Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાજકોટ યાર્ડ ૯માં દિવસે પણ બંધઃ યાર્ડના શાસકોએ દલાલ મંડળની ઓફિસને તાળુ મારી ૩ કમિશન એજન્ટોને લાયસન્સ રદ કરવાની નોટીસ આપી

કિશાન સંઘના અગ્રણીઓએ યાર્ડના પદાધિકારીઓ અને વેપારીઓ વચ્ચે મધ્યસ્થી કરતા હડતાલ સમેટાઇ તેવી શકયતાઃ સંભવત કાલ અથવા પરમ'દિથી યાર્ડ ફરી ધમધમતું થશે : કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી, કિશોર દોંગા તથા વલ્લભભાઈ પાંચાણીને લાયસન્સ સસ્પેન્ડ કરવા નોટીસ ફટકારાઈ

તસ્વીરમાં કમીશન એજન્ટ એસીસીએશનની ઓફીસ અને બીજી તસ્વીરમાં આ ઓફીસને યાર્ડના સંચાલકોએ તાળુ મારી કબ્જો લઇ લીધો હતો તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.,  ૨૬ :  રાજકોટની ભાગોળે આવેલ બેડી માર્કેટયાર્ડ પાસે આજી ડેમ-૨ના કૃારણે મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત વેપારીઓએ  રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કરતા તેના વિરોધમાં તથા મચ્છરોના ઉપદ્રવ પ્રશ્ને આજે ૯મા દિવસે યાર્ડના વેપારીઓએ બંધ પાળ્યો હતો. બીજી બાજુ શાસકોએ આજે દલાલ મંડળની ઓફિસને તાળુ મારી કબ્જો લઈ લીધો હતો અને ૩ કમિશન એજન્ટોને લાયસન્સ સસ્પેન્ડ કરવાની નોટીસ ફટકારી હતી. યાર્ડના સંચાલકોની આકરી કાર્યવાહી અને કિશાન સંઘની મધ્યસ્થીથી સંભવતઃ કાલે અથવા પરમ'દિ  હડતાલ સમેટાઇ તેવી શકયતા છે.

રાજકોટ (બેડી યાર્ડ) નજીક પસાર થતા ગટરના પાણીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ થવાથી ખેડૂતો, વેપારીઓ અને મજુરો ત્રાહીમામ પોકારી ગયા હતા. મચ્છરોના ઉપદ્રવ મામલે કોઈ કાર્યવાહી ન કરાતા વેપારી એસોસીએશનને ગત સોમવારે હડતાલની ચિમકી આપી હતી. ત્યાર બાદ વેપારીઓ અને મજુરોએ રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસની ફરજમાં રૂકાવટ કરી ચક્કાજામ કરનાર વેપારી સહીત ૩ર વ્યકિતઓની પોલીસે ધરપકડ કરી હતી.

દરમિયાન લાઠીચાર્જના  વિરોધમાં તથા મચ્છરોના ઉપદ્રવ પ્રશ્ને વેપારીઓ દ્વારા રાજકોટ યાર્ડની અચોક્કસ મુદતનું બંધનું એલાન આપ્યું છે. તે અંતર્ગત આજે નવમાં દિવસે રાજકોટ યાર્ડ બંધ રહ્યુ હતું. યાર્ડના વેપારીઓએ તેની સામેના પોલીસ કેસ પાછા ન ખેંચાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવાની જાહેરાત પર મક્કમ રહેતા છેલ્લા ૯ દિ'થી યાર્ડમાં કરોડોનું ટર્નઓવર ખોરવાઈ ગયુ છે.

દરમિયાન યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ ગઈકાલે જણાવ્યુ હતુ કે યાર્ડમાં જે તે વેપારીઓ કે કમિશન એજન્ટો યાર્ડની કામગીરી કરવા માંગતા ન હોય તેઓ દિવસ ૩માં બજાર સમિતિ રાજકોટનું લાયસન્સ પરત જમા કરાવી આપે તેમજ બજાર સમિતિ રાજકોટ દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા તરીકે સહકારી મંડળીઓ મારફત ખેડૂતોની ખેત પેદાશોનું વેચાણ કરવાની વૈકલ્પીક વ્યવસ્થા વિચારણા હેઠળ છે જે અંતર્ગત આજે રાજકોટ યાર્ડના સંચાલકોએ યાર્ડમાં આવેલ દલાલ મંડળની ઓફિસને તાળુ મારી કબ્જો લઈ લીધો હતો તેમજ આંદોલન અને હડતાલ સાથે સંકળાયેલ કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી, કિશોર દોંગા તથા વલ્લભભાઈ પાંચાણીના લાયસન્સ કેમ સસ્પેન્ડ ન કરવા ? તે અંગે શોકોઝ નોટીસ ફટકારી છે.

યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે યાર્ડમાં કમીશન એજન્ટ એસોસીએશને  તેઓની કામગીરી માટે ઓફીસ વાપરવા માટે આપવામાં આવેલ છે. પરંતુ ઓફીસમાં  આ એસોસીએશન તરફથી યાર્ડની વિરૂધ્ધમાં બીન કાયદેસર કાર્યવાહી અને કામગીરી થતી હોય આ ઓફીસનો એસોસીએશન પાસેથી યાર્ડે તાળુ મારી કબ્જો લઇ લીધો છે.

દરમિયાન આજે કિશાન સંઘના આગેવાનોએ મધ્યસ્થી કરી  યાર્ડના પદાધિકારીઓ અને વેપારીઓ તેમજ કમીશન એજન્ટ એસોસીએશનના હોદેદારો સાથે મીટીંગ યોજી હડતાલ સમેટવા ચર્ચા-વિચારણા કરી હતી. યાર્ડમાં મચ્છરોના ઉપદ્રવનો પ્રશન મહદ અંશે ઉકેલાઇ ગયો છે જયારે વેપારીઓ સામેના પોલીસ કેસ પાછા ખેંચવાના મુદ્દા અંગે સરકારમાં રજુઆત કરવામાં યાર્ડના પદાધિકારીઓ સાથે રહેશે તે બાબતે સહમતી સધાઇ રહી છે અને સંભવતઃ આવતીકાલ અથવા પરમદિ'થી યાર્ડમાં હડતાલ સમેટાઇ જાય તેવી શકયતા છે.

(3:11 pm IST)