Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મહિલા કોલેજ ઓવરબ્રીજ પર માટલા વેંચતી ૧૬ વર્ષની પાયલ પ્રજાપતિનું ટ્રેનની ઠોકરે મોત

લઘુશંકા કરવા માટે પાટા ઓળંગતી'તી ને ટ્રેેન આવી ગઇઃ રૈયા ગામ ૨૫ વારીયાના વાડોલીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૬: મહિલા કોલેજ અન્ડર બ્રિજની ઉપરના ભાગે ક્રાઇમ બ્રાંચની ઓફિસ પાછળના ભાગે પિતા પરિવારજનો સાથે માટલા વેંચતી રૈયા ગામની ૧૬ વર્ષની પ્રજાપતિ બાળા સાંજે ટ્રેનની ઠોકરે ચડી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ સાંજે એક છોકરી ટ્રેનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં તેને ટ્રેન મારફત જંકશન રેલ્વે સ્ટેશને લઇ જવાઇ હતી. ત્યાંથી ૧૦૮ના ઇએમટી ભાવેશભાઇ અને પાઇલોટ ગોરધનભાઇએ તેણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ    ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં એએસઆઇ જયસુખભાઇ હુંબલ સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચ્યો હતો અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ કરી હતી.

એ દરમિયાન મહિલા કોલેજ અન્ડર બ્રિજ ઉપર માટલા વેંચતા રૈયા ગામ પચ્ચીસ વારીયાના મુકેશભાઇ વાડોલીયા (પ્રજાપતિ) સહિતના આવી ગયા હતાં અને મૃત્યુ પામનાર બાળા પોતાની દિકરી પાયલ (ઉ.વ.૧૬) હોવાનું ઓળખી બતાવ્યું હતું. પાયલ રેલ્વેના પાટા નજીક જ પરિવારજનો સાથે માટલા વેંચવા બેસતી હતી. સાંજે તે પાટા ઓળંગી સામેની ઝાડીમાં લઘુશંકા કરવા જતી હતી ત્યાં ટ્રેન આવી ગયાની ખબર ન રહેતાં ઠોકરે ચડી ગયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:38 am IST)