રમ દરમ્યાન રાજકોટ મહાનગર પાલીકાના કમિશ્નર બી.એન.પાની દ્વારા તેનુ બહુમાન કરાયુ હતુ. તેમજ ઇ-ચાઇલ્ડ વેન્ચરના જતીન ચૌધરી દ્વારા પણ તેનુ સન્માન કરાયેલ છે.

ધ્રુમિલની સફળતા પાછળ તેના પિતા ભરતભાઇ ધનેશા, માતા શ્રીમતી રાધિકા બેન તેમજ જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા, સીઇઓ ડીમ્પલબેન મહેતા, સેકશન હેડ શ્રીકાંત તન્ના, તેના બિઝનેસ પાર્ટનર ક્રિષ્ના બાબાની, તેમજ તેના મીત્રો અને શિક્ષકોનો સિંહ ફાળો રહ્યો હોવાનું એક યાદીમાં જણાવાયુ છે.

(3:59 pm IST)