Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

હવે ગરમી ડૂચા કાઢશે : પારો ૩૮ થી ૪૦ની રેન્જમાં પહોંચી જશે

તૈયાર રહેજો... ગરમીનો પ્રથમ રાઉન્ડ આવી રહ્યો છે : સૌરાષ્ટ્રમાં અમુક દિવસે છુટાછવાયા વાદળો જોવા મળશે :મંગળ-બુધ-ગુરૂ જોરદાર ગરમી પડશે : હાલના નોર્મલ તાપમાનથી પાંચ થી છ ડિગ્રીનો વધારો થવાની સંભાવના : અશોકભાઈ પટેલ :એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, જેની અસરથી જમ્મુ - કાશ્મીરમાં ૩ થી ૪ દિવસ વરસાદ પડશે

રાજકોટ, તા. ૨૬ : દર વર્ષ કરતા આ વર્ષે ઠંડીના ઓછા ચમકારા અનુભવાયા અમુક સેન્ટરોને બાદ કરતા ઠંડીનો પારો ૧૦ ડિગ્રી આસપાસ ઘૂમતો રહ્યો. દરમિયાન ગત સપ્તાહ બે-ત્રણ દિવસ તાપમાન ઉંચકાયા બાદ હવે આ સપ્તાહથી ગરમીનો જબરદસ્ત રાઉન્ડ આવી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને આવતીકાલ બુધવાર અને ગુરૂવાર એમ ત્રણ દિવસ ગરમીનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના છે. જયારે બાકીના દિવસોમાં પણ ગરમીનું જોર રહે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

ગત સપ્તાહે આપેલી આગાહી મુજબ તા.૨૦ થી ૨૨ તાપમાન ઉંચકાશે. પારો ૩૬ થી ૩૭ ડિગ્રીએ પહોંચી જશે તે મુજબ વધી ગયુ હતું. જયારે ગઈકાલથી ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. જેમ કે ગઈકાલે રાજકોટ શહેરમાં ગઈકાલે ૩૭ ડિગ્રી (નોર્મલથી ચાર ડિગ્રી ઉંચુ), આજે સવારે ન્યુનતમ ૨૧.૬ (નોર્મલથી ૫ ડિગ્રી ઉંચુ), ભુજમાં મહત્તમ ૩૫.૮ (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ), ન્યુનતમ ૧૯ ડિગ્રી (નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ), સુરત ૩૬.૪ (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ), ન્યુનતમ ૨૨ ડિગ્રી (નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ), અમદાવાદ ૩૫.૧ (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ) અને ન્યુનતમ તાપમાન ૧૮.૮ ડિગ્રી (જે નોર્મલથી બે ડિગ્રી ઉંચુ) નોંધાયેલ.

અશોકભાઈએ નિર્દેશ આપતા જણાવ્યુ કે તા.૨૬ ફેબ્રુઆરીથી તા.૪ માર્ચ દરમિયાન ગરબી હજુ વધશે. આગાહીના અમુક દિવસોમાં પારો ૩૮થી ૪૦ની રેન્જમાં રહેશે. જયારે બાકીના દિવસોમાં પણ ગરમ સેન્ટરોમાં પારો ૩૭ થી ૪૦ ડિગ્રી નોંધાશે. તા.૨૭, ૨૮ અને ૧ માર્ચ (મંગળ, બુધ, ગુરૂ) જોરદાર ગરમી રહેશે.

સૌરાષ્ટ્રમાં અમુક દિવસે છુટાછવાયા જોવા મળશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ સક્રિય થયુ છે. જે આવતા દિવસોમાં એટલે કે ત્રણથી ચાર દિવસ જમ્મુ - કાશ્મીરમાં વરસાદ પડશે.

તો હિટવેવ કહેવાય

જો આવતા દિવસોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી જશે તો હિટવેવ કહેવાશે. કારણ કે હાલમાં મહત્તમ તાપમાન ૩૩ થી ૩૪ ડિગ્રી આસપાસ રહે છે.

(4:35 pm IST)