Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

પાંચ દાયકા જૂનો અતૂટ નાતો : અત્યંત સાલસ સ્વભાવ : અપાર આત્મીયતા... અકિલા પરિવારજનો દ્વારા અશ્રુભીની વિદાય

અમારો હરીશ કોરોના સામેનો જંગ હારી ગયો

રાજકોટ, તા. ૨૬ : 'અકિલા' પરિવારના પ્રણેતા અને જય સૌરાષ્ટ્ર પ્રિ. પ્રેસના સ્થાપક - તંત્રી સ્વ.ગુણવંતભાઈ (બાબુભાઈ) ગણાત્રા પાસે ૧૭-૧૮ વર્ષનો એક કિશોર આજથી ૫૦ વર્ષ પહેલા આવેલ અને પ્રેસનું કામ શીખવા કામે રહેલ. બસ ત્યારથી આજ સુધી છેલ્લા પચાસેક વર્ષથી સ્વ.હરિશ ભુટાભાઈ ગોંડલીયા જય સૌરાષ્ટ્ર - અકિલા - ગણાત્રા પરિવારના એક પરિવારજન તરીકે ઓતપ્રોત થઈ ગયેલ.

અકિલા - જય સૌરાષ્ટ્ર પ્રેસમાં દાયકાઓ સુધી સેવા આપનાર હરીશભાઈ ગોંડલીયાને દસેક દિવસ પહેલા કોરોના ડીટેકટ થતા હોસ્પિટલમાં દાખલ કરેલ. છેલ્લા બે દિવસમાં કોરોના અચાનક ફેલાઈ જતા અથાગ પ્રયાસો, શ્રેષ્ઠ મેડીકલ સારવાર છતાં હરીશભાઈને બચાવી શકયા નહિં તેનું ઉંડું દુઃખ હંમેશ રહી જશે.

નાનપણથી જ વફાદારીના અનેરા ગુણ હરીશમાં રહ્યા હતા. અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રા, રાજેશભાઈ, નીમીષભાઈ અને સમગ્ર સ્ટાફે હરીશભાઈને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

માનવ તરીકેના શ્રેષ્ઠ ગુણોથી ભરેલા, અકિલા અને જય સૌરાષ્ટ્ર પ્રેસ પ્રત્યેનો પારિવારિક ભાવ અને અકિલા સાથે ઓતપ્રોત થઈ ગયેલા હરીશભાઈ કયારેય વિસરાશે નહિં, હંમેશ યાદ રહેશે.

હરીશને શ્રદ્ધાસુમન અર્પતા કિરીટભાઈ - અજીતભાઈ - રાજેશભાઈએ કહેલ કે સવારે ૮ના ટકોરે હરીશભાઈની અચૂક ઉપસ્થિતિ હોય જ છે. 'આવીને તરત ફોન આવે, ભાઈ લીફટમાં મેટર અને છાપા મૂકયા છે તમે જોઈ લેજો...' આ હંમેશનો ક્રમ હવે તૂટી ગયો છે. કિરીટભાઈની ફેઈસબુક લાઈવ ન્યુઝ માટેના તમામ મેટર, હેડલાઈનો હરીશ તૈયાર કરી આપે, સ્હેજે આળસ નહિં. નવા આવનાર સ્ટાફ મેમ્બરને પૂરી આત્મીયતાથી બધુ જ શીખડાવે. હરીશ પળે પળે યાદ આવશે, અકિલા પરિવારમાં ચિરંજીવી રહેશે...

અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રાએ હરીશભાઈને ભાવપૂર્ણ હૃદયાંજલી આપતા લખ્યુ છે કે 'જેની પાસે નાનાથી મોટો થયો તેવા મારા વડીલ અને અકિલા પરિવારના વરિષ્ઠ સદસ્ય એવા શ્રી હરીશભાઈ ગોંડલીયા ગઈ મોડી સાંજે કાળમુખા કોરોના સામેની લડાઈ હારી ગયા અને શ્રીજીચરણ પામ્યા.. ૫૦ વર્ષથી અકિલા  - જય સૌરાષ્ટ્ર પ્રેસ સાથેનો અતૂટ નાતો છોડી તેઓ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા છે. જેમના ખોળામાં રમ્યા હોય તે આ રીતે અચાનક જ ચાલ્યા જાય તે હજી પણ માન્યામાં આવતુ નથી. પ્રભુ તેમના આત્માને શાશ્વત શાંતિ અર્પે એવી હૃદયથી પ્રાર્થના કરૂ છું... ઁ શાંતિઃ શાંતિઃ શાંતિઃ....'

મૃત્યુ તો સહુ માટે ઈશ્વરે અનિવાર્ય બનાવ્યુ છે અને સહુએ સ્વીકાર કરવો જ રહ્યો. પરંતુ કેટલાક લોકોની અકાળે વિદાય પચાવવી અસંભવ થઈ પડે છે.

અકિલા પરિવારે બે મિનિટ મૌન પાળી સ્વ.હરીશભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ અને ચિ.તુષાર સહિત ગોંડલીયા પરિવાર ઉપર આવી પડેલ આ અણધારી આફત સહન કરવા શકિત આપે તેવી ઈશ્વરને પ્રાર્થના કરેલ.

  • હરીશભાઈ ભુટાભાઈ ગોંડલીયાનું દુઃખદ અવસાન : શનિવારે ૪ થી ૬ બેસણું

રાજકોટ : હરીશભાઈ ભુટાભાઈ ગોંડલીયા (અકિલા પ્રેસવાળા) (ઉ.વ.૬૬) તે તુષાર હરીશભાઈ ગોંડલીયાના પિતા તથા મોહનભાઈ ભુટાભાઈ, જીણાભાઈ, શાંતિભાઈના ભાઈ તથા બેચરભાઈ વશરામભાઈ, વલ્લભભાઈના કાકા તેમજ દિપેશકુમાર સરવૈયા તથા મિલનકુમાર વ્યાસના સસરાનું આજે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું સંપૂર્ણપણે કોરોના પ્રોટોકોલ મુજબ કાલે તા.૨૭ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન પાસે નિલકંઠ મહાદેવ મંદિર, રૂરલ હાઉસીંગ બોર્ડ, એ.જી. સોસાયટી એન્ડ કેવલ્સ રેસીડેન્સી પાછળ, પુષ્કરધામ મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

(12:09 pm IST)
  • સીંગતેલમાં રૂ. ૭૫ અને કપાસીયા તેલ અને પામોલીન તેલના ભાવમાં રૂ.૧૦૦નો વધારો ઝીંકાયો access_time 4:25 pm IST

  • કોરોનાનો ફુંફાડોઃ ભારતાં ૨૪ કલાકમાં ૧૬૫૭૭ કેસઃ ૧૨૦ લોકોને ભરખી ગયો : છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ભારતમાં કોરોનાના ૧૬૫૭૭ નવા કેસ સામે આવ્યા છે. ૧૨૧૭૯ લોકો સંક્રમણથી મુકત થયા છે, જ્યારે ૧૨૦ લોકોના મોત થયા છે, કુલ કેસ ૧,૧૦,૬૩,૪૯૧ થયા છે જેમા ૧૫૫૯૮૬ એકટીવ કેસ છેઃ ૧૫૬૮૨૫ લોકોના મોત થયા છેઃ ૧૦૭૫૦૬૮૦ લોકો સાજા થયા છે access_time 11:28 am IST

  • ભારતના વધુ ઍક બોલર વિનયકુમારે પણ ક્રિકેટને કર્યુ અલવિદા : તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધાનું સોશ્યલ મીડિયા પર કરી જાહેરાત : ૨૦૧૦માં ભારત માટે ડેબ્યુ કરનાર ફાસ્ટ બોલર વિનયકુમારે તેઓની કારકિર્દીમાં ૩૧ વન-ડેમાં ૩૮ વિકેટ અને ૯ ટી-૨૦માં ૧૦ વિકેટ લીધી હતી : તેઓ ઍક પણ ટેસ્ટ મેચ રમ્યા નથી તે પહેલા જ તેમને ક્રિકેટને અલવિદા કરી દીધુ access_time 6:06 pm IST