Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

૧૫૦ રીંગ રોડ સરદાર પાર્કમાં છ શખ્સોનો પથ્થરમારોઃ પટેલ વેપારી ચંદુભાઇને છરી ઝીંકી

કેટલાક શખ્સો પાણાવારી કરી ભાગી ગયા બાદ ચંદુભાઇ પડોશીને આ બાબતે પુછવા જતાં વારાફરતી ભૂપત બાંભવા, કરણ બોરીચા અને ચાર અજાણ્યાએ આવી ધોલધપાટ કરી

રાજકોટ તા. ૨૬: મવડી દોઢસો ફુટ રીંગ રોડ પર સરદાર પાર્કમાં રાતે શેરીમાં પથ્થરમારો થતાં પટેલ વેપારી પડોશીને આ બાબતે પુછવા જતાં એક શખ્સે આવી 'પથ્થરની વાત કરો છો?' તેમ પુછી મારકુટ કર્યા બાદ વારાફરતી બીજા પાંચ શખ્સોએ આવી ધોલધપાટ કરતાં અને એકે છરી ઝીંકી દેતાં દેકારો મચી ગયો હતો.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ સરદાર પાર્ક-૨ વી.એસ. મોટર્સવાળી શેરીમાં રહેતાં પટેલ વેપારી ચંદુભાઇ રાઘવભાઇ ફાચરા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી ભૂપત બાંભવા, કરણ બોરીચા અને ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

ચંદુભાઇના કહેવા મુજબ ૨૫મીએ રાતે હું અગિયારેક વાગ્યે બહારથી ઘરે આવ્યો હતો. એ પછી થોડીવાર બાદ કોઇ શખ્સો શેરીમાં પથ્થરોના ઘા કરી જતાં રહ્યા હતાં. હું બહાર નીકળ્યો હતો અને કોણ હતું? તે પુછવા માટે પડોશી રમેશભાઇ સોરઠીયાના ઘરે ગયો હતો. હું તેની સાથે વાત કરતો હતો ત્યાં બાઇક પર એક શખ્સ આવ્યો હતો અને 'તમે પથ્થરની વાત કરો છો?' તેમ પુછતાં મેં હા પાડતાં એ શખ્સ ઝઘડો કરવા માંડ્યો હતો. તે ભુપત બાંભવા હતો. ત્યાર બાદ બીજા ત્રણ શખ્સો આવ્યા હતાં અને મને મારકુટ કરી લીધી હતી. થોડીવાર બાદ બીજા બે શખ્સોએ આવી તેણે પણ મને ઢીકા-પાટુ માર્યા હતાં. આમ વારાફરતી મારામારી કરી હતી. એ પછી ભૂપતે છરી કાઢી મારા ડાબા સાથળમાં ઝીંકી દીધી હતી. આ છ પૈકીનો એક કરણ બોરીચા હોવાની ખબર પડી હતી. 

શેરીના માણસો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. ત્યારબાદ અમે સો નંબરમાં ફોન કરી પોલીસ બોલાવી હતી અને મેં સારવાર લીધી હતી. માલવીયાનગરના હેડકોન્સ. દિલીપસિંહ જાદવે જરૂરી કાર્યવાહી કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(3:23 pm IST)