Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જીવાપરની ૩૨૪ એકર જમીન ખાલસાનો હુકમ કરતા કલેકટર

શ્રી રેમ્યા મોહનનો જબરો ચૂકાદો : કરોડોની જમીન : જે તે સમયે ચોટીલા મામલતદારે ખોટું અર્થઘટન કરી ૯ આસામીને જમીન ફાળવી દિધેલ : તમામની વેચાણ નોંધ રદ્દ : સરકારી ફાજલ જમીન જાહેર કરાઇ : હાલ સીટી પ્રાંત-૨ પાસે પણ આ બાબતે કેસ ચાલે છે

રાજકોટ તા. ૨૫ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને સીઓમોટો વાપરી કરોડોની મનાતી અને ખોટી રીતે ખાનગી પાર્ટીને ફાળવી દેવાયેલ સરકારી જમીનના કેસમાં ગત તા. ૧૨ ફેબ્રુઆરીએ મહત્વનો ચૂકાદો આપી ૩૮૦ એકરમાંથી ૩૨૪ એકર જમીન કે જે જીવાપરની છે, અને નોંધ - બામણબોરની છે તે ખાલસા કરતો હુકમ કરી મૂળ સરકારી ફાજલ કરવાનો આદેશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

અત્રે એ નોંધનીય છે કે જીવાપરની આ જમીનોનો કેસ અલગ અલગ તબક્કે સુપ્રીમ કોર્ટ સુધી પણ ચાલ્યો હતો, જે તે સમયે ચોટીલાના તત્કાલીન મામલતદારે ખોટુ અર્થઘટન કરી રામભાઇ નાનભાઇ ખાચર સહિત ૯ આસામીને જમીન ફાળવી દિધી હતી, અને તેની વેચાણ નોંધ બામણબોરમાં ૧૮૫૪, ૧૮૮૩, ૧૮૯૦, ૧૮૯૧, ૧૮૯૩, ૧૯૦૬ હોવાનું બહાર આવ્યું હતું.

આ દરમિયાન ચોટીલા - સુરેન્દ્રનગરના ૫ ગામો રાજકોટ તાલુકામાં સરકારે ભેળવી દિધા. જેમાં બામણબોર - જીવાપરનો પણ સમાવેશ થાય છે.

જીવાપરના નોંધ નંબરના ૬૨૧, ૬૨૨, ૬૨૩, ૬૨૪, ૬૩૦, ૬૩૧, ૬૩૨, ૬૩૩, ૬૩૯ની જમીન રિવીઝનમાં લઇ કલેકટરે વેચાણ નોંધ રદ્દ કરી જમીન ખાલસા કરતો હુકમ કર્યો છે. કલેકટરે ૧૨ ફેબ્રુઆરીએ ચુકાદો આપી સંબંધીત આસામીઓ - અધિકારીઓને જાણ કરતા આદેશો કર્યા છે.

જે આસામીઓને ફાળવી દેવાયેલ તેમાં રામભાઇ ખાચર, ઇન્દ્રા ખાચર, ઉમેદ ધાધલ, પંકજ ગઢીયા, પાર્થ બોદર, ભાવેશ હરસોડા, કમલેશ ધવા, રાજેશ ખાચર, જશુભાઇ ધાધલ, કંકુબેન ગઢીયા, મૌલીક બોદરનો સમાવેશ થાય છે.

અગાઉ કુલ ૩૮૦ એકર જમીન જીવાપર - બામણબોરની ટોચ મર્યાદામાં ફાજલ થઇ હતી.

આ પછી જે તે સમયે તત્કાલીન મામલતદારે ફરીથી કેસ ચલાવી યુનિટો આપી દિધેલ, આ સામે કલમ-૩૫ હેઠળ અપીલ થયેલ છે, અને હાલ નાયબ કલેકટર સીટી પ્રાંત-૨ સમક્ષ કેસ પણ ચાલુ છે.

જે તે મામલતદારે ૩૮૦માંથી ૩૨૪ એકર જમીન-૬ યુનિટ ફાળવી દિધા હતા, કલેકટર સમક્ષ આ કેસ આવતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા અને વેચાણ નોંધ હતી તે રિવીઝનમાં લઇ - જમીન ખાલસા કરવાનો હુકમ કર્યો હતો.

(3:43 pm IST)