Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ગુરૂવારથી રાજકોટ સહિત રાજયભરના ૧૯,૦૦૦ રેશનીગ દુકાનદારોની હડતાલઃ દુકાન નહી ખોલાયઃ નરેન્દ્ર ડવ

અનેક પ્રશ્નો પેન્ડીંગઃ સરકારે બનાવેલ કમીટી અમને રીપોર્ટ આપતી નથી... : આધારકાર્ડ લીન્કઅપ-અંગૂઠાનો સોફટવેર કામ કરતો નથીઃ કમીશન પ્રશ્ન પણ અભેરાઇએઃ આજે અમદાવાદમાં મળેલ સંમેલનમાં નિર્ણય લેવાયો : દુકાનદારો ઘઉં-ચોખા-ખાંડ નહી ઉપાડેઃ કેરોસીનની પરમીટ નહી લેવાય-કેરોસીન પણ ઠપ્પ કરી દેવાશે

રાજકોટ તા.ર૬ : રાજકોટ સહિત રાજયના ૧૯,પ૦૦થી વધુ રેશનીંગ દુકાનદારોના અનેક લટકતા પ્રશ્નો અંગે અને પ્રશ્નોના નિરાકરણ માટે પૂરવઠા ખાતાએ જે કમીટી બનાવી હતી તેનો કોઇ રિપોર્ટ આપ્યો ન હોય, આગામી ૧લી માર્ચ અને ગુરૂવારથી રાજકોટના ૯૦૦ સહિત અને સૌરાષ્ટ્ર-કચ્છના ૮ાા હજારથી વધુ સસ્તા અનાજના દુકાનદારો સહિત રાજયના ૧૯,પ૦૦થી વધુ દુકાનદારો બેમુદતી હડતાલ ઉપર જઇ રહ્યાનું અને એકપણ દુકાન જ નહી ખોલાય તેવુ આજે અમદાવાદ ખાતે મળેલા સસ્તા અનાજના દુકાનદારોના રાજયભરના હોદેદારોના સંમેલનમાં ફાઇનલ કરાયાનું આજે બપોરે ૧ાા વાગ્યે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતુ.

રાજકોટથી આ સંમેલનમાં રાજકોટ ફેરપ્રાઇઝ એસો.ના પ્રમુખશ્રી નરેન્દ્ર ડવ, અગ્રણી હોદેદાર શ્રી માવજી રાખશીયા તથા અન્યો ગયા હતા.

સંમેલનમાં ફાઇનલ થયા બાદ શ્રી નરેન્દ્ર ડવે 'અકિલા'ને ઉમેર્યુ હતુ કે, અમારા અનેક પ્રશ્નો પેન્ડીંગ છે. વારસાઇ બાબતે નિર્ણય લેવાતો નથી. કેરાલાની જેમ અમને કમીશન આપવાની માંગણી સ્વીકારવાની નથી, આધારકાર્ડ લીન્કઅપ-અંગુઠાનું નિશાન, ઓનલાઇન પુરવઠાનો સોફટવેર આટલા વર્ષે પણ બરોબર કામ કરતો નથી, પરિણામે રોજેરોજ દુકાનદારો અને કાર્ડ હોલ્ડરો વચ્ચે માથાકુટ સર્જાય છે, બીજા પણ અનેક પ્રશ્નો છે. સરકારે જે કમીટી બનાવી છે તે રીપોર્ટ આપતી નથી, આથી હવે લડતનો માર્ગ અખત્યાર કરી ગુરૂવારથી આંદોલનના મંડાણ કરાશે. દરેક જીલ્લા મથકે આવેદન અપાશે. ગુરૂવારથી રાજકોટ સહિત રાજયભરના ૧૯ હજારથી વધુ રેશનીંગ દુકાનદારો બેમુદતી હડતાલ ઉપર ઉતરી જશે. અમે ગુરૂવારથી દુકાનો જ ખોલીશુ નહી, જેમણે માર્ચ મહિનાની પરમીટ લીધી છે. તેઓ માલ ઉપાડશે નહી અને વિતરણ પણ નહી કરે.

આ ઉપરાંત કેરોસીનની પરમીટ તા.ર માર્ચે ઉપાડવાની છે તેનુ પણ રાજયના ૮ હજાર કેરોસીન વિતરકો વિતરણ બંધ કરી દેશે. હવે જે કોઇ સ્થિતિ સર્જાય તેમાં જવાબદારી સરકારની રહેશે. કાર્ડ હોલ્ડરોને તકલીફ પડે તે અંગે અમે તમામ દુકાનદારો દિલગીરી છીએ. તેમશ્રી નરેન્દ્રભાઇ ડવે ઉમેર્યુ હતુ.

(4:34 pm IST)