Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

આઠ દિ'થી હોટેલમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશઃ સુત્રધાર દિવ્યેશ કવા અગાઉ પણ ઝડપાઇ ગયો હતો

આજીડેમ ચોકડીએ કે.ડી.એમ. હોટેલના રૂમ નં. ૨૦૪ને ધક્કો દઇ ખોલાતા જ કઢંગી હાલતમાં યુવક-યુવતિ મળ્યા : એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીએસઆઇ અંસારી અને ટીમનો સોનાબેન, બકુલભાઇ, મ.અઝહરૂદ્દીનની બાતમી પરથી દરોડોઃ હોટેલ મેનેજર દ્વારકા વસઇના કિશન માણેક તથા મળતીયા જીતુ રાઠોડ અને ગ્રાહક ચિરાગની ધરપકડઃ સુત્રધાર દિવ્યેશ બીજા ગ્રાહક શોધવા ગયો હોઇ હાથમાં ન આવ્યો : બંગાળની બે લલનાને દિવ્યેશ અને જીતુ મુંબઇથી લાવ્યા'તા

રાજકોટ તા. ૨૬: આજીડેમ ચોકડી પાસે તુર્કીબાપુની દરગાહ નજીક આવેલી કે. ડી. એમ. હોટેલમાં પોલીસે દરોડો પાડી કૂટણખાનુ ઝડપી લીધું હતું. અઠવાડીયાથી આ ગોરખધંધા ચાલુ થયાનું અને તેમાં મેનેજર તથા બીજા બે શખ્સોની ભાગીદારી હોવાનું ખુલ્યું છે. પોલીસે મેનેજર, લલનાને મુંબઇથી લાવનાર શખ્સ તથા એક ગ્રાહકને પકડી લીધા હતાં. અન્ય એક લુહાર શખ્સ હાજર ન મળ્યો હોઇ તેની શોધખોળ થઇ રહી છે. આ લુહાર શખ્સ ત્રણેક વર્ષ પહેલા આફ્રિકા કોલોનીમાં પણ આવા ગોરખધંધા કરવા સબબ પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

પીએસઆઇ એમ.એસ. અંસારીએ આ બારામાં આરટીઓ પાસે હુડકો કવાર્ટર ઇ-૨/૨૮માં રહેતાં જીતેન્દ્ર ઉર્ફ જીતુ ચંદુભાઇ રાઠોડ (ઉ.૩૮), મુળ દેવભુમિ દ્વારકાના વસઇ ગામના હાલ કે.ડી.એમ. હોટેલમાં મેનેજર તરીકે કામ કરતાં કિશન કાળુભાઇ માણેક (ઉ.૨૦) તથા ગીર સોમનાથ તાજ સોસાયટીમાં રહેતાં અને રાજકોટ દવાખાનાના કામ સબબ આવેલા ચિરાગ અર્જુનભાઇ જુમાણી (ઉ.૨૦) તથા નાશી ગયેલા દિવ્યેશ કવા સામે ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. સોનાબેન મુળીયા, હેડકોન્સ. બકુલભાઇ વાઘેલા અને મો.અઝહરૂદ્દીન બુખારીને બાતમી મળી હતી કે આજીડેમ ચોકડી નેશનલ હાઇવે તુર્કીબાપુની દરગાહ પાસે આવેલી કે. ડી.એમ. હોટેલમાં જીતુ રાઠોડ, દિવ્યેશ કવા અને હોટેલનો મેનેજર કિશન સાથે કૂટણખાનુ ચલાવે છે. આથી પોલીસે ખરાઇ કરી દરોડો પાડ્યો હતો. કાઉન્ટર પર જે શખ્સ બેઠો હતો તેનું નામ પુછતાં કિશન માણેક જણાવી પોતે મેનેજર હોવાનું કહ્યું હતું. એ પછી રૂમ નં. ૨૦૪ના દરવાજાને જોરથી ધક્કો મારતાં દરવાજો ખુલી જતાં સ્ત્રી-પુરૂષ કઢંગી હાલતમાં મળ્યા હતાં.

પુછતાછમાં યુવતિએ પોતે મુળ વેસ્ટ બંગાળની વતની હોવાનું અને છ ઘ્વિસથી જીતેન્દ્ર ઉર્ફજીતુએ બોલાવતાં હોટેલમાં આવ્યાનું તેમજ ગ્રાહકો બોલાવી પોતાની સાથે દેહસંબંધ બંધાવડાવી તેના બદલામાં ગ્રાહક દિઠ જીતુ બે હજાર લઇ પોતાને રૂ. ૮૦૦ આપતા હોવાનું કબુલ્યું હતું. આ યુવતિ સાથે રૂમમાંથી મળેલા શખ્સે પોતાનું નામ ચિરાગ અર્જુનભાઇ જુનાણી (ઉ.૨૧-રહે. વેરાવળ) જણાવ્યું હતું અને જીતુભાઇને બે હજાર રૂપિયા આપી શરીર સંબંધ બાંધવા આવ્યાનું કબુલ્યું હતું. રૂમમાંથી કોન્ડોમનું પેકેટ પણ મળ્યું હતું.

એ પછી અન્ય શખ્સે પુછતાછમાં પોતાનું નામ જીતેન્દ્ર ઉર્ફ જીતુ રાઠોડ જણાવ્યું હતું.  રૂમ નં. ૩૦૬માંથી એક યુવતિ મળી હતી તે પણ મુળ વેસ્ટ બંગાળની હોવાનું અને પોતાને દિવ્યેશ કવાએ સાતેક  દિવસ પહેલા બોલાવી હોવાનું અને પોતાની પાસે પણ વેશ્યાવૃતિ કરાવવામાં આવતી હોવાનું કહ્યું હતું. થોડા દિવસ પહેલા પોતે રાજકોટ આવી વતન જતી રહી હતી અને ૨૩/૨ના ફરીથી પોતે રાજકોટ આવતાં દિવ્યેશે કે.ડી.એમ. હોટેલમાં રૂમ બૂક કરાવી દીધાનું કબુલ્યું હતું. તેમજ પોતાને ગ્રાહક દિઠ રૂ. આઠસો અપતા હોવાનું પણ જણાવ્યું હતું. દિવ્યેશ હોટેલમાં હાજર નહોતો. તે બહાર બીજા ગ્રાહકો શોધવા ગયાનું જણાવાયું હતું. આ યુવતિએ કબુલ્યું હતું કે દિવ્યેશ સાથે આ ધંધામાં હોટેલના મેનેજર કિશન પણ સામેલ છે. આથી પોલીસે કિશન, જીતેન્દ્ર ઉર્ફ જીતુ અને ગ્રાહક ચિરાગ તેમજ હોટેલમાં હાજર નહિ મળેલા દિવ્યેશ સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી હતી. બે લલનાને સાહેદ બનાવી હતી. દિવ્યેશની શોધખોળ થઇ રહી છે. સાત-આઠ દિવસથી આ ગોરખધંધા ચાલુ કરાયાનું હાલ સામે આવ્યું છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી, એએસઆઇ જે. પી. મહેતા, હેડકોન્સ. બકુલભાઇ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બાદલભાઇ દવે, હરપાલસિંહ ઝાલા, મધુકાંત સોલંકી, ઝાહીરખાન ખફીફ, કોન્સ. જયદેવસિંહ પરમાર, મો. અઝહરૂદ્દીન બુખારી, ધીરેનભાઇ ગઢવી, કિશોરદાન ગઢવી, જગદીશભાઇ ગઢવી, સોનાબેન, ચંદ્રકાંતભાઇ ગોંડલીયા સહિતે આ કામગીરી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ બે બંગાળી લલનાને દિવ્યેશ અને જીતુ મુંબઇ જઇ ત્યાંથી રાજકોટ લાવ્યા હતાં. હોટેલ કોઇ હેરી નામના શખ્સે ભાડે રાખ્યાનું પણ બહાર આવી રહ્યું છે.

(11:36 am IST)