Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

કાલે અખિલ હિન્દ મહિલા પરિષદ યોજીત રાષ્ટ્રીય પરીષદના મોંઘેરા મહેમાન

રાજકોટ, તા. ર૬ :  અખિલ હિન્દ મહિલા પરીષદ અને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય અંતર્ગતના નેશનલ ફાઉન્ડેશન ફોર કોમ્યુનલ હાર્મનીના ઉપક્રમે રાજકોટમાં કાલે તા. ર૭ ના ગુરૂવારે સામાજીક સદ્ભાવ સંદર્ભે આયોજિત નેશનલ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય અધ્યક્ષનો પદભાર ગ્રહણ કર્યા પછી પ્રથમવાર રાજકોટ આવી રહેલ શ્રીમતી શીલા કાકડે તથા શ્રીમતી મંજુ કાકનો ટુંકો પરિચય અહીં પ્રસ્તુત છે.

શ્રીમતી શિલા કાકડે

શ્રીમતી શીલા કાકડે ૩પ વર્ષ કરતા વધારે સમયથી અખિલ હિન્દ મહિલા પરીષદની વિવિધ જવાબદારીઓ સંભાળી રહેલ છે અને પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ અન્ય સંસ્થાકીય જવાબદારીઓ વહન કરી ચુકયા છે. મુળ મુંબઇના વતની અને મુંબઇની આદર્શ કેસરબાઇ ભીમાણી વર્કીંગ વુમન હોસ્ટેલનું સફળ સંચાલન કરતાં શ્રીમતી શીલા કાકડેએ બીન પ્રણાલીકાગત વૈકલ્પીક ઉર્જાા ક્ષેત્રે ખુબ જ પ્રદાન કરેલ છે આ ઉપરાંત વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં તેઓનું પાયાનું પ્રદાન છે. પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહામંત્રી, મેમ્બર ઇન્ચાર્જ વગેરે જવાબદારીઓ સંભાળેલી છે. મુંબઇના જુહુ વિસ્તારની લોકપ્રિય ગુલમોહર સંસ્થાના તેઓ આદ્યસ્થાપક છે. સંયુકત રાષ્ટ્ર સંઘ ખાતે કલાઇમેટ ચેઇન્જના વિષયમાં તેઓએ શોધપત્રો રજુ કર્યા છે. તેઓના પતિ પ્રોફે. કાકડે ભાભા એકેડેમિક રિસર્ચ સેન્ટરના જાણીતા વૈજ્ઞાનિક છે. શ્રીમતી શીલા કાકડે મહિલા સુરક્ષા, કલ્યાણ તેમજ સશકિતકરણના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન સાથે અગ્રેસર મહિલા અગ્રણી છે.

ડો. મંજુ કાક-પરિચય

ડો. મંજુ કાક-એક વિવેચક, સાંસ્કૃતિક ઇતિહાસવિદ તેમજ લેખિકા છે, ખાસ કરીને નૃવંશશાસ્ત્રીય અભિગમ સાથે વૈશ્વિકસ્તરે તેઓના અભ્યાસલેખો પ્રસિધ્ધ થયા છે. આ ઉપરાંત ભારતના જાણીતા અંગ્રેજી અખબારો તેમજ કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોના અગ્રણિ અંગ્રેજી સામાયિકોમાં તેઓના સંશોધનાત્મક લેખો પ્રસિધ્ધ થતાં રહે છે.

વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠત હોથર્ડન એન્ડ ચાર્લ્સ વાલેસ ફેલોશીપના તેઓ ધારક છે. સવિશેષ રીતે મહિલા પ્રવૃત્તિમાં અગ્રેસર એવા ડો. મંજુ કાકનું હિમાલયન સાંસ્કૃતિક વિષય ઉપર ખુબ જ સંશોધનાત્મક આલેખન છે અને કુમાવની કાસ્ટ કલા, ઉતરાખંડની હેન્ડીક્રાફટ પ્રવૃતિઓ માટે તેમને વિશ્વ વિખ્યાત રોરીક આર્ટ ગેલેરી દ્વારા સન્માન પ્રાપ્ત થયું છે.

ન્યુ દિલ્હી સ્થિત નેશનલ મ્યુઝીયમના ઇતિહાસ વિભાગના ડોકટરે દિલ્હી યુનિવર્સિટી જામ્યામિલયા યુનિવર્સિટી, સેન્ટ સ્ટીફન કોલેજ તેમજ લીટ્રેચર એન્ડ કલ્ચરર સ્ટડીઝ યુનાઇટેડ ઇન્ડિયાના તે મુલાકાતી પ્રાધ્યાપક છે.

સાંસ્કૃતિક મંત્રાલયના કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા આપનાર ડો. મંજુ કાકને બ્રિટીશ કાઉન્સીલનો એશિયન વોઇસ ઇન ઇંગ્લીશ, કથા પુરસ્કાર, ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત સિનિયર ફેલોશીપ તેમજ બ્રિટીશ કાઉન્સીલનો ચાર્લ્સ વાલેસ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેઓના છ થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. સંયુકત રાષ્ટ્ર સંઘ સી.એસ. ડબલ્યુ.ના વકતા પણ રહેલા છે. વર્તમાનમાં અખિલ હિન્દ મહિલા પરિષદના સામાદાયિક સદ્ભાવન વિભાગના મેમ્બર ઇન્ચાર્જ છે.

આજે સાંજે વિમાનીમથકે અખિલ હિન્દ મહિલા પરીષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા રાજકોટના પ્રમુખ ડો. ભાવના જોશીપુરા, મંત્રી પ્રવિણાબેન જોશી, કોશાધ્યાક્ષ, આશાબેન મદલાણી, મીનાબેન રાવળ વગેરેએ તેઓનું સ્વાગત કર્યુ હતું.

(3:23 pm IST)