Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જાણીતા તસ્વીરકાર દેવેન અમરેલીયાની અફલાતુન તસ્વીરોનું પ્રદર્શન

શ્યામપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે તા.૩ થી ૫ માર્ચ સુધી નિહાળી શકાશે લાગણીભીની 'કલીક'નો નજારો : ૨૦ હજારથી વધુ તસ્વીરોનો ખજાનો : જર્નાલીસ્ટ તરીકેની યાત્રામાં કેમેરાની આંખે કંડારેલી ૯૦ અલભ્ય 'કલીક' થશે પ્રદર્શિત

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રાજકોટ - સૌરાષ્ટ્રના નામાંકિત ફોટોગ્રાફરો સર્વેશ્રી રમેશભાઈ ટંકારીયા, દેવેન અમરેલીયા, ભાવીન રાજગોર, નિશુ કાચા, પ્રવિણ સેદાણી, પ્રકાશ રાવરાણી, દિવ્યરાજસિંહ સરવૈયા, દર્શન ભટ્ટી, ચિરાગ ચોટલીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૬ : રંગીલા રાજકોટવાસીઓ કંઈક નવું જાણવા અને માણવાના શોખીન છે, ત્યારે રાજકોટમાં છેલ્લા બે દાયકાથી સેવારત અને સંવેદનાસભર આંખોથી કેમેરાના લેન્સને લાગણીના ઝૂમ ઈન વિશ્વમાં લઈ અદ્દભૂત દૃશ્યોની વણઝારને કચકડે કેદ કરનાર જાણીતા યુવા ફોટોગ્રાફર શ્રી દેવેન અમરેલીયાએ કંડારેલી હૃદયસ્પર્શી 'કલીક'નો અમૂલ્ય ખજાનો મન ભરીને માણવાનો અવસર આવ્યો છે. પોઝીટીવીટી અને સેન્સેટીવીટીના દિલથી ઝીલેલા દૃશ્યોનો આસ્વાદ રાજકોટવાસીઓ માણી શકે એટલા માટે આગામી તા.૩ માર્ચ શનિવારથી તા.૫ માર્ચ સોમવાર સુધી રાજકોટના હાર્દસમા રેસકોર્ષ સ્થિત શ્યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે શ્રી દેવેન અમરેલીયાની બેનમૂન ચુનંદા તસ્વીરોનું અલભ્ય પ્રદર્શન યોજાશે. જેને નગરજનો સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા અને સાંજે ૪ થી રાત્રે ૮ વાગ્યા દરમિયાન નિહાળી શકશે.

અખબારી જગતમાં ગૌરવપૂર્ણ નામ ગણાતા શ્રી દેવેન અમરેલીયા તેના એન્ગલ અને આઈડીયા થકી ક્રિએટીવ ફોટોગ્રાફીમાં માઈલસ્ટોન ગણાય છે. તેમણે ન્યુઝ ફોટોગ્રાફીમાં કાર્યરત રહીને વિવિધ ઘટનાઓ અને સેલીબ્રીટીઓને કેમેરામાં કંડાર્યા છે. ખૂબ જ ઓછું બોલે, પણ તસ્વીરો થકી હૃદયસ્પર્શી વાતને બયાન કરતા દેવેન અમરેલીયાની પોઝીટીવીટી અને સેન્સેટીવીટી જ તેની આઈડેન્ટીટી છે. એટલે જ તો તસ્વીરકળા ક્ષેત્રે તેની એક અલગ ઈમેજ છે. તેમની ક્રિએટીવીટીનો ખજાનો અમૂલ્ય છે. નાની ઉંમરે જ તસ્વીર કળામાં પારંગત બનેલા દેવેન અમરેલીયા પાસે અત્યારે ફોટો જર્નાલીઝમ ક્ષેત્રની જ અધધ ૨૦,૦૦૦થી વધુ તસ્વીરોનો ખજાનો છે. જેમાંથી મહત્તમ તસ્વીરો મીડીયાના માધ્યમથી લોકો સુધી પહોંચીને જબરી દાદ મેળવી ચૂકી છે. કારણ કે ઘણી વખત કલમથી બયાન નથી થઈ શકતુ ત્યાં તસ્વીરો બોલે છે. દેવેન અમરેલીયા પાસે કદાચ જીવંત કેમેરો હોય એવુ લાગે છે. કેમેરાના લેન્સ લાગણીથી તરબોળ હોય અને કલીક થાય ત્યારે કરૂણાનો ભાવ પણ આબેહુબ ઝીલી લેવાની કળામાં દેવેન અમરેલીયાની આવડત કાબીલ-એ-દાદ છે. શિસ્તબદ્ધ રીતે સખત મહેનત કરીને સતત નવી 'કિલક' કરવાની તાલાવેલીના કારણે દેવેન અમરેલીયાની તસ્વીરોમાં અનોખી તાજગી જોવા મળે છે.

રાજકોટમાં રેસકોર્ષ સ્થિત શ્યામપ્રસાદ  આર્ટ ગેલેરી ખાતે યોજાનાર બેનમૂન તસ્વીરોના અલભ્ય પ્રદર્શનને આગામી તા.૩ માર્ચ શનિવારે સવારે ૧૦ વાગ્યે પૂજય માતુશ્રી કાન્તાબેન વાલજીભાઈ અમરેલીયાના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવશે. જેમાં યુવા તસ્વીરકાર દેવેન અમરેલીયાએ ખેડેલી બે દાયકાથી ફોટો જર્નાલીસ્ટ તરીકેની યાત્રામાં કેમેરાની આંખે કંડારેલી ૯૦ જેટલી અલભ્ય 'કિલક' પ્રદર્શિત કરવામાં આવશે. વર્ષોથી મિડીયામાં વિવિધ ઘટનાઓનું પ્રતિબિંબ પાડતા દેવેન અમરેલીયાના તસ્વીર પ્રદર્શનમાં વિતેલા સમયની ઘટનાઓ, માનવીય મનોભાવો, સુખ-દુઃખ, ઉછળકૂદ, નિર્દોષતા અને કુદરતના કરીશ્માની બેનમૂન કૃતિઓ જોવા મળશે. તેઓ અહીં જ ઉપસ્થિત રહીને એક થી ચડીયાતી એક તસ્વીરો તેમણે કયાં અને કેવા સંજોગોમાં 'કિલક' કરી... એ પણ તસ્વીરકળા માણવા આવનાર રાજકોટવાસીઓ સમક્ષ વર્ણવશે.

એટલુ જ નહિં આ તસ્વીર પ્રદર્શનમાં ફોટોગ્રાફીના ઈતિહાસથી લઈને વિશ્વના શ્રેષ્ઠતમ ફોટોગ્રાફસ જોવા મળશે. આ સાથોસાથ રાજકોટાન સિદ્ધહસ્ત ફોટોગ્રાફર્સ પાસેથી કેમેરાની કળા વિશેની શાનદાર ટીપ્સ પણ મળશે. તો આ 'કિલક'ની કાબેલીયતને માણવા રાજકોટવાસીઓને નિમંત્રણ પાઠવાયુ છે.

આ અંગે વધુ માહિતી માટે ભાવિક, દેવેન, રાજ અમરેલી મો. ૯૮૨૪૨ ૪૩૦૨૫નો સંપર્ક કરી શકાય છે.

(4:36 pm IST)